Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હવે કરીના અને સૈફના બીજા દિકરાના નામ પરથી પડદો હટ્યો : રાજાના નામ પરથી પાડ્યું નામ

ખુદ કરીનાએ ફોટો શેર કર્યો : પોતાની પ્રગ્નેન્સી અને ડિલીવરી બાદની કેટલીક તસવીરો શેયર કરી

નવી દિલ્હી :   કરીના કપૂર અને સૈફ અલી ખાનના પહેલા દિકરાનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. તેમણે પોતાના દિકરાનું નામ તૈમુર અલી ખાન જાહેર કરતા જ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. તૈમુરના નામને લઈને લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને બંનેએ પોતાના બીજા દિકરાના નામને સિક્રેટ રાખ્યુ હતુ. જોકે સમયની સાથે તૈમુરના નામને લઈને લોકોનો ગુસ્સો શાંત થઈ ગયો છે અને તૈમુર તો લોકો વચ્ચે ખૂબ પોપ્યુલર પણ છે. ફેન્સ તૈમુરના ફોટોઝ અને વીડિયોઝને ખૂબ પસંદ પણ કરે છે.

પરંતુ હવે કરીના અને સૈફના બીજા દિકરાના નામ પરથી પડદો હટી ચૂક્યો છે. તેના નામને લઈને લોકો ખૂબ કયાસ લગાવી રહ્યા હતા. રણધીર કપૂરે થોડા સમય પહેલા કહ્યું હતુ કે કરીનાના બીજા દિકરાનું નામ જેહ છે અને હવે ખુદ કરીનાએ ખુલાસો કર્યો છે કે તેના બીજા દિકરાનું નામ ‘જહાંગીર’ છે. કરીના કપૂરે હાલમાં જ પોતાની બુકને લોન્ચ કરી છે. આ બુકમાં પ્રેગ્નેન્સીના દરેક સ્ટેજ અને ડિલીવરી બાદ શરીરમાં આવતા બદલાવ વિશે લખવામાં આવ્યુ છે.

કરીના કપૂરે બુકની શરૂઆતમાં પોતાના દિકરાનું નામ જેહ જણાવ્યુ છે. પરંતુ બુકના છેલ્લા પાનાઓમાં કરીનાએ પોતાની પ્રગ્નેન્સી અને ડિલીવરી બાદની કેટલીક તસવીરો શેયર કરી છે. આ ફોટોના કેપ્શનમાં કરીનાએ પોતાના દિકરાનું નામ ‘જહાંગીર’ લખ્યુ છે. છેલ્લા પાના પર કરીનાએ જહાંગીરનો ફોટો પણ શેયર કર્યો છે.

(10:54 pm IST)