વિવિધ વિભાગ
News of Monday, 14th September 2020

આજના શુભ દિવસે - 689

૧૦ વર્ષનો બાળક ડ્રમ વગાડતા શીખે છે. આજુબાજુ ઘણા પડોશી રહે છે. આ ડ્રમના અવાજથી ઘણા કંટાળી જતા હોય છે અને આ બાળકને સમયની જરાપણ ગતાગમ નથી-ગમે ત્યારે મંડી પડે છે!

પડોશીઓ ફરિયાદ કરે છે અને છોકરાની મા સમજાવવાની કોશિષ કરે છે, પરંતુ બાળકમાં કંઇ ફેર પડતો નથી.

બાળકના ઘરથી ચોથા ઘરમાં રહેતા એક વડીલ તેની પાસે બેસવા આવવા માંડયા અને તેના વખાણ કરવા માંડયા, અરે, બટા તારા કાંડામાં શું તાકાત છે અને તું જયારે ડ્રમ પર દાંડી મારે છે ત્યારે મારૃં હૃદય હલી જાય છે!

બાળક કહે કે 'અંકલ વગર દાંડીએ પણ હું એટલૂં સારૂ વગાડી શકું છે !'

અને બંને હાથ વડે વગાડવા મંડયો અંકલ બહુજ ખુશ થઇ ગયા અને વાંસો થાબડીને શાબાશી આપી.

'વાહ, બેટા ! તારા ડ્રમમાં પણ શું એવી શકિત ભરી છે તે આટલું સરસ વાગે છે.'

બાળક જવાબ આપે છે. 'અંકલ, તાકાત તો મારી છે અને મારી આવડતની છે ડ્રમમાં તો શું હોય ? અંદરથી સાવ ખાલી હોય અંકલ કહે છે ના હોય, શું તારી આટલી શકિત છે. કે તું ખાલી ડ્રમમાંથી આટલો અવાજ કાઢી શકે. મારા તો માનવામાં આવતું નથી!'

બાળક દોડીને ઘરમાં જઇને હથોડી લઇને આવે છે અને ડ્રમની બંને બાજુ જોરથી મારે છે. અને ચામડું તોડી નાંખે છે અને કહે છે.'જૂઓ અંકલ ! અંદર તો સાવ ખાલી છેને?'

અને પડોશમાં શાંતિ છવાઇ ગઇ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:59 am IST)