Mukhy Samachar

News of Friday, 21st April, 2017

પતિના બીજા લગ્ન થયા હોવાથી પ્રથમ પત્નિનું નિર્વાહ ભથ્થુ ઘટયું

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદોઃ કોલકતા હાઇકોર્ટના મહિને ર૩,૦૦૦ આપવાના આદેશને રદ કરી સુપ્રિમ કોર્ટે રૂ.ર૦,૦૦૦નું ભથ્થુ નક્કી કર્યુઃ સુપ્રિમ કોર્ટ કહે છે... ભરણપોષણ નક્કી કરતી વખતે બંને પક્ષકારોના સ્ટેટસ, ક્ષમતા અને વર્તમાન પરિસ્થિતિ જોવી પડેઃ કોર્ટે પતિના બીજા લગ્ન અને બાળકને ધ્યાને લીધા

પતિના બીજા લગ્ન થયા હોવાથી પ્રથમ પત્નિનું નિર્વાહ ભથ્થુ ઘટયું    

   નવી દિલ્હી તા.ર૧ : સુપ્રિમ કોર્ટે છુટાછેડા બાદ પતિના બીજા લગ્ન અને એક બાળકને જોતા પ્રથમ પત્નિ અને બાળકના ભરણપોષણની રકમ ઘટાડી દીધી છે. ન્યાયમુર્તિ આર.ભાનુમતી અને મોહન એમ. શાંતનગૌડરની પીઠે પતિની અરજી પર હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ર૩,૦૦૦ રૂ. પ્રતિ મહિના ભરણપોષણની રકમ ઘટાડીને ર૦,૦૦૦ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે બંને પક્ષકારોના સ્ટેટસ, ક્ષમતા અને વર્તમાન પરિસ્થિતિને જોવી પડે છે. કોલકતા હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટના જજમેન્ટનો હવાલો આપતા કહ્યુ હતુ કે, પતિના પગારના રપ ટકા પત્નિને ચુકવવા પડશે અને જે હેઠળ ર૩,૦૦૦ રૂ. દર મહિને દેવાનુ નક્કી થયુ હતુ. પતિએ હાઇકોર્ટના ફેંસલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે, પતિના પગારના રપ ટકા ભરણપોષણની રકમ નક્કી થઇ છે વર્તમાન મામલામાં પરિસ્થિતિ બદલાય ગઇ છે અને પતિએ છુટાછેડા પછી બીજા લગ્ન કરી લીધા છે અને બાળક પણ છે એવામાં ર૩,૦૦૦ રૂ.ની રકમ ઘટાડી ર૦,૦૦૦ રૂ. નક્કી કરવામાં આવે છે.

   આ દંપતિના લગ્ન ૧૮ ઓગષ્ટ ૧૯૯પમાં થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને તેઓને બાળક પણ થયા હતા પરંતુ પતિનો આરોપ છે કે પત્નિ પીયર ચાલી ગઇ બાદમાં તેણે પતિ વિરૂધ્ધ દહેજનો કેસ કર્યો અને ભરણપોષણ પણ માંગ્યુ, બંને વચ્ચે છુટાછેડાનો કેસ પણ ચાલ્યો અને ૩ નવેમ્બર ર૦૧રના રોજ છુટાછેડા થયા તે પછી પત્નિએ ભરણપોષણ માટે અરજી કરી અને નીચલી અદાલતે ૧૬,૦૦૦ની રકમ નક્કી કરી તો મામલો હાઇકોર્ટમાં ગયો.

   કોલકતા હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટનો હવાલો આપતા કહ્યુ હતુ કે, પતિના પગારના રપ ટકા ભરણપોષણ દેવુ પડે, પતિનો પગાર ૯પ,૦૦૦ રૂ. આંકવામાં આવ્યો હતો અને આમ રૂ.ર૩,૦૦૦ની રકમ નક્કી થઇ હતી. સુપ્રિમ કોર્ટમાં પતિએ કહ્યુ હતુ કે, પત્નિ મહિને ૩૦,૦૦૦ કમાય છે જે ટિચર પણ છે, સાથોસાથ પતિએ કહ્યુ હતુ કે, મારા બીજા લગ્ન થઇ ગયા છે અને બાળક પણ છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે, મામલામાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને નિર્વાહ ભથ્થુ ર૩,૦૦૦ થી ઘટાડી ર૦,૦૦૦ કરવામાં આવે છે. ભથ્થુ દરેક કેસની સ્થિતિ અનુસાર નક્કી થાય છે. પતિએ હવે ર૦,૦૦૦ રૂ. દર મહિને ૧૦ તારીખ પહેલા આપવાના રહેશે.

 (09:37 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો