Samachar Gujarat

News of Wednesday, 23rd March, 2016

શાસ્ત્રીજી મહારાજ સમર્થ સંત હોવા છતાં વ્‍યકિતપૂજાથી સર્વથા પર હતા: માધવપ્રિયદાસજી સ્વામી : લોનાવાલા ખાતે નવિનભાઇ દવેના નિવાસ સ્થાને ધર્મજીવનદાસજી સ્વામી જ્ઞાનયજ્ઞ શિબિર

   મુંબઇ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અધ્યક્ષ શા.  સ્વામી  માધવપ્રિયદાસજી, પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ગુરુકુલના સેવાભાવી અને સન્નિષ્ઠ ટ્રસ્ટી આદરણીય શ્રી નવિનભાઇ  દવે અને ગોપાલભાઇ દવેના લોનાવાલામાં આવેલ વિશાલ નિવાસ સ્થાને તા ૧૮ માર્ચથી ત્રણ દિવસીય ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવન પ્રેરક પ્રસંગોના સ્‍મરણ કરાવનાર  શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.

           શિબિર પ્રારંભે વડિલ સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પૂ. શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાને જનમંગલ નામાવલિ સાથે ફુલથી પૂજન કર્યુ્ હતું.

           પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે નવિનભાઇ અને શ્રી ગોપાલભાઇના શુભ સંકલ્પથી આ લોનાવાલા ખાતે શાસ્ત્રીજી મહારાજના પ્રેરક પ્રસંગોના સ્‍મરણ માટે આ   શિબિરનુ  આયોજન કરવામાં  આવેલ છે.

           ખરેખર પુ.શાસ્ત્રીજી મહારાજ આર્ષદ્રષ્‍ટા, ક્રાન્તિકારી અને જાગૃત સંત હતા. તેઓએ સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોનું જતન કરી, ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્વિદ્યા પરિવર્તનના સિદ્ધાંતને  ગુરુકુલની સ્થાપના કરી ચરિત્રાર્થ કરેલ છે. અત્યાર સુધીમાં હજારો મુમુક્ષુઓના જીવનમાં ગુરુકુલ દ્વારા સંસ્કારની સરિતા વહાવી છે.

           શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સેવા પ્રવૃત્તિ ઉપરાંત એમણે આગવી સૂઝથી ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાઓને સામે રાખી પ્રાણી માત્રના ક્લ્યાણ માટે કરેલ વિવિધ સેવા પ્રવૃત્તિ આજે વટવૃક્ષ બની છે.

           શાસ્ત્રીજી મહારાજ સમર્થ સંત હોવા છતાં વ્‍યકિતપૂજાથી સર્વથા પર હતા. તેઓ આસ્તિક અને નાસ્તિક  વચ્ચેની અજોડ કડી રુપ હતા. એમના જીવનમાંથી કહેવાતા આસ્તિકોને સાચી આસ્તિકતાની પ્રેરણા મળી રહેતી. તેઓ બહુમુખી પ્રતિભા સંપન્ન હતા અને  વ્યવહાર અને ધર્મ બંને ક્ષેત્રે સફળ સંત હતા.       

           ખરેખર કસોટી તો પ્રતિભાવંતની હોય છે. શાસ્ત્રીજી મહારાજ અનેક કસોટીમાંથી પસાર થયા છે. કસોટી કરનાર કાળના ગર્ભમાં ક્યાય ગરકાવ થઇ ગયા છે. અને જેની કસોટી થયેલ તે અમર થઇ ગયા છે.

           જેમણે વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજની સાથે રહી,  ગુરુકુલના વિકાસમાં જેનો અમુલ્ય ફાળો રહેલ છે એવા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ સાથે જે જે પ્રસંગો બનેલ તેનું તાદ્રશ્ય વર્ણન કરી જણાવેલ કે પૂ.શાસ્ત્રીજી મહારાજ તો ગુણોનો સાગર હતા. તેઓશ્રીએ મૂળ સંપ્રદાયને વળગીને સંપ્રદાયનો વિકાસ કરેલ છે..

           પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના સમયમાં ગુજરાત કાઠિયાવાડ, કચ્છ તેમજ દેશ-વિદેશના જે જે હરિભકતો શાસ્ત્રીજી મહારાજના સંપર્કમાં આવેલ તેના સેવા કાર્યો તથા નામ સહિત સ્મરણ કરાવેલ. તેઓએ જણાવેલકે શાસ્ત્રીજી મહારાજ સર્વદેશી પ્રતિભાવંત સંત હતા. કલ્યાણના ચારેય સાધનો જેવા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભકિત જેમાં પરિપૂર્ણ હોય તેવા સંત હતા. તેઓ ધર્મમાં અડગ, જ્ઞાનમાં હિમાલય જેવા, વૈરાગ્યમાં અજોડ અને ભકિતમાં નિર્મળ ભાગીરથી ગંગા સમાન હતા.

           આ પ્રસંગે નવિનભાઇ દવેએ જણાવેલ કે શાસ્ત્રીજી મહારાજ જેવા આપણને ગુરુ મળ્યા છે તે આપણાં મહાભાગ્ય છે. હું જે કાંઇ કાર્ય કરી રહ્યો છું તે સ્વામીની કૃપાનું ફળ છે. અમારા પરિવાર ઉપર સ્વામીજીની અનહદ કૃપા રહી છે. ગમે તેવા કસોટી કાળમાં પણ સારધારપણે પાર ઉતારવાની પ્રેરણા પણ શાસ્ત્રીજી મહારાજ આપતા હોય એવી અનેક  સમયે પ્રતીતિ થઇ છે.

           આ પ્રસંગે પણ આ શિબિરના આયોજનથી પરમ સંતોષની લાગણી અનુભવતા ગોપાળભાઇ દવેએ જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનેક  હરિભકતો અનેરો આત્મીયતાભાવ ધરાવે છે તેના આજે  પ્રત્યક્ષ દર્શન થાય છેં. હું મારા જીવનને ધન્યભાગી માનુ છું કે મને પૂ.શાસ્ત્રીજી મહારાજના ગુણોનુ_સ્મરણ કરવાનો અમુલ્ય લાભ મળ્યો છે.

            આ પ્રસંગે લક્ષ્મણભાઇ આદ્રોજાએ જણાવેલ કે પૂ.શાસ્ત્રીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના વીસમી સદીના યુગપુરુષ હતા. એમણે સાંપ્રદાયિક અને સામાજિક સેવામાં અનેકને સહયોગી બનાવીને સેવાના ક્ષેત્રમાં અનોખી ક્રાન્તિ સર્જી છે. તેઓ તવંગર અને ગરીબોનું માધ્યમ હતા.

            આ પ્રસંગે પાર્ષદ શામજી ભગતે અત્યાર સુધી શાસ્ત્રીજી મહારાજે જે જે હરિભકતો અને ગુરુકુલના સંતો ઉપર  પત્રો લખેલા તેમાંથી સુત્રાત્મક વાક્યો તારવી તેની વિગતવાર વાતો કરી હતી.

           આ પ્રસંગે  શ્રી હરિદાસજી સ્વામી, કનુભગત તથા ધર્મપ્રિયદાસજી સ્વામી,  પરશોત્તમ ભગત, સ્વામી ભક્તવત્સલદાસજી  વગેરેએ શાસ્ત્રીજી મહારાજના જીવનના  તેમજ વિવિધ ઉદાત્ત કલ્યાણકારી સત્ કાર્યોની તથા પ્રસંગોની વાતો કરી હતી.

           શિબિરની પૂર્ણાહૂતિ બાદ મુંબઇ ખાતે આવેલ  નવિનભાઇના શાંતિનિકેતન નિવાસ સ્થાને મહાપૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ વૈદિકવિધિ સાથે મહાપૂજન કરાવ્યું હતું. જેમાં નવિનભાઇ, ગોપાળભાઇ અને ચિ. વરુણ દવે જાેડાયા હતા.

           શિબિરની તમામ વ્યવસ્થા ડી.કે.શાહ અને ભૂપેન્દ્રભાઇ મહેતાએ સંભાળી હતી.

           શિબિરમાં કલકતાથી કોયાસાહેબ, મુંબઇથી કાંતિભાઇ ગાંધી, ચંદ્રકાંત મેતલિયા, બળવંતભાઇ મેતલિયા, દિનેશ  ગાંધી, રાજાભાઇ લોહાણા, રામુભાઇ દેસાઇ, હર્ષદભાઇ ગાંધી, ધીરુભાઇ દવે,ચતુરભાઇ સોરઠીયા.સોરઠીયા પરાગભાઇ, સોરઠીયા અંકુરભાઇ , મધુભાઇ દોંગા, પરશોતમભાઇ બોડા વગેરે ૪૦૦ ઉપરાંત ભાઇઓ અને બહેનો  જોડાયાં હતાં.

 (03:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS