Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

નરેન્દ્રભાઇ મોદીના દિલમાં ભારતમાતા અને એક-એક ભારતીય : સ્મૃતિ ઇરાની

કચ્છમાં સ્વસ્છ ભારત મિશન (ગ્રામીણ) અન્વયે સમરસ સરપંચોનું સન્માન : કારીગરોને ઓળખકાર્ડ અર્પણ

નરેન્દ્રભાઇ મોદીના દિલમાં ભારતમાતા અને એક-એક ભારતીય : સ્મૃતિ ઇરાની

   ભુજ તા.૨૦ : આજરોજ ભુજ ટીન સિટિ ખાતે જિલ્લાના નવનિયુકત સમરસ સરપંચો તથા મહિલા સરપંચો, સદસ્યગણનું શાલ ઓઢાડી ખાસ સન્માન કરતા કેન્દ્રિય કાપડમંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીએ મહિલા સશકિતકરણના પ્રખર હિમાયતી દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિલમાં ભારત માતા અને એક એક ભારતીય વસી રહયા છે તેવું લોકોના હર્ષોલ્લાસ વચ્ચે સગૌરવ જણાવ્યું હતું.

   મંત્રીશ્રીએ સર્વનો સાથ, સર્વનો વિકાસનો ગગનભેદી નારો ગુંજવતા વિરાંગનાઓની ધરતી કચ્છમાં વખતો વખત આવવાને તેમનું સૌભાગ્ય ગણાવતાં પડોશી આક્રમણખોરના દાંત ખાટા કરી દેનાર કચ્છી વિરાંગના માધાપરની બહેનોના ઓવારણા લીધાં હતા.

   તેમણે ભૂકંપ હોય કે વાવાઝોડા કે દુષ્કાળ, અછત, અર્ધઅછત જેવી તમામ કુદરતી આફતો સામે ઝઝુમી નવ ઈતિહાસ લખનારા, અડીખમ રહેનારા કચ્છીજનોના અદમ્ય સાહસ, ખુમારીને વંદન કરતા લઘુ ભારત એવું કચ્છ હરહંમેશ ભારત વર્ષ, વિશ્વને પ્રેરણામૃત પાતું રહયું છે તેને તવારીખની અનોખી મિશાલ ગણાવી હતી.

   તો કચ્છી કારીગરી, કળાને સૌથી અનોખી દિલહર ગણાવતાં ભારત સરકાર દ્વારા તેમને પહેચાન પત્રો, પ્રદર્શન, વેચાણ માટે સબસીડી, કારીગરોના બાળકો, નવી પેઢીને શિક્ષણ તથા ઉત્કર્ષ માટે અપાતી સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાની આછેરી વિગત આપી હતી.

   વધુમાં તેમણે કચ્છ, સુરેન્દ્રનગર સમેત ગુજરાતના ૩ જિલ્લાઓમાં લુપ્ત થતી ટંગાલીયા વણાટ કળાને જીવંત રાખવા તેમના ટેક્ષટાઇલ વિભાગ દ્વારા બ્લોક લેવલ હેન્ડલુમ કલસ્ટરોનો અહીંથી શુભારંભ થઇ રહયાની ઘોષણા કરી હતી.

   આ પ્રસંગે મંત્રીશ્રીએ કચ્છના વણકરોને સબસીડીવાળા ૪૦ કિલો કોટન તેમજ ૪ કિલો સીલ્ક દોરા એક સપ્તાહમાં મળતા થાય અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે કારીગરોને લોન, સહાય સુગમતાપૂર્વક મળે તે માટે સબંધિત અધિકારીઓ, બેંકને સૂચના પાઠવતાં જરૂરી ફોલોઅપ માટે કચ્છ જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યોશ્રીઓ, જવાબદાર પદાધિકારીઓને સંકલ્પબધ્ધ કર્યા હતા.

   તેમના ગુજરાતી, હિન્દી પ્રવચનના અંતે મંત્રીશ્રીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો પુનરોચ્ચાર કરતા વિક્રમી સિધ્ધિ મેળવનાર કચ્છના વણકર ભાઇ-બહેનોની વૈશ્વિક સ્તરે આગવી ઓળખ માટે ધન્યવાદ પાઠવતાં કોઇપણ વણકર, કારીગર પહેચાન પત્રથી વંચિત ન રહી જાય તે માટે તેમના વિભાગ દ્વારા ટુંક સમયમાં સર્વે, ગણતરીની કામગીરી પ્રારંભ થઇ જવાનું વચન પાઠવ્યું હતું.

   આ પ્રસંગે કાપડમંત્રી દ્વારા રૂ.૫૦ હજારની લોનનો ચેક લાભાર્થી કારીગરને એનાયત કરાયો હતો.

   આ પ્રસંગે સંસદીય સચિવશ્રી વાસણભાઇ આહિર, કચ્છ-મોરબી સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિબેન ઈરાનીના કચ્છમાં આગમનને વધાવતાં દેશના છેવાડેના વિસ્તારમાં છેવાડેના જણ માટેની તેમની ખેવના, તેમના સંવેદના તેમજ સ્નેહને યાદગાર ઉપલબ્ધિ ગણાવી હતી.

   પ્રારંભમાં યજમાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરીયાએ સ્વાગત પ્રવચનમાં મહિલા સશકિતકરણના જવલંત પ્રતિક સ્મૃતિબેન ઈરાની દ્વારા મહિલા જાગૃતિના નવા યુગની કચ્છમાં ક્રાંતિકારી શરૂઆત થવાની આશા વ્યકત કરતાં 'આજની નારી, નથી રહી બીચારી'નો જોશીલો ટંકાર કર્યો હતો.

   કાર્યક્રમનો પ્રસંગ પરીચય, હેતુ ભારત સરકારના કાપડ આયુકત આલોકકુમારે સ્પષ્ટ કર્યો હતો. તો કાપડમંત્રી સ્મૃતિબેન ઈરાનીનું શાલ ઓઢાડી સ્વાગત કચ્છ સાંસદશ્રી વિનોદ ચાવડા, સ્મૃતિચિહન આપી સ્વાગત યજમાન કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા તથા વહીવટી તંત્ર વતી પુષ્પગુચ્છ આપી સ્વાગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.જે.પટેલે કર્યુ હતું. ભુજ શહેર ભાજપા દ્વારા પણ મંત્રીશ્રીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ, પુષ્પે સ્વાગત જિલ્લા પંચાયત સદસ્યગણ તથા હેન્ડિક્રાફટ વિભાગના અધિ-કર્મીઓએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ ઝાલા તથા આભારદર્શન સીનીયર ડાયરેકટર સોહનકુમાર ઝાએ કર્યુ હતું.

   આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી અને માંડવી ધારાસભ્ય તારાચંદભાઇ છેડા, ગાંધીધામ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, રાપર ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ગોપાલક નિગમના અરજણભાઇ રબારી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ભુજ નગરપાલીકાના પ્રમુખ અશોકભાઇ હાથી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન ભીમજીભાઇ જોધાણી, ભાવનાબા જાડેજા, છાયાબેન ગઢવી, રસીલાબેન બારી, પાર્વતીબેન મોતા, નરેશ મહેશ્વરી, નવીનભાઇ ઝરુ, ગુજરાતના રૂરલ ઉધોગ કમીશનર એ.કે.રાકેશકુમાર, ડીઆરડીએના નિયામકશ્રી જોશી, નિરવ પટ્ટણી, પશ્ચિમ કચ્છ એસ.પી. મકરંદ ચૌહાણ, આશાપુરા ગ્રુપના ચેતન શાહ, જિલ્લાના નવનિયુકત સરપંચ ભાઇ-બહેનો, કારીગર ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

   આ પહેલા કાપડમંત્રી શ્રીમતી ઈરાનીએ ભુજ હાટ ખાતે અજરખપુર, સીઇ ટીપીનો શિલાન્યાસ તેમજ ૫ દિવસીય હસ્તકળા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો અને કારીગરોને અધતન ટુલ કીટસનું વિતરણ કર્યુ હતું.

   બાદ તેમણે ભુજની મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સૌજન્ય મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભુજ માધાપર, રીંગરોડના વળાંક પર વંદે માતરમ સર્કલ મધ્યે આશાપુરા ગ્રુપ દ્વારા મૂકાયેલ 'ઝાંસી કી રાણી' સ્ટેચ્યૂની અનાવરણવિધિ મહાનુભાવો સાથે સંપન્ન કરી હતી.(૨૩.૪)

 (12:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS