Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ફિલ્મના સેટ પર ચક્કર ખાઈને પડી ગઈ નૂસરત ભરૂચાઃ ૬૫/૫૫ થઈ ગયું હતું બ્લડપ્રેશર

લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ મુંબઈના એક સ્ટુડિયોમાં કરી રહી હતીઃ ફિલ્મના લગભગ દરેક સીનમાં નૂસરતની જરૂર હોવાથી હાલ તો શૂટિંગ અટકી પડયુુ: ડોકટરોએ નૂસરતને ૧૫ દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી

મુંબઇ, તા.૭: બોલિવુડ એકટ્રેસ નૂસરત ભરૂચાની તબિયત છેલ્લા સાત દિવસથી ખરાબ છે. નૂસરત માંડ માંડ ચાલી કે ઊભી રહી શકે છે. હાલમાં જ તેને ફિલ્મ સેટ પરથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ બધું જ ફિલ્મ સેટ પર બન્યું હતું અને નૂસરતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં સુધી તો તેના માતાપિતાને દીકરીની તબિયત વિશે ખ્યાલ પણ નહોતો.

નૂસરત ડાયરેકટર લવ રંજનની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. મુંબઈના એક સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે, લવ રંજન ફિલ્મ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ના કરે ત્યાં સુધી નૂસરત પણ ફિલ્મ વિશે કશું કહેવા માગતી નહોતી. છેલ્લા ૨૩-૨૪ દિવસથી નૂસરત લવ રંજનની આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી પરંતુ તાજેતરમાં જ નૂસરતની તબિયત બગડી અને તે ચક્કર ખાઈને પડી ગઈ હતી. નૂસરતની તબિયત ખરાબ હોવાથી હાલ તો આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. લગભગ મોટાભાગના સીન્સ નૂસરત સાથે હોવાથી ફિલ્મની બાકીની કાસ્ટ પણ શૂટિંગ નથી કરી રહી.

એકટ્રેસે કહ્યું, 'ડોકટરનું નિદાન છે કે કદાચ સ્ટ્રેસના કારણે વર્ટિગો (ચક્કર) અટેક આવ્યો હતો. આ મહામારીના કારણે દરેક વ્યકિત પર શારીરિક, આર્થિક અને ભાવનાત્મક રીતે અસર થઈ છે.

નૂસરતે આખી ઘટના વિસ્તારથી જણાવતા કહ્યું, 'હું આ ફિલ્મનું શૂટિંગ કરતી હોવાથી સેટની નજીક જ એક હોટેલમાં રોકાઈ હતી. મને લાગ્યું કે, મારા દ્યરથી સેટ પર પહોંચાવામાં જેટલો સમય લાગે છે તે હોટેલમાં રહેવાથી બચી જશે. આશરે ૩ અઠવાડિયા સુધી શૂટિંગ કર્યા પછી એક દિવસ મને ખૂબ નબળાઈ અને થાક અનુભવાતો હતો, જેથી મેં એક દિવસ માટે શૂટિંગમાંથી બ્રેક લીધો. મેં વિચાર્યું કે એક દિવસ આરામ કરીશ તો સ્થિતિ સુધરશે પરંતુ બીજો દિવસ એટલો જ ખરાબ હતો. હું સેટ પર પહોંચી પરંતુ થોડી જ વારમાં હું ચક્કર ખાઈને પડી ગઈ. હું કશું જ કરી શકતી નહોતી. જેથી તેઓ મને મુંબઈની હિંદુજા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં પહોંચી ત્યારે પણ મારી સ્થિતિ ખરાબ જ હતી. મને ઉપર લઈ જવા માટે વ્હીલચેરની જરૂર પડી. ત્યાં સુધીમાં મારું બ્લડપ્રેશર ૬૫/૫૫ થઈ ગયું હતું.

'ત્યાં સુધીમાં તો મારા મમ્મી-પપ્પા પણ હોસ્પિટલ આવી ગયા હતા. એ પછીના ૬-૭ દિવસ ખૂબ ખરાબ હતા. હું હોસ્પિટલમાં દાખલ તો નથી થઈ પરંતુ ઘરે દવાઓ લઈ રહી છું. મારું ફુલ બોડી ચેક-અપ થઈ ગયું છે અને હવે ઠીક છું. આજથી વધુ સાત દિવસની રજા મેં શૂટિંગમાંથી લીધી છે. ડોકટરોએ મને ૧૫ દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે, તેમ નૂસરતે વાત પૂરી કરતાં જણાવ્યું.

(12:09 pm IST)