Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

કાલે અમિતભાઇ શાહ ‘૧૫૦ પલ્‍સ'ના ટાર્ગેટને પાર પાડવા કાર્યકરોને ચુંટણી મંત્ર આપશે

કાલે અમિતભાઇ શાહ ‘૧૫૦ પલ્‍સ'ના ટાર્ગેટને પાર પાડવા કાર્યકરોને ચુંટણી મંત્ર આપશે

   વેરાવળ તા. ૨૧: ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીનો સોમનાથ ખાતે આજે  બપોરથી પ્રારંભ થઇ રહ્યો છે. બે દિવસની કારોબારીમાં પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ  શાહ ઉપસ્‍થિત રહીને કાર્યકરોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્‍લસ બેઠકો પર વિજય માટેનો ચૂંટણી મંત્ર આપશે. આ ઉપરાંત શનિવારે રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહની ઉપસ્‍થિતિમાં નવા પ્રદેશ પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવ પોતાની જવાબદારી સંભાળશે અને પૂર્વ પ્રભારી ડો.દિનેશ શર્માનું વિદાય સન્‍માન પણ કરાશે. પ્રદેશ કારોબારીના એજન્‍ડા વગેરે કાર્યક્રમો તૈયાર કરવા માટે ગુરુવારે સોમનાથ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્‍યક્ષતામાં પ્રદેશ બેઠક મળી હતી.  કારોબારીમાં પસાર કરવામાં આવનાર રાજકીય પ્રસ્‍તાવ તથા આભાર પ્રસ્‍તાવને આ બેઠકમાં આખરી ઓપ અપાયો હતો. કારોબારી બેઠકમાં પ્રમુખ વાઘાણી ઉપરાંત મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્‍યપ્રધાન આનંદીબહેન પટેલ, સંગઠન સહ મહામંત્રી વી.સતિષ ઉપરાંત પાંચસો જેટલા રાજયભરના આગેવાન કાર્યકરો હાજર રહેશે.

   પાંચ રાજયોના પરિણામોમાં ભાજપને ચાર રાજયોમાં સત્તા મળ્‍યા પછી એવી ગણતરી મુકાતી હતી કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજયમાં મળેલા ઐતિહાસિક વિજયથી દેશભરમાં ફરી વળેલા ઉત્‍સાહના મોજા પર તરી જવા માટે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની તજવીજ હાથ ધરી શકે છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્‍વએ વ્‍યૂહાત્‍મક રીતે ગુજરાતની ચૂંટણીને ૧૫૦ પ્‍લસ બેઠકના ટાર્ગેટથી વિજયી થવાના ઇરાદે તૈયારીઓ હાથ ધરી છે એટલે વહેલી ચૂંટણીની શક્‍યતા હાલના તબક્કે જણાતી નથી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ  મોદીના સુરતના રોડ શોને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ તથા બીજા દિવસે પાટીદાર સમાજના જ બે ખાનગી કાર્યક્રમો તથા સુમુલ ડેરીના વ્‍યારાના કાર્યક્રમથી ભાજપને સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં સ્‍થિતિ સુધારવામાં સફળતા મળી છે.

   આ જ રીતે વડાપ્રધાને ઓગસ્‍ટમાં સૌની યોજનાના પ્રથમ ચરણનું લોકાર્પણ કર્યા પછી બોટાદમાં બીજા ચરણના પ્રોજેક્‍ટને ખુલ્લો મુક્‍યો હતો. આથી તેમની આ બે મુલાકાતથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને તેમણે આવરી લીધા છે. આમ, ભાજપ માટે પાટીદાર સમાજના આંદોલન પછી સૌથી મુશ્‍કેલ જણાતા પ્રાંતમાં વડાપ્રધાનની મુલાકાતની હકારાત્‍મક અસરો પેદા થઇ છે તેને હવે ચૂંટણી સુધીમાં અન્‍ય કાર્યક્રમો થકી જન જન સુધી પહોંચાડવામાં આવશે.

 (12:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS