Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાતી ફિલ્મો 'મોન્ટુની બિટુ'ને ૮, ૪૭-ધનસુખ ભવને ૫, ગોળકેરી -યુવા સરકાર - અફરાતફરીને ૪ એવોર્ડ અર્પણ

કચ્છના સફેદ રણન ધરતી-ટેન્ડ સિટીમાં ગુજરાતી ફિલ્મ જગત માટે 'માસ્ટર સ્ટ્રોક' સમાન ઘટના : 'રજવાડી રાત'માં સેલીબ્રીટી કવચ હટાવીને કલાકારોએ કુંડાળે બેસીને ગીતો ગાયા

રાજકોટ,તા. ૩: ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ વખત સફેદ રણની ધરતી પર ટેન્ટ સીટી ખાતે દબદબાભેર યોજાયો Gujarat Tourism Film Excellence Awards Gujarati ૨૦૧૯ - ૨૦૨૦. ગુજરાતી ફિલ્મ જગત માટે માસ્ટર સ્ટ્રોક સમાન આ પ્રથમ ઘટના હતી. આ સમગ્ર ઇવેન્ટને ગુજરાત ટુરીઝમ, રણોત્સવ ટેન્ટ સીટી સહિત અનેક દિગ્ગજ પ્રાયોજકોનો ટેકો મળ્યો હતો.

સૌથી વધુ એવોર્ડ મેળવવામાં ગુજરાતી ફિલ્મ 'મોન્ટુ ની બીટ્ટુ' ૮ એવોર્ડ સાથે અગ્રેસર રહી, જયારે ફિલ્મ '૪૭ ધનસુખ ભવન' એ પાંચ અને ફિલ્મ 'ગોળ કેરી', 'યુવા સરકાર' અને 'અફરા તફરી' એ ચાર ચાર એવોર્ડ મેળવ્યા.

શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની ફિલ્મ 'ગોળ કેરી' ને જાહેર કરવામાં આવી હતી. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ફિલ્મ 'મોન્ટુ ની બીટ્ટુ' ના વિજય ગીરી બાવા અને શ્રેષ્ઠ દિગ્દર્શક ક્રીટીક ચોઇસમાં ફિલ્મ ' ગુજરાત ૧૧' ના જયંત ગીલાતરને જાહેર કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ એકટરમાં ફિલ્મ 'મોન્ટુ ની બીટ્ટુ' માટે મૌલિક જગદીશ નાયક અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ફિલ્મ ' ગોળકેરી' માટે માનસી પારેખ ગોહિલને જાહેર કરાયા હતા. શ્રેષ્ઠ નવોદિત એકટરમાં ફિલ્મ 'રદ્યુ સી.એન.જી. ના ઇથાન વાદે તથા ફિલ્મ 'યુવા સરકાર' ના હર્ષલ માંકડ'હેયાન' તથા અભિનેત્રીમાં ફિલ્મ 'અફરા તફરી' માટે ખુશી શાહની પસંદગી કરવામાં આવી હતી.સમગ્ર પરીકલ્પના આ પ્રકારની ઇવેન્ટના માસ્ટર માઇન્ડ કહી શકાય તેવા અભિલાષ ઘોડાએ તૈયાર કરી હતી. અભિલાષ ઘોડા ઇવેન્ટ ઉપરાંત ટેકનીકલ, સાંસ્કૃતિક બાબતો, મેનેજમેન્ટ સહિત ફિલ્મ જગત અને મીડીયા સાથે પણ દ્યનિષ્ઠ સંબંધો ધરાવે છે.

આ અંગે વધુ વિગતો આપતા તીહાઇ - ધ મ્યુઝીક પીપલના CEO અભિલાષ ઘોડાએ જણાવ્યું હતું કે મને સંતોષ થયો છે કે મારી એક પરીકલ્પના, અનેક શુભેચ્છકો, પ્રાયોજકો, મીત્રો અને ખાસ કરીને દિવસ રાત એક કરીને માઇક્રો મેનેજમેન્ટ સાથે કટીબધ્ધ મારી ટીમને કારણે સફળતાપુર્વક શકય બની છે.વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોને આ એવોર્ડ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુલ ૨૭ સુંદર ફિલ્મોની એન્ટ્રી અમને આ સ્પર્ધા માટે મળી જેના નોમીનેશન્સ અમે ગત તારીખ ૩૧ જાન્યુઆરી એ જાહેર કર્યા હતા. તે નોમીનેશન્સ માંથી અમારી જયુરીએ પસંદ કરેલા શ્રેષ્ઠ કલાકારો/કસબીઓનું સફેદ રણના ટેન્ટ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સ્ટેજ પરથી ઉપસ્થિત ખાસ મહાનુભાવોના વરદહસ્તે ખાસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ફિલ્મોના આ પ્રકારના કાર્યક્રમો ને આગળના તબક્કા પર લઇ જનાર આ ઇવેન્ટ હતી તેવો અનેક દિગ્ગજોનો પ્રતિભાવ હતો.ગુજરાતને જેણે ગાતું કર્યું તેવા ગુજરાતના ગૌરવ સમા સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર અને જાણીતા સ્વરકાર/સંગીતકાર ગૌરાંગ વ્યાસનું સ્વ. દ્વારકાદાસ સંપત લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તો ૨૦૧૯ના ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' કે જેને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. યોગાનુયોગ છે કે 'હેલ્લારો' કચ્છની ધરતી પર શુટ થયેલી ફિલ્મ છે જેને આ સમારંભમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવી હતી.આ એવોર્ડ સમારંભમાં બોલીવુડના થ્રી ઇડીયટ ફેમ શર્મન જોશી, બીગ બોસ ફેમ રશ્મિ દેસાઈ, દિપક દ્યીવાલા, રાગીણી, જાણીતી બોલીવુડ પરફોર્મર કરીશ્મા કર, પાર્થિવ ગોહિલ, એશા કંસારા, માનસી પારેખ, પ્રીનલ ઓબેરોય, આનંદી ત્રીપાઠી, ભુમી ત્રીવેદી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, જીગરદાન ગઢવી, સીધ્ધાર્થ ભાવસાર, સુચિતા વ્યાસ, ઇશાની દવે, પ્રીન્સ ગુપ્તા, રાજુ સાવલા, ઓજસ રાવલ, હેમાંગ દવે, સ્મીત પંડ્યા, ભરત ચાવડા, વ્યોમા નંદી, ડેનીશા ઘુમરા, આર્જવ ત્રીવેદી, આકાશ ઝાલા, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, નેત્રી ત્રીવેદી, ખુશી શાહ, સંજય ગોરડિયા, સુજાતા મહેતા, વંદના પાઠક, ધર્મેશ વ્યાસ, સુરભી વ્યાસ, મૌલીક નાયક, હેપ્પી ભાવસાર નાયક, ચેતન દૈયા, ભાવિની ગાંધી, ખુશ્બુ જાની, મૌલીકા પટેલ, ગાયત્રી રાવલ, માનસ શાહ, કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, લતેશ શાહ, વિજય રાવલ, વિપુલ વિઠ્ઠલાણી, વંદના વિઠ્ઠલાણી, વિનોદ સરવૈયા, કીજલ ભટ્ટ, મેહુલ બુચ, ભાવિની જાની, મોરલી પટેલ, જાગૃતિ ઠાકોર, બંસી રાજપૂત, જયંત ગીલાતર, જીતેન પુરોહિત સહિત અનેક દિગ્ગજ કલાકારો/ કસબીઓ સહિત મોટી સંખ્યામાં ખાસ મહેમાનોએ સફેદ રણના ટેન્ટ સીટી ખાતે યોજાયેલા આ ભવ્ય સમારંભમાં ખાસ હાજરી આપી હતી.

આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ સમા પરફોર્મન્સમા જાણીતી બોલીવુડ પરફોર્મર કરીશ્મા કર, ફિલ્મ અફરાતફરીના ટાઇટલ ગીતમાં અભિનેત્રી ખુશી શાહ, ચેતન દૈયા, સ્મીત પંડ્યા, આકાશ ઝાલા, અવિનાશ વ્યાસના અદભુત ગીતો પર મૌલિક નાયક અને મૌલિકા પટેલ. સ્વ. મહેશ - નરેશને યોગ્ય રીતે શ્રધ્ધાંજલિ આપતા ખાસ પરફોર્મન્સમાં ચંદન રાઠોડ અને પ્રીનલ ઓબેરોય, હેલ્લારો ફિલ્મના લોકભોગ્ય ગીતોની મેડલી પર તે જ ફિલ્મના કલાકારો આર્જવ ત્રીવેદી તથા ડેનીશા ઘુમરાએ પોતાના અદભુત પરફોર્મન્સ આપ્યા હતા.

વિશેષ આકર્ષણની વાત કરીએતો આ ઇવેન્ટનું થીમ સોંગ અભિલાષ દ્યોડાની પરીકલ્પના સાથે જાણીતા લેખક અને કવિ તુષાર શુકલએ તૈયાર કર્યું હતું અને જાણીતા સ્વરકાર નિશીથ મહેતાએ તેને સ્વરબદ્ઘ કર્યું હતું. ગુજરાતી મનોરંજન જગતમાં પ્રથમ વખત ગુજરાતના ગૌરવ સમા કલાકારો કિર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી, ગીતાબેન રબારી, ભુમી ત્રીવેદી, યશીતા શર્મા જેવા દિગ્ગજ કલાકારોએ તેમનો કંઠ આ એક જ ગીતમાં આપ્યો અને આ જ દિગ્ગજ કલાકારોએ સ્ટેજ પર સાથે પરફોર્મન્સ આપી ગુજરાતી મનોરંજન જગતમાં ઇતિહાસ રચ્યો હતો.

ફિલ્મની જયુરીમા ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટીના દિગ્ગજો કહી શકાય તેવા દિપક બાવસ્કર, કાર્તિકેય ભટ્ટ, નીશીથ મહેતા, શ્રીમતી અદીતી ઠાકોર, ડો. દર્શન ત્રીવેદી તથા ચિકા ખરસાણીએ સેવા આપી હતી.

સમગ્ર ઇવેન્ટ બ્રોડકાસ્ટ પાર્ટનર તરીકે કલર્સ ગુજરાતી તથા કલર્સ સીનેમા છે. રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. ટેકનીકલ પાર્ટનર તરીકે વિડિયો ટાઇમ્સ તથા એલ.ઇ.ડી. સોલ્યુશન, મેગેઝિન પાર્ટનર તરીકે ફિલીગ્સ , હાઇ ટી પાર્ટનર તરીકે ટી પોસ્ટનો નોંધનીય સપોર્ટ મળ્યો હતો.

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પ્રથમ વખત ખુબ જ મોટા પાયે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં આવેલા ટેન્ટ સીટીમાં આ ઇવેન્ટનું આયોજન અમદાવાદની અગ્રગણ્ય ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલે ખુબ ઝીણવટપૂર્વક કર્યું હતું. જે માટે અભિલાષ ઘોડા, દિક્ષિત ઘોડા, કરન ઘોડા, વિવેક ઘોડા અને વૃજ ઘોડા સહિત ટીમ તીહાઇએ કરેલી વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી હતી.

ઇવેન્ટની આગલી રાત્રે આ દિગ્ગજ કલાકારોએ સફેદ રણમાં પુનમની રાતને અદભુત રીતે માણી હતી અને પોતાના સેલીબ્રીટી કવચને હટાવી, પરીવારની જેમ કુડાળે બેસી કોઇપણ જાતના આડંબર વગર ખુલ્લા મને પોતપોતાના કંઠે ગીતો ગાઇને સફેદ રણની ધરતી પર અનેરો આનંદ લીધો હતો. આ કાર્યક્રમને 'રજવાડી રાત' નામ આપવામાં આવ્યું હતું. રણોત્સવ ટેન્ટ સીટીએ સૌ માટે ઉભી કરેલી વ્યવસ્થાથી સૌ કલાકારોએ સંતોષ વ્યકત કર્યો હતો.આવતા વર્ષે આ જ એવોર્ડ સમારંભ ગુજરાતના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવશે તેવી જાહેરાત પણ ગુજરાત ટુરિઝમના જનરલ મેનેજર તૃપ્તિ વ્યાસે સ્ટેજ પરથી કરી હતી.

(3:46 pm IST)