Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગુજરાતનું ગૌરવ ગવર્નર વજુભાઇનો ૮૧મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જાહેર જીવનમાં ખુશ્બુની જેમ મહેકી રહેલા રાજકોટ રત્ન અને હાલ કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળા પર આજે ચૌમેરથી જન્મદિનની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે. તેમનો જન્મ ૧૯૩૮ના વર્ષની ૧ર જાન્યુઆરીએ થયેલ. આજે ૮૧માં પ્રવેશી રહ્યા છે.

વકીલાતની પદવી ધરાવતા શ્રી વજુભાઇ વાળા પાર્ટી નિષ્ઠા અને શિસ્ત પાલનની બાબતમાં ઉદાહરણરૂપ છે. રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે સતત ૭ વખત ચૂંટાવાનો અને ગુજરાતમાં નાણામંત્રી તરીકે ૧૮થી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ અગાઉ રાજકોટમાં મેયર, નાગરિક બેંકમાં ચેરમેન તેમજ રાજયમાં નાણા, ઉર્જા, સહકાર, મહેસુલ, વાહન વ્યવહાર, શ્રમ રોજગાર વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે રહી ચૂકયા છે. ર૦૧રની વિધાનસભાની ચૂંટણી પછી સ્પીકર તરીકે કાર્યરત હતા. છેલ્લા ૩ાા વર્ષથી કર્ણાટકમાં રાજયપાલ પદ શોભાવી રહ્યા છે. તેમણે હાઇકમાન્ડના આદેશથી પાર્ટીનું પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા માટે બે વખત મંત્રી પદનો ત્યાગ કર્યો હતો. તેઓ સરગમ કલબ પરિવારના ચેરમેન છે. સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્ય ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે.

શ્રી વજુભાઇ વાળાને ર૦૦૬માં ઇન્ટરનેશનલ પબ્લિસીંગ હાઉસ નવી દિલ્હી દ્વારા બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડીયા અને ર૦૦૭માં ઇન્ડીયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી દ્વારા ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સામાન્ય માણસને પણ માનથી બોલાવવાની સરળતા તેઓ ધરાવે છે.

મો. ૯૮ર૪૦ ૪૩૬૩ર, ૯૮ર૪૧ ૧૬૪૧૪ -બેંગ્લોર

(11:43 am IST)