Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ત્રણ ફિલ્મો 'હેટસ્ટોરી-૪', 'દિલ જંગલી' અને 'થ્રી સ્ટોરીઝ' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'હેટસ્ટોરી-૪', 'દિલ જંગલી' અને 'થ્રી સ્ટોરીઝ' રિલીઝ થઇ છે.

નિર્માતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને નિર્દેશક વિશાલ પાંડ્યાની ફિલ્મ 'હેટસ્ટોરી-૪'માં સંગીત મિથુન, આર્કો પ્રાવો મુખર્જી, તનિષ્કા બાગચી અને ટોની કક્કડનું છે. ફિલ્મમાં ઉર્વશી રૌતેલા, કરણ વાહી, વિવાન ભટેના, ગુલશન ગ્રોવર, ઇહાના ઢિલ્લોનની મુખ્ય ભૂમિકા છે.

તાશા (ઉર્વશી રોતેલા) લંડન સ્થિત  વિજ્ઞાપન એજન્સીની સ્ટાર મોડેલ બનવા માટે કંઇપણ કરવા તૈયાર હોય છે રાજવીર એવો જેને જે મહિલા પસંદ આવે છે તેને પામવા કોઇપણ હદ સુધી જઇ શકે છે. તે તાશાની ટેલેન્ટને ઓળખીને તેને પ્રોજેકટ અપાવવામાં મદદ કરે છે. તાશાની સુંદરતા પાછળ તે પાગલ થઇ જાય છે અને તેની સાથે સુવાના સપના જોવા માંડે છે. આ કહાનીમાં આર્યન પણ છે, જે રાજવીરનો ભાઇ છે. તેનું દિલ જેના પર આવી જાય તેને પામવા માટે તે રાજવીરથી પણ આગળ નીકળી જાય છે. ભ્રામક કાવાદાવા,  ગાંડપણ, કડવાહટથી ભરેલા દિલ, કાવત્રાથી ભરેલી નફરત આ બધુ ચાર ગણું જોવા માટે હેટસ્ટોરી-૪ જોવી પડશે.

બીજી ફિલ્મ 'દિલ જંગલી'ના નિર્માતા દિનેશ જૈન, વાસુ ભગનાની, દિપશીખા દેશમુખ, જૈકી ભગનાની, મુદિત જૈન, મયંક જેન તથા નિર્દેશક આલિયા સેન છે. આ ફિલ્મમાં સંગીત કોમલ શયનનું છે. તાપસી પન્નુ, સાકિબ સલિમ, અભિલાષ થાપલિયાલ, નિધિ સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને જૈકી ભગનાનીએ અભિનય આપ્યો છે.

કારોલી (તાપસી પન્નુ) તેના પિતાની એક માત્ર દિકરી છે. પિતા લંડનમાં મોટા વેપારી છે. તે પિતાના વેપારમાં જોડાયા પછી કોઇ સારા છોકરા સાથે લગ્ન કરી સંતાન પેદા કરવાની જિંદગી જીવવા નથી ઇચ્છતી આથી તે લંડનથી દિલ્હી આવી જાય છે અને અહિ તે દિલ્હી સ્થિત બ્રિટીશ કાઉન્સીલમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાની નોકરી કરી છે. અહિ તેની પાસે અંગ્રેજી શીખવા માટે સુમિત (સાકિબ) આવે છે. જે લાજપતનગરનો ટીપીકલ છોકરો છે. તે જીમ ટ્રેનર પણ છે. તેના મોટા-મોટા સપના છે. તે બોલીવૂડમાં એકટર બનીને નામ મેળવવા ઇચ્છે છે. સુમિત અને કારોલીની મુલાકાત દોસ્તી બાદ પ્રેમમાં પરિણમે છે. દોસ્તી અને પ્રેમની કહાનીમાં આવતાં ઉતાર-ચઢાવને મોજમસ્તી સાથે ફિલ્મમાં દેખાડાયા છે.

ત્રીજી ફિલ્મ 'થ્રી સ્ટોરીઝ'ના નિર્માતા પ્રિયા શ્રીધરન, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર તથા નિર્દેશક અર્જુન મુખર્જી છે. ફિલ્મમાં શરમન જોષી, રેણુકા સહાણે,    રિચા ચઢ્ઢા, પુલકીત શર્મા, અંકિત રાઠી, મોૈસમી મુખર્જી, લક્ષ સિંઘ, આઇશા અહેમદ, આકૃતિ સિંઘ, મલ્હાર ગોએન્કા, તરૂણ આનંદ અને ગોપાલ દાસે અભિનય આપ્યો છે. ફિલ્મમાં એક પછી એક અનેક વળાંકો જોવા મળશે. ડાર્ક સિક્રેટ, ભૂતકાળની ત્રણ જુદી-જુદી કહાની જોવા મળશે. શરમન અલગ જ રોલમાં જોવા મળશે.

(9:51 am IST)