Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શૂટિંગ માટે ઐશ્વર્યા રાય દીકરી સાથે એમપી પહોંચી

ફિલ્મ પેન્નિયિન સેલ્વનના શૂટિંગ માટે ઐશ્વર્યા પહોંચી : શાનદાર સ્વાગત થતાં આરાધ્યાએ હાથ જોડીને આભાર માન્યો : અભિષેક બંનેને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો

મુંબઈ, તા.૨૧ : શુક્રવારે સાંજે ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા સાથે મધ્યપ્રદેશના ઓરછા પહોંચી છે. ઓરછા પેલેસ હોટલમાં ઐશ્વર્યા અને આરાધ્યાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મ 'પેન્નિયિન સેલ્વન'ના શૂટિંગ માટે ઓરછા આવી છે. ઐશ્વર્યા ઉપરાંત ફિલ્મ એક્ટર પ્રકાશ રાજ એકાર્થી સહિત આખી ટીમ ઓરછા આવી ચૂકી છે. બધા એક હોટલમાં રોકાયા છે. ઐશ્વર્યા અને આરાધ્યા હોટલમાં આવી પહોંચ્યા ત્યારે આરતી અને ફૂલોના બુકે સાથે તેમનું શાનદાર સ્વાગત થયું હતું. હોટલના સ્ટાફે સ્વાગત કરતાં આરાધ્યાએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. આરાધ્યાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ કહી રહ્યા છે કે, આરાધ્યાનું આટલું વિનમ્ર હોવું કહી જાય છે કે ઐશ્વર્યાએ તેનામાં સારા સંસ્કાર સીંચ્યા છે. અભિષેક-ઐશ્વર્યાના ફેન્સ આરાધ્યાની તસવીર પર ઓવારી ગયા છે. શુક્રવારે બપોરે અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાને મૂકવા માટે મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. આગામી થોડા દિવસો સુધી પરિવાર એકબીજાથી દૂર રહેશે ત્યારે ઐશ્વર્યા અને આરાધ્યાએ ઉષ્માભર્યું આલિંગન આપીને અભિષેકને વિદાય આપી હતી. બચ્ચન પરિવારની ક્ષણ ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ હતી. પેન્નિયિન સેલ્વનની વાત કરીએ તો, ૨૧ ઓગસ્ટથી ફિલ્મનું શૂટિંગ ઓરછામાં શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓરછાના ૧૬મી સદીના ભવ્ય મહેલો અને મંદિરોમાં ફિલ્મનું શૂટિંગ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શૂટિંગના સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ૨૨ ઓગસ્ટે ફિલ્મનું શૂટિંગ ગ્વાલિયરમાં થવાનું છે. જણાવી દઈએ કે, પેન્નિયિન સેલ્વન તમિલ ભાષાના મહાકાવ્ય પર આધારિત ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા મણિરત્નમે જાતે લખી છે.

(7:26 pm IST)