Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર ૧'નું ટ્રેલર રિલીઝ

મુંબઇ,તા.૧: એમેઝોન પ્રાઈમ વીડિયોએ જેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'કૂલી નંબર ૧'નું  ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું પ્રીમિયર ફકત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જ આવશે. ડિરેકટર ડેવિડ ધવનની આગામી ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત ૧૯૯૫ની કલાસિક ફેમિલી કોમેડી ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ વરુણ ધવન અને સુંદર અભિનેત્રી સારા અલી ખાનના દ્વારા અભિનિત છે.

 આ ફિલ્મમાં પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર અને રાજપાલ યાદવ સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખે કર્યું છે. આ નાતાલ પર કૂલી નંબર ૧'નું  વિશિષ્ટ પ્રીમિયર ૨૫મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર યોજાશે. આ ફિલ્મ વિશ્વના ૨૦૦ દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

  દિગ્દર્શક ડેવિડ ધવને જણાવ્યું હતું કે વાસ્તવમાં ભારતીય મનોરંજન માટે આ એક રોમાંચક સમય છે. મને આનંદ છે કે અમારા પ્રેમ અને મહેનતથી બનાવેલી ફિલ્મ દુનિયાભરના લોકો જોશે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરુણે અગાઉ સમાન નામની સુપરહિટ ફિલ્મના દિગ્ગજ કલાકારોની જગ્યા લીધી છે અને એક સરસ કામગીરી કરી છે. મારી ફિલ્મ પ્રત્યે દર્શકોની પ્રતિક્રિયા જોઈને હું અત્યંત ઉત્સાહિત છું.

પૂજા એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા વાશુ ભગનાનીએ કહ્યું કે, 'અમારી નંબર વન ફ્રેન્ચાઇઝીએ ઘણી પેઢીઓથી લોકોનું મનોરંજન કર્યું છે, જેને આજે ૨૫ વર્ષ પૂરા થયા છે. અમે પૂજા એન્ટરટેનમેન્ટની સફર કૂલી નંબર ૧'થી શરૂ કરી હતી. વરુણ અને સારા જેવા યુવાન કલાકારો સાથે ફિલ્મની રિમેક બનાવીને તે દાયકાઓની ઉજવણી કરવી ખરેખર અદભૂત છે. અમે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા વિશ્વભરના દર્શકો માટે કૂલી નંબર ૧'નું  રિમેક રિલીઝ કરવા અત્યંત ઉત્સાહિત છીએ. દર્શકો તેમના ઘરોમાં સલામત રહીને આરામથી ફિલ્મનો આનંદ માણી શકે છે.

(11:37 am IST)