Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજકારણમાં પ્રવેશવાનો હાલને તકક્કે વિચાર નથી : સોનૂ સૂદ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ ચોખવટ કરી છે કે હાલને તબક્કે રાજકારણમાં પ્રવેશવાનો એનો કોઈ વિચાર નથી, કારણ કે અભિનેતા તરીકે એણે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, એક મુલાકાતમાં સોનૂએ કહ્યું કે રાજકારણમાં જોડાવાની મને છેલ્લા ૧૦ વર્ષથી ઓફર મળે છે. ઘણા લોકોએ મને કહ્યું કે તું નેતા તરીકે બહુ સફળ થઈશ. પરંતુ મારે એકટર તરીકે હજી ઘણું કરવાનું બાકી છે, જે હું કરવા માગું છું. રાજકારણમાં તો કોઈ વ્યકિત ગમે ત્યારે પ્રવેશે છે, પરંતુ હું એવો નથી કે જે એક સાથે બે હોડીમાં સવાર થવાનો પ્રયત્ન કરે.

સોનૂએ વધુમાં કહ્યું કે જયારે પણ હું રાજકારણમાં પ્રવેશ કરીશ ત્યારે પૂરેપૂરી મહેનત કરીશ. હું ધ્યાન રાખીશ કે કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ન રહે. હું એમની સમસ્યાઓનું નિવારણ કરી દઈશ, હું એ માટે સમય પણ આપીશ, પરંતુ હાલને તબક્કે એ માટે તૈયાર નથી, મારે શું કરવું જોઈએ એ કોઈ વ્યકિત કે કોઈ રાજકીય પાર્ટીએ મને કહેવાની જરૂર નથી. મારો નિર્ણય હું જાતે જ લઈશ.

સોનૂ સૂદ બોલીવૂડ ફિલ્મોમાં ખલનાયક તરીકે વધારે જાણીતો થયો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એણે કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉન વખતે અટવાઈ ગયેલા ઘણા પરપ્રાંતીય કામદારો-મજૂરોને એમના વતન પહોંચાડવા  માટે વાહન તથા સાધનોની વ્યવસ્થા કરી આપી હતી.

(12:50 pm IST)