Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અભિનેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા અધ્યક્ષ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂંક કરાઈ : પરેશ રાવલ ગુજરાતના પૂર્વ સાંસદ છે, ગુજરાતી નાટકો-ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છેે

નવી દિલ્હી,તા.૧૦ : બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત ભાજપના પૂર્વ સાંસદ રાવલને એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે રાવલને એનએસડીના ચીફ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, 'જાણીતા કલાકાર પરેશ રાવલની રાષ્ટ્રપતિની અધ્યક્ષતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. દેશના કલાકારો અને વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાનો લાભ મેળવશે. હાર્દિક અભિનંદન. પરેશ રાવલ ગુજરાતી નાટકોના જાણીતા અભિનેતા છે. તેમણે હિન્દી ઉપરાંત તેલુગુ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

       તેમના લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપત સાથે થયા છે. મુંબઈની નરસી મોનજી ઈન્સ્ટીટ્યુટ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે. પરેશ રાવલે વર્ષ ૧૯૮૨માં નિમેષ દેસાઈ નિર્દેર્શિત ગુજરાતી ફિલ્મ 'નસીબની બલિહારી' થી સિલ્વર સ્ક્રિન પર એન્ટ્રી કરી. ગુજરાતી નાટકો અને ફિલ્મ ક્ષેત્રે સફળતા મળ્યા બાદ ગુજરાતી નિર્દેશક કેતન મહેતા તેમને 'હોલી' ફિલ્મમાં એક ભૂમિકા દ્વારા બોલિવૂડ એન્ટ્રી કરાવી. હાલ પરેશ-સ્વરૂપને આદિત્ય અને અનિરૂદ્ધ નામના બે દીકરા છે. જેમાં અનિરૂદ્ધ રાવ એક્ટિંગનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે આદિત્યને પણ એક્ટિંગ અને પ્રોડક્શનમાં રસ છે.

(9:29 pm IST)