Mukhy Samachar

News of Friday, 21st April, 2017

મુંબઇ તાજ હોટલ સામે બાંકડા પર રાત ગુજારી, સંકલ્પ કર્યો કે...

શરદ રાઠોડના ખિસ્સામાં ત્રેવડ ન હતી, પણ ચિત્રકારે સંકલ્પ કર્યો હતો કે... આ હોટલમાં ચિત્રોનો શો યોજીને ઓળખ સ્થાપીશઃ ખૂબ સિધ્ધિ - સમૃધ્ધિ મેળવી : એમ.એફ.હુસૈન પણ જેને ગુરૂ માનતા એ ચિત્રકાર બેન્દ્રેજી શરદ રાઠોડના ઘેર રાજકોટ આવ્યા : ૨૩ દિવસ રોકાયા

મુંબઇ તાજ હોટલ સામે બાંકડા પર રાત ગુજારી, સંકલ્પ કર્યો કે...

      રાજકોટ તા.૧૭ : મુંબઇ-બેંગ્લુરૂ જેવા મહાનગરોના બૌદ્ધિક સમૃધ્ધ સમાજમાં છવાયેલા રાજકોટના પેઇન્ટર શરદ રાઠોડે સંઘર્ષ ઓછો નથી કર્યો. તેઓ કહે છે કે, મને રાજકોટની પેઇન્ટીંગની દુનિયાથી દુર જઇને અલગ કામ કરવાની ધગશ હતી. પીંછીમાં તાકાત હતી પણ ખિસ્સાની ત્રેવડ ન હતી.

      આ સમયગાળામાં શ્રી રાઠોડ પ્રથમ વખત મુંબઇ ગયા. હોટલ તાજમાં મોટાગજાના ચિત્રકામોના ચિત્રો પ્રદર્શિત થાય છે એ ખબર હતી. શરદ રાઠોડ મુંબઇ પહોંચ્યા. હોટલ તાજ પાસે ગયા. તાજની સામે બાકડા પર રાત ગુજાજારી, સંકલ્પ કર્યો કે, મારા ચિત્રોનું પ્રદર્શન તાજમાં રાખીશ...

      ૧૯૮૭માં શ્રી રાઠોડના ચિત્રોનું પ્રદર્શન તાજમાં ગોઠવાયુ. ઇતિહાસ એ સર્જાયો કે તમામ ચિત્રો મોટી કિંમતે વેચાઇ ગયા... ૧૦૦ ટકા સેલ થયુ. આ ઘટના બાદ શરદ રાઠોડ બોમ્બે-બેંગ્લુરૂ વગેરે મહાનગરોમાં છવાઇ ગયા છે. અસંખ્ય સિદ્ધિઓ મેળવી છે. આ પેઇન્ટર અંગે પેઇન્ટરો અને પેઇન્ટીંગ પારખનારા અભિપ્રાયો આપે છે, જેની ઝલક જોઇએ.

      જેને એમ.એફ.હુસૈન પણ ગુરૂ માનતા તેવા મોટાગજાના ચિત્રકાર નારાયણ એસ. બેન્દ્રે શરદ રાઠોડના ચિત્રો જોઇને ખુશ થયા હતા. પદ્મશ્રી પ્રાપ્ત કરનાર એન.એસ.બેન્દ્રે ૧૯૮૮માં શરદ રાઠોડને મળવા રાજકોટ આવ્યા. ર૩ દિવસ રોકાયા. શરદ રાઠોડના બે રૂમવાળા ઘરમાં જમીન પર બેસીને બેન્દ્રએ રોટલા ખાધા.

      શરદ રાઠોડ સાથે બેન્દ્રે સૌરાષ્ટ્રમાં જુનાગઢ-દ્વારિકા-પોરબંદર વગેરે સ્થળે ફર્યા. પદ્મશ્રી બેન્દ્રે સામાન્ય માણસ ન હતા. તેઓ એમ.એસ.યુનિ.ના ડીન હતા. મુંબઇમાં બાળા સાહેબ ઠાકરેના નિવાસ સામે જ બેન્દ્રેનો બંગલો હતો. આવા બેન્દ્રે શરદ રાઠોડની કલાથી ખુશ થયા હતા. જો કે હાલ બેન્દ્રેજી આ દુનિયામાં હયાત નથી.

      શિવસેનાના સુપ્રિમો સ્વ.બાળા સાહેબ ઠાકરે પણ શરદ રાઠોડ પર ખુશ હતા. બાળા સાહેબ કાર્ટુનીસ્ટ હતા. કલાકાર હતા અને કલાના પારખુ પણ હતા. શરદ રાઠોડના પેઇન્ટીંગ જોઇને ખુશ થયા હતા. મુંબઇમાં કોઇપણ તકલીફ પડે તો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.

      શ્રી રાઠોડ કહે છે કે, બાળા સાહેબ જેના પર ખુશ થાય તેને વાસામાં ધબ્બો મારીને આશીર્વાદ આપતા. મને ધબ્બો મારીને ઠાકરે સાહેબે કહ્યુ હતુ, 'સફળતામાં હવામાં ન ઉડતો અને નિષ્ફળતામાં નિરાશ ન થતો'

       મુંબઇની ફિલ્મ કંપની હાલ શરદ રાઠોડ પર ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવે છે. તેના સ્ક્રીપ્ટ રાઇટર-ડાયરેકટર કહે છે. 'શરદ રાઠોડ રાજકોટમાં ધબકતો મોટો પેઇન્ટર છે. તેમની પીંછીમાં નેચરલ ફલો છે, જે એમ.એફ.હુસૈનની પીંછીમાં હતો. શરદ રાઠોડે હંમેશા નવુ જ આપ્યુ છે, નવ યુવાનો માટે આ વ્યકિતત્વ પ્રેરક છે.'

      -ધર્મેન્દ્ર ઓઝા

      સ્ક્રીપ્ટ રાઇટર, ડાયરેકટર

        'શરદ રાઠોડ એકલવ્ય જેવા છે, સ્કુલ નથી ગયા પણ શ્રેષ્ઠ સાબિત થયા છે. દુનિયાદારી ભુલીને ઉપાસના કરી છે અને પેઇન્ટીંગમાં રાજકોટનું નામ ગુંજતુ કર્યુ છે.'

      - જયેશ શુકલ

      ચિત્રકાર

       શીપીંગ કોર્પોરેશને શરદ રાઠોડના તમામ ચિત્રો ખરીદી લીધા હતા. આ સામાન્ય સિધ્ધિ ન ગણાય. તેમની પીંછી એમ.એફ.હુસૈનની પેરેલલ છે.

      - કિશોરભાઇ ત્રિવેદી

      આર્કિટેકટ

       ર૦ વર્ષથી શરદ રાઠોડના પરિચયમાં છું. ઇશ્વરે તેમને અલગ પ્રકારના લેન્સ આપ્યા હોય તેમ લાગે છે. હુસૈનના ચિત્રોનું કલેકશન મારી પાસે છે પણ શરદ રાઠોડના ચિત્રો તેમનાથી જરાપણ ઉતરતા નથી.

      - હરીશભાઇ પટેલ

      એડમિરેકલ એડ.

       શરદ રાઠોડે પોઇટ્રેટથી એબ્સ્ટ્રેક સુધીના વિવિધ પ્રકારોના પેઇન્ટીંગમાં મહારત સાબિત કરી છે. ભારતે તેની નોંધ લેવી જ પડે.

      - ઉમેશ કયાડા

      રાજકુમાર કોલેજ

       શરદ રાઠોડ મારા લંગોટિયા મિત્ર છે. બાળપણથી જ ચિત્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા શરદ રાઠોડે પેઇન્ટીંગમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે. રાજકોટની સેલીબ્રીટી બની ગયેલા શરદભાઇને ખુબ-ખુબ શુભેચ્છા.

      - મેયર

      ડો.જૈમન ઉપાધ્યાય

       

 (02:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો