Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પ્રતીક ગાંધીના હાથમાં વધુ એક હિંદી ફિલ્મ આવી છે

ફરી એકવાર હંસલ મહેતા સાથે કામ કરશે પ્રતીક ગાંધી : ખુશાલી કુમાર સાથે જમાવશે જોડી

ભૂષણ કુમાર, શૈલેષ આર સિંહ અને હંસલ મહેતાની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે પ્રતીક ગાંધી

મુંબઇ તા. ૧૦ : ગયા વર્ષે વેબ સીરિઝ 'સ્કેમ ૧૯૯૨'માં પાવરફુલ પર્ફોર્મન્સ આપ્યા બાદ, પ્રતીક ગાંધી ભૂષણ કુમાર, શૈલેષ આર સિંહ અને હંસલ મહેતાની ફિલ્મમાં લીડ રોલ ભજવવા માટે તૈયાર છે. જેનું ટાઈટલ હજી નક્કી કરાયું નથી. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં પ્રીટી એકટ્રેસ ખુશાલી કુમાર જોવા મળશે. જે પોતાના મ્યૂઝિક વીડિયોથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે અને હાલમાં જ તેણે આર માધવન અને અપાશકિત ખુરાના સાથેની સાઈકોલોજિકલ થ્રિલર ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ ખતમ કર્યું છે.

ઉત્તરપ્રદેશના નાનકડા શહેરમાં સેટ સ્થાપિત કરવામાં આવશે અને આ ફિલ્મનું ડિરેકશન પુલકિત દ્વારા કરવામાં આવશે, જેઓ રાજકુમાર રાવ સ્ટારર સીરિઝ 'બોઝઃ ડેડ ઓર અલાઈ'ના ડિરેકટર રહી ચૂકયા છે.

પહેલીવાર સાથે કામ કરી રહેલા, પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મ માટે મુંબઈમાં પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ યૂનિક ફેમિલી ડ્રામા સામાન્ય માણસના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભૂષણ કુમાર અને શૈલેષ આર સિંહ કંગના રનૌત સ્ટાટર 'સિમરન' (હંસલ મહેતા દ્વારા ડિરેકટેડ) તેમજ સની કૌશલ અને નુસરત ભરુચાની અપકમિંગ ફિલ્મ 'હુરદંગ' બાદ ફરી એકવાર સાથે કામ કરતાં જોવા મળશે.

પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારની ફિલ્મ વિશે વાત કરતાં ભૂષણ કુમારે જણાવ્યું કે, 'કહાણી એકદમ સરળ છે પરંતુ અસલી છે. આ એવી ફિલ્મ છે જેની સાથે દેશના લાખો લોકો પોતાને સાંકળી શકશે. મને ખુશી છે કે, શૈલેષ, હંસલ અને હું ફરીથી આ રસપ્રદ પ્રોજેકટ માટે સાથે આવ્યા છીએ'.

શૈલેષે ઉમેર્યું કે 'આ કહાણી અનેક ભારતીયોને થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. અમારા દર્શકો ઘણી બધી રીતે આ ફિલ્મ સાથે કનેકટ થઈ શકશે. મને આનંદ છે કે, ભૂષણજી અને હંસલજી સાથે ઓન સ્ક્રીન પર આ કહાણી લઈને આવી રહ્યો છું, જેમને કહાણી કહેવી ગમે છે જે તેમના દર્શકો પર અસર છોડે છે'.

તો ડિરેકટર પુલકિતે કહ્યું કે 'આ ફિલ્મ મારા દિલની નજીક છે. આ એક સામાન્ય માણસની પોતાની જમીન પરત મેળવવા માટેના ગૌરવપૂર્ણ સંઘર્ષની વાર્તા છે. વાર્તા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની આસપાસ ફરે છે, જેઓ સિસ્ટમ, પાવર અને કાયદાના દુરૂપયોગ સામે લડે છે'.

ટી-સીરિઝ એન્ડ કર્મા મીડિયા અને એન્ટરટેન્મેન્ટ પ્રોડકશનની શીર્ષક વગરની ફિલ્મનું શૂટિંગ ૧૮ ઓગસ્ટથી શરૂ થશે.

(1:22 pm IST)