Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

૧૭ વર્ષે ફરી કસૌટી ઝિંદગી કી શરૂ કરશે એકતા કપૂર

ઓરિજનલ સીરિયલમાંથી કોઇ નહિ હોય અને તેની કાસ્ટ એકદમ નવી જ હશે

મુંબઇ તા. ૧૯ : એકતા કપૂરે અનેક પોપ્યુલર સિરીયલ પ્રોડ્યુસ કરી છે જેમાં કયોંકી સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કીનો સમાવેશ થાય છે. આ સીરિયલોને કારણે જ સ્મૃતિ ઈરાની અને સાક્ષી તનવર ઘર ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. દર્શકોના દિલ પર રાજ કરનાર એકતા કપૂરની બીજી એક સીરિયલ હતી કસૌટી ઝિંદગી કી. તેમાં શ્વેતા તિવારી, સેઝાન ખાન, રોનિત રોય અને ઉર્વશી ધોળકિયાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.  કપૂર હવે આ શો ફરી શરૂ કરવા જઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 'આ શો એકતાના દિલની ખૂબ જ નજીક છે. તે તેની નવી સીઝન બનાવવા જઈ રહી છે. તેમાં ઓરિજિનલ સીરિયલમાંથી કોઈ નહિ હોય અને તેની કાસ્ટ એકદમ નવી જ હશે. પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાસ્ટિંગ શરૂ થશે.'

એકતા કપૂરે કસૌટી શરૂ થવાની હિટ આપતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું, 'મારા તૂટેલા દિલ સાથે ૨૦૦૧માં મેં એક સ્ટોરી લખી હતી. હવે ૧૭ વર્ષ પછી હું એ સીરિઝને મારા અંગત દર્દ અને અનુભવોથી સજાવીને રિબૂટ કરવા જઈ રહી છુ. હું મારી ૯ વર્ષ ચાલેલી સૌથી સફળ પ્રેમ કહાની ફરી પાછી લઈને આવી રહી છું. હું ફરી મારા તૂટેલા દિલમાંથી કળાનું સર્જન કરીશ.'

ઉલ્લેખનીય છે કે કસૌટી ઝિંદગી અનુરાગ અને પ્રેરણાની પ્રેમ કહાની હતી જેમને ગેરસમજ અને નસીબની બલિહારીને કારણે જુદા થવુ પડે છે. તે એકવાર પરણે છે અને તેમને ત્રણ બાળકો પણ થાય છે પરંતુ તેમને ફરી છૂટ્ટા પડવું પડે છે અને તેમના દુશ્મનોને કારણે તેમને આજીવન એકબીજાથી અલગ રહેવું પડે છે. મૃત્યુ પછી જ તેમની આત્મા એક થાય છે અને તેમનું પરફેકટ મિલન થાય છે. હવે જોવું એ રહ્યું કે એકતા આ કહાનીને આગળ કેવી રીતે વધારે છે.(૨૧.૧૦)

(10:50 am IST)