Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાની મુખર્જીએ મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદ્યો ફલેટઃ હાર્દિક પંડયા-દિશા પટણીની પાડોશી બની

૭ કરોડથી વધુ કિંમતમાં મુંબઈના ખાર વિસ્તારમાં નવો ફલેટ ખરીદ્યો : દિશા પટણીએ પણ જૂન મહિનામાં આ જ એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદ્યો હતોઃ રાની મુખર્જીનો ફ્લેટ ૨૨માં માળે છે અને અહીંથી સમુદ્રનો સુંદર નજારો દેખાય છે

મુંબઇ, તા.૧૨: બોલિવુડ એકટ્રેસ રાની મુખર્જી હાલ કોઈ ફિલ્મને લઈને નહીં પરંતુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે રાની મુખર્જી મુંબઈના ખાર (વેસ્ટ) વિસ્તારમાં નવું દ્યર ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, રાનીએ આ વર્ષે ૩૧ માર્ચે જ દ્યરની ડીલ ફાઈનલ કરી હતી.

ડીલ ફાઈનલ કર્યાના મહિનાઓ બાદ ૧૫ જુલાઈએ આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાનીનો નવો ફ્લેટ ૨૨માં માળે છે અને ફ્લેટનો કાર્પેટ એરિયા ૧૪૮૫ સ્કવેર ફૂટ છે. રાની મુખર્જીને આ એપાર્ટમેન્ટમાં બે પાર્કિંગ સ્પોટ મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રાનીએ આ ફ્લેટ ખરીદવા માટે ૭.૧૨ કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે. રાનીના આ ફ્લેટમાં અરબી સમુદ્રનો સુંદર નજારો પણ જોવા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ખાર વિસ્તારમાં આવેલા આ એપાર્ટમેન્ટમાં બોલિવુડ એકટ્રેસ દિશા પટણી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક અને કૃણાલ પંડ્યાએ પણ આ જ એપાર્ટમેન્ટમાં ઘર ખરીદ્યા છે. દિશા પટણીના ઘરની કિંમત ૫.૯૫ કરોડ રૂપિયા છે અને તેણે જૂન મહિનામાં આ પ્રોપર્ટી રજિસ્ટર કરાવી હતી. દિશાનો ફ્લેટ ૧૬માં માળે છે. આ તરફ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ આ એપાર્ટમેન્ટમાં 8 BHK (4 BHK+4BHK) ફ્લેટ ખરીદ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ માટે પ્રાઈવેટ થિયેટર, સ્વીમિંગ પુલ, જિમ, સ્કાય ડેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનિયર સીટિઝન કોર્નર વગેરે જેવી સુવિધાઓ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, રાની મુખર્જી 'મિસિસ ચેટર્જી VS નોર્વે' ફિલ્મમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં અગાઉ સૂત્રોએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, 'રાનીએ આ ફિલ્મ માટે ખૂબ તૈયારી કરી છે અને ટૂંક સમયમાં જ તેની વધુ વિગતો બહાર આવશે.

આ ફિલ્મના શૂટિંગ માટે રાની એક મહિનો વિદેશ જશે. રાની આ પ્રોજેકટ શરૂ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. આ ફિલ્મ તેના દિલની નજીક છે. આ સિવાય રાની મુખર્જી સૈફ અલી ખાન સાથે 'બંટી ઔર બબલી ૨'માં જોવા મળશે.

(3:49 pm IST)