Samachar Rajkot

News of Friday, 21st April, 2017

ચેમ્‍બરમાં પ્રમુખપદનો ડખ્‍ખો ચરમસીમાએઃ જ્ઞાતિવાદ મહત્‍વની ભૂમિકામાં

ચેમ્‍બરમાં પ્રમુખપદનો ડખ્‍ખો ચરમસીમાએઃ જ્ઞાતિવાદ મહત્‍વની ભૂમિકામાં

      રાજકોટ, તા. ર૧ :  રાજકોટના વેપારીઓ ઉદ્યોગપતિઓના હિતોના રક્ષણ માટે કામ કરતી દાયકાઓ જુની સંસ્‍થા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીની ચોવીસ સભ્‍યોની કારોબારીના મામલામાં સમાધાન થઇ ગયા બાદ આવતીકાલે પ્રમુખ સહિતના હોદેદારોની પસંદગી માટે આવતીકાલે સવારે પ્રથમ કારોબારી મળવાની છે તે પૂર્વે પ્રમુખપદેને લઇને આંતરિક ડખ્‍ખો ચરમ સીમાએ પહોંચ્‍યો હોવાના સ્‍પષ્‍ટ નિર્દેશો મળી રહ્યા છે. ચેમ્‍બરનું પ્રમુખપદ એક માનભર્યો હોદ્દો હોય તે કબ્‍જે કરવા કાવા દાવાઓ અને પર્દા પાછળના ખેલ એકધારા ચાલુ રહ્યા છે અને આવતીકાલ સુધીમાં જો બધુ ઠીકઠાક નહી ઉતરે તો બેઠકનો બહિષ્‍કાર કરવામાં આવે તે હદ સુધી સ્‍થિતિ વણસી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

      રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સમાં ત્રણ વર્ષ બાદ કારોબારીની ચૂંટણી થતી હોય છે અને આ વખતે ચોવીસ સભ્‍યોની પસંદગી કરવા એકટીવ પેનલ અને નવસર્જન પેનલ મેદાનમાં હતી. આ માટે ર૯ મી એ ચૂંટણી પણ યોજવાની હતી પરંતુ શહેરના મોભીઓ અને આગળ પડતા લોકોએ બન્ને પેનલ વચ્‍ચે સમાધાન કરાવ્‍યું અને એકટીવ પેનલમાંથી સોળ ઉમેદવારો તથા નવસર્જન પેનલમાંથી આઠ ઉમેદવારો લેવામાં આવ્‍યા અને ચોવીસ સભ્‍યોની કારોબારીની બીનહરીફ ચૂંટણી થઇ હોવાનું જાહેર કરાયું હતું. આ કવાયત બાદ સૌથી મોટો પ્રશ્ન પ્રમુખપદ સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવા માટેનો હતો અને તે માટે આવતીકાલે સવારે ૧૦-૩૦ કલાકે ચેમ્‍બરના હોલમાં ચૂંટણી સમિતિ દ્વારા નવનિયુકત કારોબારીની બેઠક બોલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

      આવતીકાલે સવારે કારોબારીની બેઠક યોજાય તે પૂર્વે પ્રમુખપદની ખુરશી મેળવવા ભારે ખેચાખેચી થઇ રહી હોવાનું જાણવા મળે છે. જો કે પ્રમુખપદ માટે જ્ઞાતિવાદ મુખ્‍ય ભૂમિકા ભજવે તેવા સ્‍પષ્‍ટ સંકતો મળી રહ્યા છે. પ્રમુખપદની પસંદગીને લઇને આંતરીક ઘુંઘવાટ એટલી હદે લબકારો મારી રહ્યો છે કે એક જુથ દ્વારા આવતીકાલે કારોબારીના બહિષ્‍કાર સુધીનું શષા અપાનાવવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. આ બેઠક તોફાની બની રહે તેવી પણ શકયતા રહેલી હોવાનું ચર્ચાય રહ્યું છે.

      આ અંગે નવસર્જન પેનલના  જીતુભાઇ અદાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્‍યું હતું કે ચૂંટણી ટાળવા માટે જે સમાધાન થયું હતું તે અનુસાર મને પ્રમુખપદે આપવાની ફોર્મ્‍યુલા નક્કી કરવામાં આવી હતી અને બન્ને પેનલમાંથી બાર બાર સભ્‍યો લઇ ચોવીસની કારોબારી કરવાની હતી પરંતુ હવે મને પ્રમુખપદ આપવા ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે કારોબારીમાં પ્રમુખપદની ચૂંટણી થાય તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જે મને માન્‍ય નથી અને સમાધાન મુજબ મને સર્વાનુમતે પ્રમુખ તરીકે જાહેર કરવો જોઇએ. આ અંગે ચેમ્‍બરના પૂર્વ પ્રમુખ સમીરભાઇ શાહનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવ્‍યું હતું કે જીતુભાઇને પ્રમુખ બનાવવા કોઇ ખાતરી આપવામાં આવી નહોતી. જે કંઇ નક્કી થાય તે ફલોર ઉપર જ નક્કી થાય અમે કોઇને કંઇ કમીટમેન્‍ટ આપ્‍યું નથી.

      રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સમાં એક તરફ જીતુભાઇ અદાણી સમાધાનની ફોર્મ્‍યુલા મુજબ પ્રમુખપદની પ્રક્રિયાઓ અમલ કરવા આગ્રહ રાખી રહ્યા છે તો બીજી તરફ એકટીવ પેનલમાંથી પ્રમુખપદના બે મુખ્‍ય દાવેદાર ગણી શકાય તેમ છે. વી.પી. વૈષ્‍ણવ અને શિવલાલભાઇ બારસીયા આ બન્ને ઉમેદવારો પ્રમુખપદની રેસમાં હોવાનું કહેવાય છે. શિવલાલભાઇ અગાઉ પ્રમુખ હતા અને તેમણે બાદમાં રાજીનામું આપ્‍યુ હતું. જયારે વી.પી. વૈષ્‍ણવ હવે પ્રમુખ બનવા થનગની રહ્યા છે એ અત્રે નોંધનીય છે.

      ચેમ્‍બરમાં અન્‍ય કોઇ હોદ્દા માટે કોઇ સ્‍પર્ધા નથી પરંતુ પ્રમુખપદને લઇને જે ગરમાગરમી જોવા મળી રહી છે તે ભારે ચર્ચાનું કેન્‍દ્ર બની છે. આવતીકાલે યોજાનારી કારોબારીમાં આંતરીક ઘૂંઘવાટના જોરદાર પડઘા પડે અને બેઠકમાં ભારે ગરમાગમી થાય તેવા પણ સ્‍પષ્‍ટ નિર્દેશો આજે મળી રહ્યા છે. પ્રમુખપદ માટે જીતુભાઇ અદાણી ઇલેકશનને બદલે સર્વાનુમતીની પસંદગીની  તરફેણમાં છે તો સામા તરફે  ઇલેકશનનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે એ બાબતને લઇને ડખ્‍ખો ચાલી રહ્યો છે જેનો અંત લાવવા આજે બપોર બાદ અનેક વગદારો ફાયર ફાઇટર બને તેવી પણ શકયતા છે. એક વસ્‍તુ નક્કી છે કે પ્રમુખપદ માટે જ્ઞાતિવાદ મહત્‍વનું અંગ બનશે.

       

       

 (03:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS