Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

જેનરિક દવાઓના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમઃ આઇ.કે જાડેજા

સુરેન્દ્રનગર ખાતે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું

    સુરેન્દ્રનગર તા. ૨૧: કેન્દ્ર સરકાર દ્વારા રજુ થયેલ નવી આરોગ્ય નીતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સ્પર્શતી બાબતોને પ્રાધાન્ય આપેલ છે. તે અનુસાર મધ્યમ વર્ગના લોકોને સસ્તી અને ઉચ્ચ ગુણવત્ત્ાયુકત દવાઓ રાહતદરે મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર શરૂ કરેલ છે. આ ઔષધી સ્ટોરમાંથી જરૂરીયાતમંદ વ્યકિતઓ બજારમાંથી મળતી દવાઓ કરતા સસ્તી અને રાહત દરે દવાઓ મેળવી શકશે. જેનરિક દવાઓના માધ્યમથી છેવાડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની રાજય સરકારની નેમ છે. તેમ સુરેન્દ્રનગર ખાતે બે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરના ઉદ્દદ્યાટન પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું.

   કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકાર માળખાકીય સુવિધાની સાથે સમાજને સમૃધ્ધ કરવાની દિશામાં પણ કામ કરી રહી છે. છેવાડાનો ગરીબ નાગરિક સમૃધ્ધ થશે તો સમાજ સમૃધ્ધ બનશે. રાજય સરકાર દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધીમાં ૭૯ જેનરિક દવાઓના સ્ટોર વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવશે. તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.

   આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે જેનરિક દવાની કિંમત એ બ્રાન્ડેડ દવાની સાપેક્ષમાં ખુબ જ ઓછી હોય છે. રાજયની પ્રજાવત્સલ સરકારે ગરીબો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. મા કાર્ડ, મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ જેવી સવલતો પુરી પાડી દીનદયાળ ઉપાધ્યાય પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક વધારાની સવલત ઉભી કરી છે.

   સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ સામેની ગલીમાં અને જીન કમ્પાઉન્ડ ખાતે શરૂ થયેલ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય તેમજ રીબીન કાપી ઉદ્દદ્યાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી શીલાબા ઝાલા, ચંદ્રશેખરભાઇ દવે, વનરાજભાઇ પરમાર, ધનરાજભાઇ કેલા, વિપીનભાઇ ટોલીયા, વિરેન્દ્રભાઇ આચાર્ય, મનહરસિંહ રાણા, પી.કે. સિંધવ, અમૃતભાઇ ડાભી, જગમલભાઇ પરદ્યીયા, પ્રતિકસિંહ રાણા, પરેશભાઇ રાવલ, પદાધિકારીશ્રીઓ, શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. (૨૫.૫)

 (09:07 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS