Samachar Rajkot

News of Monday, 20th March, 2017

જખરાપીરદાદા મંદિરે ગુરૂવારથી સેવા - સત્સંગ - સંસ્કૃતિનો સંગમ

સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ૧૦૨ દીકરીઓને ૧ લાખના કરિયાવર સાથે વિદાય અપાશેઃ ૨૩થી ૩૧ પાલનપુરવાળા મહંત ક્ષિપ્રાગીરીજીનાં વ્યાસાસને દૈવીભાગવત કથા : લોકડાયરો - ધાર્મિક નાટકો સહિતના કાર્યક્રમો : મુખ્યમંત્રીને નિમંત્રણ

જખરાપીરદાદા મંદિરે ગુરૂવારથી સેવા - સત્સંગ - સંસ્કૃતિનો સંગમ

   તડામાર તૈયારીઓ : વ્હેલા પધારજો : શ્રી જખરાપીર તથા આઇશ્રી ધુનાવાળી ખોડિયાર મંદિર (પાળ)નાં સાનિધ્યમાં ૨૩મીને ગુરૂવારથી શ્રીમદ્ દૈવી ભાગવત કથાનો પ્રારંભ સાથે અને તા. ૧ એપ્રિલે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સાથે પૂર્ણ થનાર ભવ્ય ધર્મોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરી રહેલા સેવક ગણનાં બચુબાપુ, વિમલભાઇ સિધ્ધપુરા, સુરેશભાઇ સોરઠીયા, માધુભાઇ લાઠીયા, જેઠાભાઇ, રામભાઇ મચ્છોયા, દિપકભાઇ કુબાવત, ભૂપતભાઇ વસોયા, હેમંતભાઇ જોટંગીયા વગેરે દર્શાય છે. અન્ય તસ્વીરમાં મંદિર પરિસર દર્શાય છે તથા ધર્મોત્સવ માટે ચાલી રહેલી તૈયારીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

   રાજકોટ તા. ૧૯ : હજારો - લાખો શ્રધ્ધાળુઓની આસ્થા અને ભકિતનાં પ્રતિક એવા શ્રી જખરાપીર તથા આઇશ્રી ધુનાવાળી ખોડીયાર મંદિરના સેવકો દ્વારા આગામી તા. ૨૩ માર્ચને ગુરૂવારથી ભવ્ય ધર્મોત્સવનો પ્રારંભ થનાર છે.

   રાજકોટથી ૭ કિ.મી.નાં અંતરે હરીપર પાળ ગામે બિરાજતા શ્રી જખરાપીર મંદિર દ્વારા યોજાનાર આ ધર્મોત્સવમાં તા. ૨૩થી ૩૧ માર્ચ સુધી પાલનપુરવાળા પૂ. મહંત ક્ષિપ્રાગીરીજીનાં વ્યાસાસને શ્રીમદ્ દૈવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.

   જેમાં તા. ૨૩મીએ સાંજે ૪ વાગ્યે શ્રીપાળ ગામ રામજી મંદિરેથી પોથીયાત્રા યોજાશે અને ૫ વાગ્યાથી કથાનો પ્રારંભ થશે. તા. ૨૫ને શનિવારે મહામાયા પ્રાગટય, તા. ૨૭ને સોમવારે દુર્ગા પ્રાગટય, તા. ૨૮ને મંગળવારે ચંડદેવી પ્રાગટય, તા. ૨૯ને બુધવારે અન્નપૂર્ણાદેવી પ્રાગટય, તા. ૩૦ને ગુરૂવારે તુલસી વિવાહ વગેરે પ્રાસંગો ઉજવાશે અને તા. ૩૧મીને શુક્રવારે કથાની પૂર્ણાહુતિ થશે. કથા શ્રવણનો સમય સવારે ૯.૩૦થી ૧૨ અને બપોરે ૩ થી ૬નો રહેશે.

   તા. ૨૩મીએ નવકુંડી મહાયજ્ઞ

   શ્રી જખરાપીર દાદા મંદિર જયંતિ મહોત્સવ પ્રસંગે તા. ૨૩ને ગુરૂવારે સવારે ૭.૩૦થી બપોરે ૧ સુધી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન છે.

   જેમાં સવારે ૭.૩૦ વાગ્યે શ્રી જખરાપીર દાદા તથા પૂ. મામાસાહેબને બાવનગજની ધજા તથા ચાદર ચડાવાશે. આજ દિવસે ભકિતમય નાટક 'મચ્છુ તારા વહેતા પાણી' શ્રી બહુચરાજી ભવાઇ મંડળના શિવલાલભાઇ પાળવાળા, રમેશભાઇ દેવચડી વાળા, બાબુભાઇ પાડાસણવાળા અને બંસી ભગત (ડાગળો) વગેરે રજૂ કરશે.

   ૨૯મીને બુધવારે નવરંગો માંડવો

   આ ધર્મોત્સવ દરમિયાન આઇશ્રી ધુનાવાળી ખોડિયાર માતાજીનો તથા મેલડી માતાજીનો ૨૪ કલાકનો અખંડ મંડપ યોજાશે. જેમાં પ્રસિધ્ધ રાવળદેવ ધર્મેશભાઇ રાવળ માતાજીના ગુણગાન રજૂ કરશે.

   આ દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે શ્રી જખરાપીર દાદા તથા મામા સાહેબને બાવનગજની ધજા તથા ચાદર ચડાવવામાં આવશે.

   ૧૦૨ દિકરીઓના સમૂહલગ્ન : ધુમાડાબંધ પ્રસાદ

   આ ધર્મોત્સવની પૂર્ણાહુતી તા. ૧ એપ્રિલે ૧૦૨ દિકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્નથી થશે. આ સમૂહલગ્નમાં નાત-જાતનાં ભેદભાવ વગર સર્વે જ્ઞાતિ-જાતીની દિકરીઓને રૂ. ૧ લાખના કરીયાવર સાથે વિદાય અપાશે.

   એટલું જ નહી આ પ્રસંગે પાળ, મવડી, જસવંતપુર, રાવકી, ઢોલરા, કાંગશીયાળી વગેરે આસપાસનાં ગામો તથા લગ્નમાં આવનારા જાનૈયા - માંડવિયાઓ ઉપરાંત અન્ય પધારેલ ભકતજનો સહિત અંદાજે ૨૦ લાખ લોકો માટે ધુમાડાબંધ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન પણ કરાયું છે.

   જાહેર નિમંત્રણ

   આમ શ્રી જખરાપીર, આઇશ્રી ધુનાવાળી ખોડિયાર માઁ અને ન્યારેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં ગુરૂવારથી શરૂ થનાર સેવા - સત્સંગ અને ભજન તથા પ્રસાદ ભોજનના સંગમના અનેરા ધર્મોત્સવમાં સર્વે ધર્મપ્રેમી ભકતજનો, શ્રધ્ધાળુઓને પધારવા, મંદિરના સેવકો, આયોજકોએ ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

   મહાનુભાવોની ઉપસ્થિતિ

   આ ધર્મોત્સવમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપરાંત સંતો-મહંતો પધારશે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

   નોંધનિય છે કે, શ્રી જખરાપીર દાદાની જગ્યા દ્વારા, કિડીયારૂ, પશુ-પક્ષીને ચણ, ગૌ-શાળા, કાયમી અન્નક્ષેત્ર, પાણીના પરબ, ગાય તથા શ્વાનો માટે રોટલા - ઘાસચારો તથા સમયાંતરે છાસ વિતરણ સહિતના સેવાકીય કાર્યો ધમધમી રહ્યા છે.

   ધર્મોત્સવના કાર્યક્રમો

      તા. ૨૩ ગુરૂવારે નાટક 'મચ્છુ તારા વહેતા પાણી'

      તા. ૨૫ શનિવારે લોક ગાયિકા પુનમબેન ગોંડલિયાનો ડાયરો

      તા. ૨૬ રવિવારે ભકિત નાટક 'ભકત ચંદ્રહાસ' (સિધ્ધપુર પાટણના ધણી માઁ શકિતનો ઇતિહાસ) ખોડિયાર યુવક નાટક મંડળ રાજકોટ દ્વારા

      તા. ૨૭ને સોમવારે ખીમજીભાઇ ભરવાડ, પલ્લવીબેન પટેલ, વિજય ગઢવી ગ્રુપનો લોકડાયરો

   ર૧ દિકરીઓના સમૂહલગ્નથી શરૂ થયેલ આ સેવા યજ્ઞમાં ૭પ૦ દિકરીઓના ઘર મંડાયા

   આ ૧રમાં સમૂહલગ્નમાં ૧૦ર દિકરીઓના લગ્ન

   રાજકોટ : મંદિરના સેવક બચુ બાપુના જણાવ્યા મુજબ સેવકો અને ભકતોમાં સહયોગથી ર૧ દિકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો અને દાદાની કૃપાથી આજે આ ૧રમાં સમૂહલગ્ન ૧૦ર દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે આમ અત્યાર સુધીમાં ૭પ૦ દિકરીઓના ઘર મંડાયા છે. આ સમૂહલગ્નમાં જાનૈયાઓ-માંડવીયાની સંખ્યા માટે કોઇ જ બંધન નથી રખાયું. દરેક પરિવારો ઇચ્છે તેટલા સગા-સંબંધીઓને લગ્નમાં લાવી શકશે. આ માટેની તમામ વ્યવસ્થાની તૈયારીઓ છે અને આજથી ર૦ લાખ લોકોના પ્રસાદ ભોજન માટે વ્યવસ્થા કરાઇ છે. બચુબાપાના જણાવ્યા મુજબ ગત વર્ષ પર કન્યાઓના સમૂહલગ્નમાં ૧૮ લાખ લોકોએ પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો.

   સમૂહલગ્ન એકતાનું પ્રતિક બનશે મુસ્લિમ દિકરીના નિકાહ થશે

   રાજકોટ : જખરાપીર દાદા મંદિરે યોજાનાર સર્વે જ્ઞાતિ સમૂહલગ્નમાં દરેક જાતિ, ધર્મ અને જ્ઞાતિઓની દિકરીઓને પરણાવવામાં આવે છે. આ વખતે આ સમૂહલગ્નમાં એક મુસ્લિમ પરિવારની દિકરીના નિકાહ થશે જેનો તમામ ખર્ચ મંદિર દ્વારા થશે. આમ, આ સમૂહલગ્ન એકતા અને ભાઇચારાના પ્રતિક સમાન બની રહ્યો છે.

   ૩ કરોડનાં જંગી ખર્ચે સેવાયજ્ઞ : કન્યાઓને સોના-ચાંદીનાં ધરેણા સહિત ઘરવખરીનો કરિયાવર

   દાતાઓએ ગુપ્તદાનની સરવાણી વહાવી

   રાજકોટ : સમુહ લગ્નના આયોજક એવા સેવકોનાં જણાવ્યા મુજબ આ સમગ્ર ધર્મોત્સવ ત્થા સેવા યજ્ઞ પાછળ ૩ કરોડનો જંગી ખર્ચ થનાર છે. પરંતુ ભકતો અને શ્રધ્ધાળુ એવા દાતાઓએ ગુપ્તદાનની સહવાણી વહાવી છે. તેથી કયાંય ઓછુ આવે તેવુ નથી.

   સમુહલ લગ્નમાં તમામ ૧૦ર કન્યાઓને મંગળ સુત્ર, સોનાની બુટી, નામનો દાણો, સાંકળા, ચાંદીનો જુઠો સહિત સોના-ચાંદીનાં દાગીનાં ઉપરાંત કપડા, પાનેતર, સેટી, પલંગ, કબાટ, ખુરશી, ટીપાઇ, ગાદલા સેટ, વગેરે ફર્નીચર અને સ્ટીલ વાસણ સહિતની ઘરવખરીઓનો કુલ રૂ. ૧ લાખનો કરિયાવર સેવક પરીવાર દ્વારા અપાશે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS