Samachar Rajkot

News of Friday, 21st April, 2017

હાશ... ગરમીમાં ઘટાડો થશે : પારો ૩૭થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેશે

મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે : આવતા ગુરૃવાર સુધી પારો નોર્મલ કે નોર્મલથી એકાદ- બે ડિગ્રી નીચુ રહેશે : સવારે ભેજનું પ્રમાણ વધુ હશે : વાતાવરણ અસ્થિર બનશે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે : અશોકભાઈ પટેલ

હાશ... ગરમીમાં ઘટાડો થશે : પારો ૩૭થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેશે

   રાજકોટ, તા. ૨૧ : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય તાપનો અનુભવ કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. આગામી એક સપ્તાહ ગરમીમાં ઘટાડો જોવા મળશે. ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે. પારો ૩૭થી ૪૦ ડિગ્રી વચ્ચે એટલે કે નોર્મલ આસપાસ જોવા મળશે. સાથોસાથ સવારે ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે. જયારે દેશના પૂર્વ વિસ્તારોમાં જેમ કે ઓરિસ્સા, બંગાળ સહિતના રાજયોમાં ગરમીનું મોજું હજુ યથાવત રહેશે.

   વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે એક સપ્તાહ અગાઉ આપેલી આગાહી મુજબ મોટા ભાગના દિવસોમાં હિટવેવનો માહોલ જોવા મળેલ. હાલમાં પણ તાપમાન નોર્મલ કે નોર્મલથી ઉંચુ જ રહે છે જો કે હિટવેવ નથી. જેમ કે રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ. તેવી જ રીતે અન્ય સેન્ટરોમાં પણ મહત્તમ તાપમાન નોર્મલથી ૨ થી ૩ ડિગ્રી ઉંચુ નોંધાયેલ. હાલ રાજકોટમાં નોર્મલ તાપમાન ૩૯ ડિગ્રી ગણાય જયારે અમદાવાદમાં નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય.

   અશોકભાઈ પટેલે વધુમાં જણાવે છે કે તા. ૨૧ થી ૨૭ દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. જેમાં તા. ૨૧-૨૨ (શુક્ર-શનિ) તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. આ બે દિવસોમાં પારો ત્રણેક ડિગ્રી ઘટી જશે. તા. ૨૩ થી ૨૭ (રવિથી બુધ) દરમિયાન મહત્તમ તાપમાન ૩૭ થી ૪૦ ડિગ્રી વચ્ચે જ રહેશે એટલે કે તાપમાન નોર્મલ અથવા નોર્મલથી એક- બે ડિગ્રી નીચું રહેશે.

   તા. ૨૩ થી ૨૭ (રવિથી બુધ) દરમિયાન  સવારે ભેજનું પ્રમાણ ૮૦ ટકા ઉપર જોવા મળશે. આ અગાઉ બપોરે ૧૦ ટકા આસપાસ ભેજ રહેતો હતો જે હવે આવતા દિવસોમાં ૧૫ થી ૨૦ ટકા આસપાસ રહેશે. ઉકત દિવસો દરમિયાન વાતાવરણ થોડુ અસ્થિર  બનશે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના શહેરોમાં વરસાદ પડશે. જેની અસરથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જયારે દેશના પૂર્વના શહેરોમાં ગરમીનું મોજું યથાવત રહેશે.

 (05:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS