Mukhy Samachar

News of Friday, 21st April, 2017

રાજકોટના ચિત્રકાર શરદ રાઠોડના ચિત્રો મુંબઇમાં છવાયા

પીંછીની કમાલ... સામાન્ય કેનવાસને સોના કરતા પણ કિંમતી બનાવ્યું : એમ. એફ. હુસૈન, રઝાના સ્તરના ચિત્રકારના જીવનના રંગોનો ઉઘાડઃ મુંબઇ - બેંગ્લોર - હરિયાણા વગેરે સ્થાનો પર શરદ : રાઠોડના રંગો રેલાયા એમ.એફ. હુસૈન - રઝાના ચિત્રો સાથે શરદ રાઠોડના ચિત્રો ગોઠવાયાઃ આ ચિત્રકારે અભિનય ક્ષેત્રે પણ કમાલ કરીઃ શરદભાઇ સ્પોર્ટસના શોખીનઃ ચાર દાયકાની કલા- સાધનાની સિધ્ધિઃ હોટલ તાજ - મુંબઇમાં વનમેન-શોઃ ચિત્રકલા ક્ષેત્રે શરદ રાઠોડે રાજકોટને ગૌરવવંતી ઓળખ આપીઃ પોતાની આભા વિકસાવી અને સમૃધ્ધિ પ્રાપ્ત કરીઃ આ ચિત્રકારની સંઘર્ષયાત્રા પ્રેરક છે : યુવા પેઇન્ટરોના આઇકોન બનેલા શરદ રાઠોડના જીવનને માણસોઃ ચિત્રકલાના દરેક પ્રકારોમાં શ્રેષ્ઠતા સાબિત કરી : શરદ રાઠોડના એબ્સ્ટ્રેક ચિત્રોથી ચિત્રજગત દંગ

રાજકોટના ચિત્રકાર શરદ રાઠોડના ચિત્રો મુંબઇમાં છવાયા

      'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શરદ રાઠોડ અને આર્કિટેકટ કિશોરભાઇ ત્રિવેદી, એડમિરેકલ વાળા હરીશભાઇ પટેલ, ફિલ્મ ડાયરેકટર ધર્મેન્દ્ર ઓઝા, રાજકુમાર કોલેજનાં ઉમેશ કયાડા નજરે પડે છે.

      'તસવીર તેરી દિલ મેં જીસ દિન સે ઉતારી હૈ...'

      દિલમાં ઉતરી જાય તેવી તસ્વીરનું નિર્માણ પરમની ઉર્જાના માધ્યમથી થઇ જતું હોય છે. રાજકોટના એક આર્ટીસ્ટે દિલમાં ઉતારવા જેવી તસ્વીરો સર્જીને ઉચ્ચસ્તરીય કલા પારખુને પોતાના દિવાના બનાવી દીધા છે.

      શરદ રાઠોડ ... રાજકોટના આ ચિત્રકારે મુંબઇમાં અલગસૌરાષ્ટ્ર-ગુજરાતના ચિત્રકારોને પ્રેરણા આપે તેવી અધધધ...સિધ્ધીઓ શરદભાઇએ મેળવી છે. સૌરાષ્ટ્ર-રાજકોટમાં સદીઓથી કલા સાધના થાય છે. પરંતુ તેની લોકપ્રિયતા સૌરાષ્ટ્ર-રાજકોટના વર્તુળ પુરતી જ રહી છે. શરદભાઇની પીંછીના સ્ટ્રોકે દરીયાપારના કલાપારખુઓ-કલાના શોખીનોને દિવાના બનાવી દીધા છે.

      પરીવર્તન સંસારનો નિયમ છે. યુગ પરિવર્તન સાથે કલાદ્રષ્ટિમાં પણ પરીવર્તન થયું છે. રાજકોટ, સૌરાષ્ટ્રના ચિત્રકારો એક જ ઘરેડમાં સર્જન કરતા હોવાથી રાષ્ટ્રીય સ્તરે કોઇ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત થઇ શકતી ન હતી.

      શરદ રાઠોડે ચાર દાયકાની કલા-સાધના ના નીચોડ સાથે વિશેષ દ્રષ્ટિકોણથી કેનવાસ પર કલા સર્જન કર્યુ અને બોમ્બેની હાઇ લેવલ સોસાયટીમાં તેઓ છવાઇ ગયા.

      * * *

      ૧૯૮૭ની સાલ મુંબઇની કલા વિખ્યાત તાજ હોટલમાં રાજકોટના આર્ટીસ્ટ શરદ રાઠોડનો પ્રથમ ચિત્ર-શો આયોજીત થયો. આ સ્થાને શોનું આયોજન થાય એ જ કલાકારની ઓળખ બની જતી હોય છે. શરદભાઇએ માત્ર ઓળખ ન સ્થાપી. સપાટો બોલાવ્યો. આશ્ચર્યજનક સિધ્ધી મેળવી. તાજમહેલ હોટલમાં તમામ ચિત્રોનું વેચાણ થઇ ગયું. રાષ્ટ્રીય સ્તરના કલા જગતમાં સોંપો પડી ગયો.

      શદર રાઠોડનું નામ ગુંજતુ થઇ ગયું. મુંબઇની મોટી હસ્તી ડી.પી.હરીયાણી અને તાજમહાલ હોટલ મુંબઇના ડાયરેકટર શ્રી કેલકરે ખરીદી લીધા. શરદભાઇના ચિત્રો પર મોહીત થઇ ગયા અને પ્રદર્શનમાં ગોઠવેલા તમામ ૧૬ ચિત્રો ખરીદી લીધા. આ પેઇન્ટીંગની કિંમત  સામાન્ય નથી હોતી અને આ સિધ્ધી પણ સામાન્ય ન ગણાય.

      રાજકોટ-ગુજરાતના ચિત્રકારને મુંબઇમાં ઓળખ ઉભી કરવી હોય તો પણ જન્મારો પસાર થઇ જાય, શરદભાઇએ માત્ર ઓળખ નથી સ્થાપી, કલા થકી સમૃધ્ધિ પણ મેળવી છે. આ કારણે તેઓ આર્ટ ક્ષેત્રની યુવા પેઢીના આઇકોન બન્યા છે અને તેઓની કલા સાધના રાજકોટ-ગુજરાતના ચિત્રકારો માટે પ્રેરણાના ધોધ જેવી સ્થાપીત થઇ છે.

      * * *

      શરદભાઇ ચિત્રકાર બન્યા નથી, ચિત્રકાર તરીકે જ પ્રગટયા છે. તેઓના જન્મ તા.૭-૧ર-૧૯પ૬ના દિને જામજોધપુર ખાતે થયો હતો. બાળપણથી જ ચિત્રકલા પ્રત્યે આકર્ષણ. માતુશ્રીએ ખુબ પ્રોત્સાહન આપ્યું. જો કે શરદભાઇ કહે છે કે બાળપણમાં ચિત્રકલા સાથે સ્પોર્ટસ ક્રિકેટમાં અને સ્વીમીંગમાં પણ રસ હતો. ખેલ જગતમાં પણ આગળ જવાની ઇચ્છા હતી.

       .... પણ સનતભાઇ ઠાકરે શરદ રાઠોડમાં ધબકતા કલાકાર જીવને ઓળખી લીધો. શરદભાઇ કહે છે, મેં કયારેય ચિત્રકલા કે કોઇ પણ આર્ટનું વ્યવસ્થિત શિક્ષણ લીધું નથી. ચિત્રો જ દોરતો અને એ ક્ષેત્રે આગળ વધતો હતો. ૧૯૮૮૩ની સાલમાં રાજકોટમાં કલાગુરૂ સનતભાઇ ઠાકર મળ્યા. તેમણે મારી અંદરના કલાજીવને પારખ્યો. દીર્ઘ કલાસાધના કરાવી. મને કરેકશનનું જ્ઞાન આપયું અને મારી નબળાઇ દુર કરી. મેચ્યોર પેઇન્ટીંગ તરફ ગતી થઇ. કલા-સાધના દરમિયાન વિશેષ દ્રષ્ટિઓ ખીલવા લાગી. મનની દુનિયામાં સર્જાતા ચિત્રો કેનવાસ પર ધબકવા લાગ્યા.

      આત્મ-સ્ફુરણા, આતમબળ  અને તન્મયતાને સંગમ રચાયો. કલ્પનાતીત કલા-સર્જન થવા લાગ્યું. રાજકોટ-ગુજરાતનાં રૂઢી ગત ચિત્રકારોથી  અલગ ઓળખ સર્જાઇ.... આ ઓળખને ૧૯૮૭ ની સાલમાં બોમ્બેની તાજ હોટલમાં પ્રમાણ મળી ગયું. શરદ રાઠોડ મૂઠ્ઠી ઉંચેરા અને મોંઘેરા આર્ટિસ્ટ બની ગયા...

      * * *

      ચહેરા પર કરુણતાના ભાવ સાથે શરદભાઇ કહે છે કે, દીર્ઘ-સાધનાના પ્રારંભે રીતસર કસોટી થઇ હતી.  પરંતુ વીચલિત થયા વગર  આદરેલી સાધનાથી સિધ્ધિ પ્રાપ્ત થઇ છે. ૪૦ વર્ષ પૂર્વે  'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના પિતાશ્રી સ્વ. ગુણવંતભાઇ ગણાત્રાનું પોટ્રેટ-વ્યકિત ચિત્ર બનાવ્યું હતું... અહીંથી પ્રારંભ થયો હતો. ચાર દાયકા બાદ તાજેતરમાં હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર હૂડાના પિતાશ્રીનું ચિત્ર સજયું છે.... શરદ રાઠોડની પીંછીની ઝલક સરહદ પાર દૂર-દૂર પહોંચી છે.

      વ્યકિત ચિત્રોમાં માત્ર રાજકોટમાં જ નહિ, ગુજરાતમાં શરદ રાઠોડની મોનોપોલી છે. એકચક્રી  લોકપ્રિયતા ધરાવે છે. રાજકોટના  રામકૃષ્ણ આશ્રમમાં સ્વામી વિવેકાનંદજી તથા રામકૃષ્ણ દેવના આઠ - આઠ ફુટના ચિત્રો ધબકે છે, જે શરદ રાઠોડની પીંછીની કમાલ છે. પૂ. જિતાત્માનંદજી તથા ૧૪૮ સ્વામીઓ શરદભાઇની ચિત્રકલાથી પ્રભાવિત બન્યા હતાં.

      * * *

      જો કે શરદ રાઠોડની ઓળખ એબ્સ્ટ્રેક આર્ટમાં છે. તેઓ કહે છે કે, વર્તમાન સમયમાં આર્ટક્ષેત્રના લોકો કોમ્પ્યુટર અને કેમેરાના ભરોસે કલા સર્જે છે. આવા કલાકારો ચીલાચાલુ આર્ટિસ્ટ ગણાય, જેની કલા પારખુ દુનિયામાં કોઇ વિશેષ સ્થાન નથી. આ ઉપરાંત વોટર કલરના આર્ટિસ્ટ સાવ કોમન ગણાય છે. ગુજરાત બહાર તે સામાન્ય ગણાય છે.

      શરદભાઇ કહે છે કે, મારા ગુરુએ મને સ્પષ્ટ કહયું હતું કે, આર્ટિસ્ટના ટોળાથી અલગ ઓળખ સર્જવી હોય તો કોમ્પ્યુટર કે કેમેરા ન કરી શકે તેવું કાર્ય કરવું પડે.

      શરદભાઇએ અલગ ઓળખ સ્થાપવા સંકલ્પ કર્યો. સંઘર્ષ કર્યો અને કલા સાધના કરી... મનના સ્વપ્નને કેનવાસમાં ઉતારવાનું શરૂ કર્યુ.... આભમાં ઊંચે ઉડતા પક્ષીને નીચેનું દૃશ્ય કેવું દેખાતું હોય ? આવા દૃશ્યોની કલપના કરીને પીંછી-રંગના સહારે કેનવાસમાં અંકિત કરી.

       શરદભાઇ કહે છે કે, એબ્સટ્રેક ચિત્ર સર્જવા માટે જ નહિ, એ જોવા માટે પણ   લાયકાત કેળવવી પડે. એમ. એફ. હુસૈને લાલ-લીલા રંગના ઘોડા દોર્યા, તે લાખો રૂપિયામાં વેચાયા. આ ઘોડામાં છલકતો ભાવ ચિત્રને કિંમતી બનાવે છે.

      શરદ રાઠોડના અબ્સ્ટ્રેક ચિત્રો હસ્તીઓ ખરીદે છે, જે અતિ કિંમતી હોય છે તેઓ કહે છે કે ગુજરાત બહાર ઓળખ સર્જવી હોય તો આર્ટિસ્ટે એબ્સ્ટ્રેક ચિત્રોની સજ-સમજ કેળવીને તેની સાધના કરવી પડે.

      એબ્સ્ટ્રેક ચિત્રોમાં લાઇન વર્ક ન હોય. કેન્વાસ પર મોટા બ્રશથી કલરનો થ્રો થાય અને અને આર્ટિસ્ટના સ્વપ્ત પ્રમાણેનું ચિત્ર અંકિત થાય. સ્ટ્રોકમાં આત્મવિશ્વાસ જરૂરી છે. સ્ટ્રોકથી જ ચિત્રની કિંમત નક્કી થાય છે. આવા ચિત્રો લાખો રૂપિયામાં સેલ થતા હોય છે.

      * * *

      શરદ રાઠોડના બ્લાઇન્ડ શો અમથા નથી થતા. બ્લાઇન્ડ શો એટલે ચિત્ર પ્રદર્શન પૂર્વે એક જ વ્યકિત તમામ ચિત્રો ખરીદી લે.. શરદ રાઠોડના ચિત્રોનો મુંબઇ તાજમાં શો આયોજિત થયો હતો. શો શરૂ થાય એ પહેલા જ  બેંગ્લોર હોટલના ડાયરેકટર મિ. મેનનને તમામ ચિત્રો ખરીદી લીધા હતા. આ શો ૧૯૯૭માં યોજાયો હતો.ગુજરાતના ચિત્રકાર બ્લાઇન્ડ શોની કલ્પના પણ કરી શકતા નથી... વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેકટમાં જેની ગણના થાય છે. એ નૌશિક તલાટીયા ઇન્ટીરીયર ડિઝાઇનિંગમાં પણ જગ વિખ્યાત છે આ માણસની ઓફિસમાં ત્રણ આર્ટિસ્ટના ચિત્રો છે, જેમાં એમ. એફ. હુસૈન, રઝા અને શરદ રાઠોડ આ અસામાન્ય બાબત ગણાય. શરદભાઇ કહે છે કે, નૌશીર તલાટીયાએ મારા કામની કદર કરી છે. એમણે મને પ્લોટફોર્મ આપ્યું છે. તાજ હોટલે મને ઓળખ આપી છે.

      * * *

      શરદ ભાઇ પારિવારિક જવાબદારીથી પણ દૂર થયા નથી. પૂર્ણકક્ષાએ કલા-સાધના ચાલતી હતી ત્યારે શરદભાઇના પિતાશ્રી બિમાર પડયા. શરદભાઇએ આટવર્ક પડતુ મુકીને ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી પિતાશ્રીની સેવા કરી. આ સમયગાળા દરમિયાન કલા-સાધના લગભગ સ્થગિત થઇ ગઇ હતી.

      ટીકાકારો માનવા લાગ્યા કે શરદ રાઠોડનો સમય પુરો થઇ ગયો, પરંતુ ત્યારબાદ શરદભાઇ બમણા જોશથી કલા-સાધનામાં સક્રિય બન્યા અને એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા ગયા. શરદભાઇ કહે છે કે ટીકાકારો અંગે વિશેષ કંઇ બોલવા માંગતો નથી. હું મારી કલા દુનિયામાં મસ્ત અને વ્યસ્ત છું, ટીકા કરવી સહેલી છે, પણ હું અઘરું કામ કરૃં છું અને કરતો રહીશ.

      માતા-પિતા જશુમતીબેન તથા દેશળજીભાઇ અને બે બહેનો, બે ભાઇઓના સંયુકત પરિવારમાં શરદભાઇએ બે રૂમના મકાનમાં રહીને ચિત્રકાર્ય આદર્યું હતું. આજે શરદ રાઠોડ રાજકોટને ગુજરાત-કક્ષાની આર્ટ ગેલેરી ભેટ આપવા જઇ રહ્યા છે. આ તેઓની પ્રગતિનું પ્રમાણ છે.

      * * *

      શરદ રાઠોડની કામ કરવાની પધ્ધતિ પણ જાણવા જેવી છે તેઓ માત્ર રાત્રે જ કલાની સાધના કરેછે. રાત્રે ૩ વાગ્યે આર્ટ ગેલેરીમાં જાય ત્યારે નીચે તાળું મારીને જાય છે સંપૂર્ણ શાંત માહોલમાં રાત્રે દોઢેક વાગ્યે આર્ટવર્ક આદર્શ છે દરરોજ સાતથી આઠકલાક, એટલે કે સવારે સાત થી આઠ વાગ્યા સુધી કામ કરે છે પૂર્ણ એકાંત અને સાવ એકલા કલાની દુનિયામાં ખોવાઇ જાય છે. ચાર દાયકાની આવી ગાઢ કલા-સાધનાએ તેઓને અસાધારણ આર્ટિસ્ટ બનાવ્યા છે.

      મહત્વની બાબત એ પણ છે કે, શરદભાઇ દંભ-દેખાડાથી દૂર છે.ે તેઓ કહે છ કે હું સહજ જીવન જીવું છું. પેઇન્ટીંગ કરવા માટે પણ કોઇ વિશેષ બ્રાન્ડના બ્રશ-પીછી, કલરનો મારે જરૂરિયાત નથી. બ્રશ કલર સહિતનું મટીરીયલ્સ ગૌણ છે, હાથનું હુન્નર મહત્વનું છે. શરદભાઇ એક્રેલીક ઓઇલ કલરના મિકસ મીડિયાથી પેઇન્ટિંગ કરે છ.ે ચિત્ર સર્જતી વખતે  શરદભાઇના બ્રશમાં વાઇબ્રેશન ઉઠે છે, જે જુજ ચિત્ર કામોમાં જોવા મળે છે.

      શરદભાઇ કહે છેકે, ચિત્ર સમર્જન દરમિયાન મનનો સ્પાર્ક અલભ્ય બને છે ચિત્રકાર કલ્પનાની દુનિયામાં ઓતપ્રોત  થાય ત્યારે સ્પાર્ક થાય છે, જેના આધારે ચિત્ર સર્જન થાય છે. આવા ચિત્રો કિંમતી બને છે.

      તેઓ કહે છેકે, ઓબ્સ્ટ્રેક ચિત્રોનું સર્જન મેડિટેશન પ્રકારનું છે. આ પ્રકારના ચિત્ર સર્જન માઇલ સ્ટોન સમાન છે. શરદભાઇ મુડના ગુલામ નથી.  તેઓ સ્પષ્ટ જણાવે છે કે, અંદર મટીરીયલ હોય તો મૂડ જેવા કોઇ તત્ત્વો નડતા નથી.

      સામાન્ય સ્તરના ચિત્રકારોની ઉંમર વધતી જાય છે, પરંતુ તેઓના ચિત્રો બાળકો જેવા જ રહે છે. શ્રી રાઠોડ કહે છે કે, પોટ્રેટ (વ્યકિતચિત્રો), લેન્સસ્કેક (જમીન પરની વસ્તુના ચિત્રો) વગેરેની ગુજરાત બહાર કોઇ વેલ્યુ નથી. આવા ચિત્રકારોને કદાચ  શરદભાઇ કહે છે કે રાજકોટ-ગુજરાત મોટાભાગના ચિત્રકારોને રાષ્ટ્રીય સ્તરના કલા-માહોલનો ખ્યાલ જ નથી. આ માટે આકરૃં તપ કરવું જરૂરી છે.

      શ્રી રાઠોડ જણાવે છેકે, હું તો માતુશ્રીના પેટમાંજ કલાના સંસ્કારો લઇને આવ્યો છું માતાએ એલીમેન્ટરી એટલે કે ચિત્રના શોખીન હતા અને મને બાળપણથી જ પ્રોત્સાહિત કરતા રહ્યા છે ઘરની દીવાલોમાં લીટોડિયા કરતો તો પણ ટોકયો ન હતો . આ ઉપરાંત કલાગુરૂ સનતભાઇ ઠાકરે મને ઘડયો છે. તેઓ કહેતા કે, કેનવાસ બગડે તો બગડવા દો, પણ અનોખુ ચિત્ર સર્જવાના પ્રયોગો ચાલુ રાખો.

      સંઘર્ષકાળમાં એમ.એફ. હુસૈન ફિલ્મોના પોસ્ટર્સ બનાવ્યા હતા. રાજકોટમાં શરદભાઇએ પણ સંઘષકાળ દરમિયાન ફિલ્મોના પોસ્ટર્સ સજર્યા હતા શરદભાઇએ ચિત્રકલાના દરેક પ્રકારમાં હાથ અજમાવીને સફળ થયા છે તેઓ કહે છે, કોઇ કામ નાનું નથી, પરંતુ એ કામથી મોટા અને અનોખા કામ તરફ પ્રગતિ કરો તો અલગ ઓળખ સ્થપાય છે. રાજકોટમાં આર્ટહોબીનો માહોલ જ નથી.

      * * *

      આર્ટિસ્ટ ચિત્રકાર શરદભાઇ રાઠોડ વૈવિધ્યપૂર્ણ વ્યકિતત્વ ધરાવે છે તેઓને ચિત્રકાર તરીકે ઓળખનારા થાપ ખાઇ જાય તેવી બાબત એ છે કે, શરદ રાઠોડ અચ્છો અભિનય પણ કરી જાણે છે ડોકયુમેન્ટરી ફિલ્મોમાં નમુનારૂપ કામ કરી ચુકયા છે બોલીવુડના અનેક સ્ટાર્સે તેઓની ફિલ્મ નીહાળી છે અભિનય ઉપરાંત વ્યાયામના શોખીન છે. પોતાના સ્ટુડિયોમાં જીમ બનાવ્યું છે અને નિયમિતરૂપે વ્યાયામ કરે છે.

      શરદભાઇનું પેઇન્ટીંગથી  મુંબઇની હસ્તીઓ દંગ બની છે. ઉપરાંત અભિનય ક્ષમતાથી સુખદ આશ્ચર્ય અનુભવે છે. નામી હસ્તીઓ શરદભાઇ પાસે-રાજકોટ આવે છે. હાલ શરદ રાઠોડ પર એક ડોકયુમેન્ટરી ફિલ્મ બની રહી છે..કંપનીના ધર્મેન્દ્ર ઓઝા શરદભાઇના જીવન પર અભ્યાસ કરવા રાજકોટ આવ્યા છે શ્રી ઓઝાએ 'અકિલા'ને જણાવ્યુ઼ હતું. કે, શરદ રાઠોડની ઉંમર વધતી જાય છે તેમ તેમના ચિત્રો જવાન બનતા જાય છે. શરદભાઇની કલામાત્ર ગુજરાતને જ નહિ, રાષ્ટ્રને પ્રેરણા આપે તેવી છે.

      શરદ રાઠોડની ડોકયુમેન્ટરી  પરખુદ શરદ રાઠોડે અભિનય આપ્યો છે. આ ફિલ્મની થીમ ખૂબ રસપ્રદ છે .ફિલ્મના પ્રારંભે શરદભાઇને પ્રજ્ઞાચક્ષુ દેખાડવામાં આવે છે.  આ રીતે ફિલ્મ પ્રારંભ થાય છે અને ખૂબ જ રસપ્રદ શૈલીમાં  જીવનક્રમ વર્ણવવામાં આવ્યો છે. ફિલ્મના ડાયરેકટર ધર્મેન્દ્રભાઇ કહે છે કે, છ-સાત મહિનામાં ફિલ્મ તૈયાર થશે, જેનુ બોમ્બેમાં ભવ્ય લોચિંગ થશે. રાજકોટના ચિત્રકાર માટે આ બાબતો આભને આંબ્યા જેવી ગણાય.

      શરદભાઇ મોટાગજાના ચિત્રકાર છે, પણ દંભ-દેખાડાથી દુર છે તેઓ કહે છેકે, કલાકારો-ચિત્રકારો પોતાની કલાને બદલે પોતાના વાળ, લુક વગેરેથી ઓળખાતા હોય છે. ઘણા તો સાવ વામણા જેવો દેખાવ કરતા હોય છે શરદભાઇ દેખાવ કરતા હોય છે. શરદભાઇની પોતાની કલા-પોતાના વર્કથી ઓળખાય છે. તેઓ ડ્રેસીંગના શોખીન છે,પણ સિમ્પલ વ્યકિતત્વમાં મોટાગજાનો કલા જીવ ગોઠવાયો છે.

      * * *

      વિખ્યાત ચિત્રકાર એન.એસ.બેન્દ્રે શરદભાઇની કલાદ્રષ્ટિ અને વ્યકિતત્વથી ખૂબ પ્રભાવિત થયા હતા તેઓ રાજકોટ આવ્યા હતા અને શરદભાઇના ઘેર ર૭ દિવસ  રોકાયા હતાં. શરદભાઇ કહે છે કે, મોટા આર્ટિસ્ટ બેન્દ્રેજીને મળવા માટે લાઇનો લાગતી, એ રાજકોટ આવે અને રોકાય એ યાદગાર દિવસો હતાં. બેન્દ્રે સૌરાષ્ટ્રમાં સોમનાથ-દ્વારીકા વગેરે સ્થાનો ફર્યા અને તેઓએ આગવા દૃષ્ટિકોણથી સૌરાષ્ટ્રને કેનવાસ પર ઉતાર્યું હતું. આ તેઓના જીવનનું છેલ્લું સર્જન હતું.

      * * *

      શરદભાઇની યાદગાર ક્ષણો આપણને પણ રોમાંચિત કરી દે તેવી છે. એક વખત બોમ્બેની હોટલ તાજમાં શરદ રાઠોડના પેઇન્ટિંગનો શો હતો. શો દરમિયાન અચાનક આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એમ. એફ. હુસૈન સામાન્ય દર્શક તરીકે શો સ્થાને આવ્યા. શરદભાઇ  કહે છે, મેં તેઓને આવકાર્યા. હું પગે લાગ્યો. તેઓએ આશીર્વાદ આપ્યા. બાદમાં શોમાં ગોઠવાયેલા પેઇન્ટિંગ નીહાળવા લાગ્યા. એક ચિત્ર તેઓને ખૂબ પસંદ પડયું. એમ. એફ. હુસૈને એ ચિત્ર સર્જવા બદલ મારી પીઠ થબથબાવી. બાદમાં ચાલ્યા ગયા....

      થોડીવાર બાદ મિસીસ બજાજ પેઇન્ટિંગ શોમાં આવ્યા. બધાં ચિત્રો જોયા. યોગાનુયોગ એમ. એફ. હુસૈનને જે ચિત્ર પસંદ પડયું હતંુ એ જ ચિત્ર મિસીસ બજાજને ગમી ગયું અને ખરીદી લીધું....

      * * *

      આવા અનેક પ્રસંગો શરદભાઇએ મુલાકાત દરમિયાન જણાવ્યા હતાં. રાજકોટ પચાવી કે સમજી ન શકે તેવું આર્ટવર્ક શરદભાઇ સર્જી રહ્યા છે, જે ખરીદવા  બોમ્બેના કલા પારખુ - બૌધ્ધિકોમાં અલગ જ સ્થાન પ્રાપ્ત કરેલ છે.  શરદભાઇ પોતાની સફળતાનું રહસ્ય જણાવતા કહે છે કે, હું કોઇના અભિપ્રાય પર નથી ચાલતો. મેરીટ પર ચાલું છું. મારી જ પરીક્ષા હું લઉં છું. માત્ર સૌરાષ્ટ્ર-રાજકોટની જ નહિ, મારી ખુદની પણ ચિત્ર પરંપરા હું તોડીને આગળ વધ્યો છું. નવું સર્જું છું. રાજકોટ-ગુજરાતનાં સામાન્ય ચિત્રકારોથી મોટું ગજું - અલગ ઓળખ પ્રાપ્ત કરીને શરદ રાઠોડે કંઇ બોલ્યા વગર ટીકાકારોની બોલતી બંધ કરી છે.

      * * *

      મુલાકાત દરમિયાન શરદભાઇને છેલ્લો - સીધો પ્રશ્ન પૂછયો. તમે ભગવાનમાં માનો છો ? શરદભાઇએ હસતા-હસતા જવાબ આપ્યો... મંદિરે જતો નથી, પૂજા-પાઠ કરતો નથી, પણ રાત્રીના એકાંતમાં ચિત્ર સર્જન ચાલતું હોય  ત્યારે અનુભવ થાય છે કે કોઇક મદદ કરે છે. ચિત્રો હું દોરતો ન  હોઉં, પણ દોરાઇ-સર્જાઇ જતા હોય તેવી અનુભૂતિ વારંવાર  થાય છે. આવા અનુભવથી લાગે છે કે, કોઇક એવી ચેતના કામ કરે છે, જે આપણી સમજથી બહાર છે. શરદભાઇ કહે છે, ઘણીવાર એવું પણ લાગવા  માંડે કે હું ગયા જન્મમાં પણ ચિત્રકાર હતો...

      અનુભૂતિને શબ્દોમાં વર્ણવી ન શકાય. શરદ રાઠોડના ચિત્રો જેટલું જ તેમનું વ્યકિતત્વ રસપ્રદ  છે. મળવા અને માણવા જેવા માણસ છે. મો. ૯૮રપર ૧૮૬૧૬ નંબર પર તેઓનો સંપર્ક થઇ શકે છે.

      ૪૦ વર્ષના અનુભવના નીચોડ રૂપે નિરાશાભાવે શરદ રાઠોડ બોલે છે, કારવા ગુજર ગયા, ગુલાર દેખતે ગયે, તમામ ચાહકોનો દિલથી આભાર...

      શરદ રાઠોડનો  લાઇવ ઇન્ટરવ્યૂ

      રાજકોટ : ચિત્રકાર શરદ રાઠોડનો 'લાઇવ' ઇન્ટરવ્યૂ 'અકિલા'એ ફેસબુક પર કર્યો છે. ઇન્ટરવ્યૂ માણવા માટે

      https://tinyurl.com/sharad-rathod1

      : મુલાકાત :

      અશ્વિન છત્રારા

      : તસ્વીરો :

      સંદીપ બગથરિયા

       

 (02:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો