Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

પોરબંદરમાં વિશ્વ ચકલી દિનની ઉજવણીઃ માળા-પાણીના કુંડાનું વિતરણઃ પક્ષીપ્રેમીઓનું સન્માન

એક જમાનામાં ઘર આંગણે જોવા મળતા મોર, ચકલી, કાગડા આજે દુર્લભ બન્યાઃ ચકલી માત્ર પાઠય પુસ્તકોમાં રહી જાય તેવો ભયઃ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા યુવક - યુવતીઓને પર્યાવરણ બચાવવા સંકલ્પ લેવડાવ્યાં: પક્ષી દર્શન સહિત કાર્યક્રમો યોજાયા

પોરબંદરમાં વિશ્વ ચકલી દિનની ઉજવણીઃ માળા-પાણીના કુંડાનું વિતરણઃ પક્ષીપ્રેમીઓનું સન્માન

   પોરબંદર, તા. ૨૦ :. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ચકલી દિન ઉજવાયો હતો. માનવીની બદલાયેલી જીવન શૈલી અને શહેરીકરણના વ્યાપ વચ્ચે જંતુનાશક દવાઓ, બહુમાળી મકાનો ચકલીના વિનાશ માટે કારણરૂપ બન્યા છે. ઘર આંગણાનું ગણાતું પક્ષી ચકલીના દર્શન આજે દુર્લભ બન્યા છે.

   ચકલીની અદ્રશ્ય થતી જતી પ્રજાતિ વચ્ચે પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ચકલી બચાવો અભિયાનનો પ્રયાસ હાથ ધરાયો છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના ઉપક્રમે વિશ્વ ચકલી દિન ઉજવણી અંતર્ગત પક્ષી અભિયારણ્ય નજીક વી.જે. મોઢા કોલેજ ખાતે ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ હુદડના અધ્યક્ષ સ્થાને ચકલી બચાવ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે ચકલી બચાવવાથી પર્યાવરણ બચી શકશે. આપણી આવનારી પેઢીને જૂની વાર્તા વેળાએ ચકલી વિશે સંકલ્પના સમજાવવી ન પડે તેમ જણાવી બર્ડ કન્ઝર્વેશનની પ્રવૃતિને બિરદાવી હતી.

   લાયોનેશ કલબના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી હિરલબા જાડેજાએ પોતાના પક્ષી પ્રેમના સંસ્મરણો વાગોળીને દીકરીના લગ્ન પ્રસંગે કરીયાવરમાં ચકલીના માળા આપવાની અપીલ કરી હતી. છાંયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભૂતિયાએ એક જમાનામાં મોર, કાગડા, ચકલી જેવા પક્ષીઓ ઘર આંગણે જોવા મળતા હતા તે હવે દુર્લભ થતા જાય છે ત્યારે આ બાબતે જાગૃત થવુ જરૂરી છે. જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ આવા કાર્યક્રમથી લોકોમાં જાગૃતિ આવશે અને યુવા પેઢી જો આવા કાર્યોમાં તત્પરતા બતાવશે તો ચોક્કસપણે પર્યાવરણને થતી હાનિ અટકશે અને પર્યાવરણનું જતન થશે. જીવસૃષ્ટિના સંવધર્ન અને સંરક્ષણ માટે પર્યાવરણ શિક્ષણ જરૂરી છે. તબીબી ડો. સુરેશભાઈ ગાંધીએ ચકલી બચાવ અભિયાનને આજની તાતી જરૂરીયાત લેખાવીને યુવક-યુવતીઓને પર્યાવરણ બચાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.

   બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યુ હતુ કે, આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પક્ષીઓની કેટલીક જાતિઓ લુપ્ત થવા તરફ જઈ રહી છે. જેમા ચકલીનો સમાવેશ થાય છે. કદાચ એવું બને કે આવનારી પેઢી માટે ચકલીઓ માત્ર પાઠય પુસ્તકોમાં જ રહી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ચકલીની જાતિને જીવંત રાખવા જાગૃત થવું જોઈએ તેવી અપીલ કરી હતી.

   પર્યાવરણ પ્રેમી ઉમિયાશંકરભાઈ જોષીએ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા છેલ્લા બે દાયકાથી વૃક્ષારોપણ, ચકલી બચાવ અભિયાન, પક્ષીદર્શન જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે તેમ જણાવી યુવક-યુવતીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યુ હતુ. શ્રીમતી દિનાબેન ભરતભાઈ રૂઘાણી દ્વારા મહાનુભાવોને ચકલીનો માળો, પાણીનું કુંડુ અને ગુલાબના પુષ્પ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતું. પર્યાવરણ પ્રેમી શ્રી કીર્તિબેન ઠકરારે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા થતી પ્રવૃતિઓની કાવ્યની રચના દ્વારા પ્રસ્તુતી કરી હતી.

   આ તકે ચકલી બચાવો અભિયાનને વેગવંતી બનાવનારા અંબારામા ગામમા પાનની દુકાન ધરાવતા માલદેભાઈ વેજાભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી તુલસીવન ભગવાનવન, દાતાશ્રી સંદીપભાઈ બારાઈ, વી.જે. મોઢા કોલેજના વડા અશોકભાઈ મોઢાનું પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાયા હતા.

   આજના સમયમાં લુપ્ત થતી જતી ચકલીને બચાવવા માટે વિદ્યાર્થીઓએ પણ સંકલ્પ કર્યો હતો. વિનામૂલ્યે ઘરે ઘરે ફરી ચકલીઓના માળા લગાડશે અને ચકલી બચાવ અભિયાનમાં જોડાવાના સંકલ્પો જાહેર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ટાટા કંપનીના પૂર્વ કર્મચારી હરેન્દ્ર દેસાઈએ સંભાળ્યું હતું. આભારવિધિ પોરબંદરની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પર્યાવરણ પ્રેમી પ્રતિભાબેન શાહે કરી હતી.

   આ કાર્યક્રમમાં ભાજપના વિજયભાઈ થાનકી, વ્હોરા સમાજના શ્રેષ્ઠી તાહેરભાઈ, હુસેનભાઈ, ચાંદનીબેન રાયઠઠ્ઠા, કિર્તીબેન પુરોહીત, નિમિષાબેન જોષી, ફાલ્ગુનીબેન શાહ, અર્ચનાબેન શેઠ, છાંયા બર્ડાઈ, બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ પ્રીતીબેન જોષી, હિનાબેન ભટ્ટ, રાજુભાઈ મિસ્ત્રી, ફાતમાબેન, ધવલભાઈ આરદેશણા, પરમારભાઈ, વી.જે. મોઢા કોલેજના સ્ટાફ ગણ, વિદ્યાર્થી ભાઈ-બહેનો, પ્રબુધ નાગરિકો, નગરશ્રેષ્ઠીઓ સહિત પર્યાવરણ પ્રેમી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં   હાજર  રહ્યા હતા.

 (10:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS