Samachar Rajkot

News of Friday, 21st April, 2017

દાયકા પૂર્વે ધમધમતી 'પાણીના પરબ'ની સેવા વિસરાઇ ?!

દસકા પહેલા દર ઉનાળે વેપારી એશો. તથા ખાનગી દુકાન માલિકો તથા સેવાભાવી સંસ્થાઓ પાણીના પરબ ચાલુ કરતી હતીઃ અગાઉ ફૂલછાબ ચોક, ધર્મેન્દ્ર રોડ, કંદોઇ બજાર ચોકમાં દૂકાનના પાટીયા પર, પ્રહલાદ ટોકીઝ પાસે, ત્રિકોણ બાગ રીક્ષા સ્ટેન્ડ પાસે, જયુબેલી શાક મારકેટ પાસે દુકાનદારો- સેવાભાવી કાર્યકરો પાણીના પરબ ચલાવતા હતાઃ સમય જતાં આ જલ સેવા વિસરાઇ ગઇ : પાણીના પરબમાં નાંદમાંથી ઠંડુ પાણી પી અનેક લોકો હાશકારો અનુભવતા

દાયકા પૂર્વે ધમધમતી 'પાણીના પરબ'ની સેવા વિસરાઇ ?!

   રાજકોટ તા.૨૧ : સંત અને સુરાની ભૂમી કહેવાતા કાઠીયાવાડ અને ખાસ કરીને રાજકોટમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યકરો દ્વારા અનેક પ્રકારની સમાજોપયોગી સેવા આજે પણ થઇ રહી છે.

   આવી અનેક સેવાભાવી સંસ્થાઓ દર ઉનાળે પોતાની આસપાસના મુખ્ય રોડ અથવા મોટા  ચોકમાં પાણીના પરબ ચલાવતી હતી આ પરબ પર  અનેક લોકો નાંદનું ઠંડુ પાણી પીને કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી મુક આશીર્વાદ આપતા હતા.

   અગાઉ આવા પાણીના પરબો ફુલછાબ ચોક, ત્રિકોણ બાગ રીક્ષા સ્ટેન્ડ પાસે, પ્રહલાદ ટોકીઝ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે, કિશાનપરા ચોક તેમજ મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ દ્વારા દુકાનના પાટીયા પર પાણીની નાંદ મુકતા હતા. બજાર વિસ્તારમાં આવા પાણીના પરબેથી અનેક લોકો પાણી પીતા હતા. સમય જતા હવે કયાંય આવા પરબો જોવા મળતા નથી.

   હવે આવી કાળઝાળ ગરમીમાં બહારગામ જતા અથવા બહારગામથી આવતા લોકોને ફરજીયાત પાણીના પાઉચ અથવા પાણીની બોટલો લેવાની ફરજ પડે છે. પાઉચ વેચતા વેપારીઓ ખાસ કરીને બસ સ્ટેન્ડ પર બે રૂપીયાનું એક પાઉચ આપીને લોકોને લુટી રહ્યા છે જયારે પાણીની બોટલ પણ હવે મીનીમમ રૂ.ર૦માં મળે છે.

   અગાઉના જમાનામાં વડવાઓએ ભવિષ્યવાણી ભાખી હતી કે પરીયે પાણી વહેચાશે એ લોકવાયકા મુજબ હવે પાણી વેચાતું મળવા લાગતા હવે ધીરે-ધીરે રાજકોટ સહિતના ગામો ગામ આવી પાણીની પરબની સેવા વિસરાઇ જવા પામી છે.  

   મતલબ કે હવે પાણીના પરબો કયાંય જોવા મળતા નથી. અગાઉના વર્ષોમાં જોવા મળતા પાણીના પરબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે જોકે કયાંક આ જલસેવા હજુ જોવા મળે છે. (૨૧.૪)

   યાજ્ઞિક રોડ પર રવિ પ્રકાશન દ્વારા પાંચ દાયકાથી 'જલ સેવા' અવિરત ચાલુ

   રાજકોટ : અહિંના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે આવેલ નોટબુક તથા સ્કુલના ચોપડાના વેપારી રવિ પ્રકાશન દ્વારા તેમની દુકાન પાસે ૪પ-પ૦ વર્ષથી પાણીની સેવા અવિરત ચાલુ છે. યાજ્ઞિક રોડ પરના ચોપડાના વેપારી જયેશભાઇ કકકડે જણાવેલ કે છેલ્લા ૪પ વર્ષથી અમો કાયમી ધોરણે દુકાન પાસે એક-બે (જરૂરીયાત મુજા) પાણીની નાંદ રાખીને જલ સેવા કરી રહ્યા છીએ છેલ્લા પ૦ વર્ષમાં લાખો લોકોએ બળબળતા ઉનાળામાં અમારી દુકાનના પરબે પાણી પીને હાશકારો અનુભવ્યો છે.

   સમય જતા અમોએ અમારી પાણીની સેવામાં બદલાવ લાવી માટીની નાંદને બદલે હવે ફ્રીજ મુકેલ છે ફ્રીઝ ઉપર પ્લાસ્ટીકની પાણીની ટેંકમાંથી પાણી ફ્રીઝમાં આવતું રહે અને ઠંડુ થતું રહે છે મતલબ કે હવે અમોએ ફ્રીઝકોલ્ડ ઠંડા પાણીની સુવિધા ઉભી કરી છે. દરરોજ હજારો લોકો અમારી દુકાન પાસે પાણી પીવે છે. રવિ પ્રકાશન દુકાન ખાસ કરીને વિદ્યાર્થી ભાઇ બહેનોમાં ખુબજ પ્રચલિત છે. અહિ ધોરણ પ થી લઇ કોલેજ તેમજ  ડીગ્રી ડીપ્લોમાંના ઉચ્ચ અભ્યાસક્રમના જુના તથા નવા ચોપડા મળે છે. વિદ્યાર્થીઓ પાસેથી ચોપડા વ્યાજબી ભાવે પરત પણ લેવામાં આવે છે અને જુના ચોપડા વ્યાજબી ભાવે મળે પણ છે.

 (09:06 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS