News Flash

 

Tantri Sthanethi

News of Friday, 21st April, 2017

ગુજરાત
રાજકીય
નબડાઇનો જંગ !

રાજયમાં શાસક પક્ષ અન્ય રાજયોની તુલનાએ નબડો છે, પણ વિપક્ષ પૂર્ણપણે અશકત છે.. કારોબારીમાં ભાજપ મજબૂત બનવા સંકલ્પ કરે

   ભાજપ નસીબદાર છે તેમના રાજકીય વિરોધીઓ જ ભાજપ માટે અનુકુળ માહોલ સર્જી દે છે. વિપક્ષે દેશમાં સાવ અતાર્કિક વિરોધ કર્યે રાખીને મોદી માટે માહોલ સર્જ્યો હતો. અમુક રાજયો એવા છે કે જયાં ભાજપને પગ મૂકવો મુશ્કેલ છે ત્યાં પણ શાસક ભાજપ માટે અનુકુળતા કરી રહ્યો છે.

   તેલંગાણા રાજયની ચંદ્રશેખર રાવ સરકારે ગઇકાલે મુસ્લિમ પછાતો માટે ૧ર ટકા વિશેષ અનામતની ઘોષણા કરી છે. સ્વાભાવિક છે કે, રાવ સરકાર પોતાના પક્ષ ટીઆરએસને મજબૂત કરવા પગલા ભરે જ, આ અન્વયે લઘુમતી મતો અંકે કરવા અનામતનો પાસો ફેંકાયો છે પણ આ પાસાની આડઅસર રૂપે ભાજપ ગેલમાં આવી ગયો છે. ભાજપે મુસ્લિમ અનામતનો મુદ્દો ચગાવીને તેલંગાણામાં બહુમતી મતદારોનું ધ્રુવીકરણ કરવાની રણનીતિ ઘડી છે. આવી રણનીતિમાં ભાજપને ફાવટ પણ છે. રાવ સરકારે ભાજપને ભાવતું રાજકીય ભોજન પીરસી દીધું છે.

   દેશભરમાં ભાજપ મજબૂત બની રહ્યો છે એ હકીકત છે. મોદિત્વના ઉદય બાદનો ભાજપ પાવરફૂલ રણનીતિથી આગળ વધી રહ્યો છે. આશ્ચર્યની બાબત એ છે કે, ભાજપના આ નવા પાવરની ગંગોત્રી સમાન ગુજરાતમાં જ ભાજપ તાકાતનું પ્રદર્શન વટથી કરી શકતો નથી.

   સોમનાથ મહાદેવજીના ઉર્જાવાન સાનિધ્યમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ થયો છે. ધારાસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વની બની રહે છે. ગુજરાતમાં રાજકીય સ્થિતિ વિચિત્ર છે. અહીં રાજકીય નબડાઇ વચ્ચેના જંગ જેવો માહોલ છે. હકીકત છે કે, અન્ય રાજયોની તુલનાએ ગુજરાત ભાજપ ખૂબ જ નબડો સાબિત થાય છે. આ સામે વિપક્ષ કોંગ્રેસ પૂર્ણપણે અશકત છે.

   કોંગ્રેસની અશકિત જ ભાજપની તાકાત છે. આવો માહોલ લોક કલ્યાણ માટે શ્રેષ્ઠ ન જ ગણાય. બળવાનોની લડાઇ થાય તો તાકાતવર નેતાગીરી ઉભરે. ભાજપની ચૂંટણી રણનીતિ વટથી લોકકાર્યો કરીને પ્રચંડ લોકપ્રિયતાથી જીત મેળવવાને બદલે અશકત કોંગ્રેસને વધારેમાં વધારે અશકત કરીને પાડી દેવાની રહી છે. કોંગ્રેસનો જે નેતા જોરમાં હોય તેને ભાજપમાં લઇને વિપક્ષને સાવ બિચારો કરી દેવાની નીતિ અમલમાં છે.

   સામ-દામ-દંડ-ભેદ વગેરે લક્ષણો રાજકીય પક્ષ-નેતા પાસે હોવા જ જોઇએ, પરંતુ સવાલ એ ઉઠે છે કે, ભાજપ લોકપ્રિય બનીને વટથી ૧પ૧ બેઠકો પ્રાપ્ત કરવા મરણિયો કેમ નથી થતો ? ભાજપે ગુજરાતમાં ટૂંકાગાળામાં બે વખત નેતૃત્વ પરિવર્તન કરવું પડયું. વિજયભાઇ પાસે સમય ખૂબ ઓછો રહ્યો. આ સ્થિતિ નજર સામે જ છે, હકીકત એ પણ છે કે-યોગીજી ખૂબ જ ટૂંકાગાળામાં વટથી સપાટા બોલાવે છે તેવા સપાટા ગુજરાતમાં પણ ભાજપ બોલાવી શકે છે.

   કારોબારીમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉપસ્થિત રહેવાના છે. અમિતભાઇએ દેશભરમાં તાકાતનું વિરાટ પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાં પણ ભાજપ મજબૂત-તકાતાવર બને તેવો સંકલ્પ કરીને ગુજરાત ભાજપને લોકકલ્યાણ તરફ વાળે તેવી આશા અસ્થાને નથી જ.

   

 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS