Samachar Rajkot

News of Friday, 21st April, 2017

કોંગ્રેસનું ‘ઘર' સળગ્‍યુ : CMના કારણે ‘કુકરીઓ' બની ગાંડી !!

એકેડેમીક હાઇટ્‍સના ઉદ્‌ઘાટનમાં મુખ્‍યમંત્રીને આમંત્રણ અપાતા જ કોંગ્રેસમાં બરાબરની જામી પડી : જયપાલ ચંદ્રસિંહ રાઠોડ સામે પગલા લેવા ફરિયાદોઃ રાઠોડ જુથ પણ જવાબ આપવા મક્કમ : કોર્પોરેશનના બેનરોની સાથે જયપાલ રાઠોડના કાર્યક્રમના બેનરો પણ ફાડી નખાતા ભારે રોષ : ચંદુભાઇ રાઠોડના સહધ્‍યાયી અને પારીવારીક નાતે આમંત્રણ આપ્‍યું તેમાં ખોટું શું? રાઠોડ પરિવારઃ જયપાલને નોટીસ આપવા હિલચાલ તો આવતીકાલે યુવા કોંગ્રેસની કારોબારીમાં મુદ્દો સળગે તેવા નિર્દેશો

   રાજકોટ તા. ૨૧ : કોંગ્રેસમાં ક્‍યારે આંતરિક ધમાસાણ મચી જાય તેનું કાંઇ નક્કી નહીં. વિજયભાઇ રૂપાણીની ગત ૧૯મીની રાજકોટની મુલાકાત સમયે તેમણે એકેડેમીક હાઇટ્‍સનું તો ઉદ્‌ઘાટન કર્યું પરંતુ કોંગ્રેસની આંતરિક લડાઇનો પણ પ્રારંભ કરાવતા ગયા. ચંદુભાઇ રાઠોડ પરિવારના શૈક્ષણિક કાર્યક્રમમાં પારીવારીક નાતે મુખ્‍યમંત્રીને આમંત્રણ અપાતા જ કોંગ્રેસના બે જુથ વચ્‍ચે ખટરાગ શરૂ થયો હતો. રૂપાણીએ હાજરી આપી કાર્યક્રમને યાદગાર તો બનાવ્‍યો પરંતુ કોંગ્રેસની આંતરિક લડાઇ પણ અવિસ્‍મરણીય બની રહે તેવો ઘાટ ઘડાયો છે.

   શહેર કોંગ્રેસમાં આંતરિક જુથબંધી માટે શહેર પ્રમુખ પદ, વિપક્ષી નેતાપદ કે અન્‍ય બાબતો કારણભૂત બને તે સ્‍વાભાવિક છે પરંતુ છાનાખૂણે આંતરિક જુથબંધી હાલમાં જે જામી છે તે માટે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી નિમિત્ત બન્‍યા છે તે આર્યજનક બાબત છે.

   મુંજકા પાસે સ્‍વ. ચંદુભાઇ રાઠોડ તથા સ્‍વ. ચીનુભાઇ રાઠોડ પરિવારના શૈક્ષણિક સંકુલ એકેડેમીક હાઇટ્‍સનો શુભારંભ કરવા માટે જે ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો અને તેમાં ઉદ્‌ઘાટક તરીકે ચંદુભાઇ રાઠોડના વિરાણી હાઇસ્‍કુલના સહઅધ્‍યાયી અને પારીવારિક નાતો ધરાવતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને નિમંત્રણ અપાતા જ કોંગ્રેસમાં ડખ્‍ખાનો પ્રારંભ થયો હોવાનું મનાય છે.

   એમ કહેવાય છે કે, સ્‍વ. ચંદ્રસિંહ રાઠોડના જયેષ્‍ઠ પુત્ર જયપાલ રાઠોડ રાજકોટ દક્ષિણના યુવા કોંગી પ્રમુખ છે. પરિણામે તેમના પરિવારના શૈક્ષણિક અભિયાનના કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીને બોલાવાતા અને આમંત્રણ અપાતા જ કોંગ્રેસમાં આંતરિક ડખ્‍ખા શરૂ થયા હતા.

   દરમિયાન  જયપાલ રાઠોડના મિત્ર સર્કલમાં ચર્ચાતી વિગતો મુજબ જયપાલે તેના પપ્‍પા અને કાકાના મિત્ર મનાતા વિજયભાઇને પારીવારિક નાતે આમંત્રણ અપાયું તેમાં કોઇએ પ્રશ્ન ન બનાવવો જોઇએ. જયપાલના મિત્રો તો એવું પણ ચર્ચે છે કે જયપાલ રાઠોડ જ્‍યારે ધારાસભ્‍ય ઇન્‍દ્રનિલભાઇ રાજ્‍યગુરૂને આમંત્રણ આપવા ગયા ત્‍યારે ધારાસભ્‍યશ્રીએ  સ્‍પષ્‍ટ કરી દીધું હતું કે હું આમંત્રણ કાર્ડ સ્‍વિકારતો પણ નથી અને હું આવીશ પણ નહીં.

   ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ મહાનગરપાલિકાના કાર્યક્રમના કોટેચા ચોક સહિતના સ્‍થળોએથી બેનરો ફાડયા એ રાજકીય કાર્યક્રમ હોઇ શકે તે વિરોધ કાર્યક્રમ હોઇ શકે પરંતુ એકેડેમીક હાઇટ્‍સના કાર્યક્રમના બેનરોમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ફોટોગ્રાફ હોય એટલે વ્‍યકિતગત ઇગો' રાખીને એ બેનરો ફાડી નખાયા એ યોગ્‍ય થયું નથી.

   એકેડેમીક હાઇટ્‍સના બેનરો ફાડી નાખવામાં આવ્‍યા એ બાબતે પણ મામલો ધૂંધવાતો હોવાનું અને એક તબક્કે જવાબ આપવા સુધીની વાત પણ પહોંચી હોવાનું ચર્ચાય છે.

   યુવક કોંગ્રેસના પ્રમુખના પરીવારના કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીએ પણ તેમના સ્‍વ. ચંદુભાઇ રાઠોડ અને ભાજપના પૂર્વ નગરસેવક સ્‍વ. ચીનુભાઇ રાઠોડ સાથેના પારીવારીક સંબંધો વાગોળ્‍યા હતા અને એ સંબંધોના નાતે તેમણે આવવું જ પડે તેમ જણાવ્‍યાનું પણ કહેવાય છે ત્‍યારે તેઓ તે હાજરી આપી પોતાની ફરજ નીભાવી ગયા પરંતુ કોંગ્રેસના બે જુથ વચ્‍ચે ખટરાગ માટે કારણભૂત પણ ચોક્કસ બનતા ગયા.

   મુખ્‍યમંત્રી તો તેમના અન્‍ય કાર્યક્રમોમાં વ્‍યસ્‍ત બની ગયા અને ૧૫૦ બેઠકોના લક્ષ્યાંકને સિધ્‍ધ કરવા માટે જ્‍યાં મહત્‍વની ચર્ચા શરૂ થઇ છે તેવી પ્રદેશ કારોબારીમાં પણ વ્‍યસ્‍ત બની ગયા છે પરંતુ રાજકોટ શહેરમાં કોંગ્રેસના બે જુથને સામસામી લડાઇમાં વ્‍યસ્‍ત કરતા ગયા છે.

   દરમિયાન એમ ચર્ચાય છે કે કોંગી પ્રમુખ જયપાલ રાઠોડ સામે પગલા લેવા ઉચ્‍ચકક્ષાએ દબાણ આદરાયુ છે. સંભવતઃ આવતીકાલે યુવક કોંગ્રેસની કારોબારીની મીટીંગ છે તેમાં પણ આ પડઘા પડે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

   બીજી તરફ જયપાલ રાઠોડનું જુથ તથા કોંગ્રેસમાં રહેલા તેમના માર્ગદર્શકો પણ સક્રિય બન્‍યા છે તો જયપાલ રાઠોડનું જુથ પણ લડી લેવાના મૂડમાં હોવાનું મનાય છે ત્‍યારે આ પ્રકરણે હવે શું? તે અંગે ભારે ઉત્તેજના જાગી છે.

 (04:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS