Samachar Gujarat

News of Friday, 21st April, 2017

પોતાના જ નાણાં ઉપાડવા શા માટે ચાર્જ આપવો પડે?

'ગુજરાત ગૌરવ દિવસ'ના ભાગરૂપે આયોજીત 'ડિજીટલ મની' અંગેના સેમિનારમાં ચાર્જિસ સામે ચેમ્બરના સભ્યોનો વિરોધઃ નોટબંધી ઐતિહાસિક નિર્ણય છે અને તેની અસર વર્ષો સુધી જોવા મળશે : સાંસદ કિરીટ સોલંકી

   અમદાવાદ તા. ૨૧ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) ખાતે 'ગુજરાત ગૌરવ દિવસ'ના ભાગરૂપે 'ડિજિટલ મની'અંગે સેમિનાર યોજાયો હતો જેમાં અગ્રણી બેન્કોએ વેપાર-ઉદ્યોગજગતના અગ્રણીઓને સરકારની તથા બેન્કોની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. જોકે, ચેમ્બરના સભ્યોએ ડિજિટલ મનીમાં બેન્કો દ્વારા લગાવવામાં આવતા વિવિધ ચાર્જ અંગે નારાજગી વ્યકત કરી હતી. ચેમ્બરે રાજયના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે એક ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે નોટબંધી ઐતિહાસિક નિર્ણય છે અને તેની અસર વર્ષો સુધી જોવા મળશે અને તેના દ્વારા કાળું નાણું દૂર થશે.

   ચેમ્બર ખાતે યોજાયેલા ડિજિટલ મનીના સેમિનારમાં વિવિધ બેન્કોના અધિકારીઓએ બેન્કોની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને ડિજિટલ મનીનો ઉપયોગ વધારવા માટે અપીલ કરી હતી. જોકે, ચેમ્બરના કેટલાક સભ્યોએ બેન્કો દ્વારા કાર્ડ પેમેન્ટ્સ પર લગાવવામાં આવતા ચાર્જ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને પોતાનાં જ નાણાં ઉપાડવા માટે શા માટે ચાર્જ આપવો પડે છે તે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ચેમ્બરના સિનિયર સભ્યો મદનલાલ જયસ્વાલ તથા અશોક પટેલે જણાવ્યું હતું કે બેન્કો જયારે કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે ત્યારે વિવિધ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવે છે તે અયોગ્ય છે. ચેમ્બરના પ્રમુખ બિપીનભાઈ પટેલે પણ આ અંગે નાણામંત્રી સુધી રજૂઆત થઈ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

   કાર્યક્રમ દરમિયાન સાંસદ કિરીટ સોલંકીએ ચેમ્બરે બનાવેલી 'ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-૨૦૧૫'મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું હતું. ચેમ્બરે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ સાથે સહયોગથી બનાવેલી આ એપ દ્વારા એમએસએમઇ ઉદ્યોગોને રાજય સરકારની વિવિધ નીતિઓ અને પ્રોત્સાહનો અંગે માહિતી મળશે તથા તેઓ પ્રશ્નો પૂછીને તેના જવાબ પણ મેળવી શકશે.

   ચેમ્બરના પ્રમુખ બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'નોટબંધીના કારણે ૩૦૦ અબજ ડોલરની નિકાસને શરૂઆતમાં અસર થઈ હતી પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી નિકાસમાં વધારો થઈ રહ્યો છે અને એકંદરે લાંબા ગાળે નોટબંધીની હકારાત્મક અસર જોવા મળશે. કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધવાનો આ સમય છે.'૧૦ જેટલી બેન્કોએ ચેમ્બરમાં સ્ટોલ દ્વારા વેપારીઓ અને ઉદ્યોગજગતના લોકોને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

 (10:21 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS