Samachar Rajkot

News of Monday, 20th March, 2017

કોમેડી સાથે કરૂણતાભર્યુ નાટક 'ધુમ્મસની આરપાર'નવીનતમ વાર્તામાં ''ગુલમહોર'' બંગલામાં બનતી અલૌકીક ઘટનાઓ અને ભૌતિકવાદના વિજ્ઞાનને પડકારતી, મનોજગતની પેલે પાર આત્માની અનુભૂતિનો અહેસાસ તાદ્રશ્ય થાય છે

૨૭મીએ વિશ્વરંગભૂમિ દિને શબ્દદર્શન કલામંચ દ્વારા પ્રસ્તુત થશે

કોમેડી સાથે કરૂણતાભર્યુ નાટક 'ધુમ્મસની આરપાર'નવીનતમ વાર્તામાં ''ગુલમહોર'' બંગલામાં બનતી અલૌકીક ઘટનાઓ અને ભૌતિકવાદના વિજ્ઞાનને પડકારતી, મનોજગતની પેલે પાર આત્માની અનુભૂતિનો અહેસાસ તાદ્રશ્ય થાય છે

   રાજકોટ,તા.૨૦: વિશ્વરંગ ભૂમિ- દિન નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેરની જાણીતી સંસ્થા શબ્દદર્શન કલા મંચ દ્વારા પ્રસ્તુત એક અનોખો નાટ્ય પ્રયોગ 'ધુમ્મસની આરપાર' તા.૨૭મી માર્ચે, હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ કલાકે રજુ થશે.

   'ધુમ્મસની આરપાર'માં નવીનતમ કથા વાર્તા મુજબ 'ગુલમહોર' બંગલામાં બનતી અલૌકિક ઘટનાઓ અને ભૌતિકવાદના વિજ્ઞાનને પડકારતી, મનોજગતની પેલે પાર આત્માની અનુભૂતિનો અહેસાસ તાદ્રશ્ય થાય છે.

   દશ વર્ષ પહેલા મહાવ્યથાથી એક વૃધ્ધ દંપતિનું અણધાર્યુ મૃત્યુ થાય છે, અને દશ વર્ષ પછી ખાલીખમ બંગલો ખરીદવામાં આવે છે. આ બંગલામાં ઇતિહાસના પ્રોફેસર, પત્નિ અને યુવાન પુત્રી સાથે રહેવા આવે છે.

   પ્રોફેસરની પત્ની રેવતી દેસાઇના હાથમાં દશ વર્ષ પહેલા લખાયેલી ડાયરી માળીયામાંથી જડે છે, અને શિક્ષીત, ચબરાક અને લાગણીસભર ગૃહિણી સામે સર્જાય છે ચોંકાવનારી ઘટનાઓની હારમાળા અને ડાયરીમાં લખાયેલા પાત્રોનો સાક્ષાત્કાર થાય છે, મૃતઃ પાત્રો નાટકના અન્ય પાત્રોને દેખાતા નથી, જેથી હાસ્યની છોળો, કરૂણતા, વિવશતા વચ્ચે ગૃહિણી માનસીક બિમારીનોઙ્ગભોગ બને છે, તે ટાંકણે મનોચિકિત્સક આવીને ફોડ પાડે છે કે, રેવતી દેશાઇને કોઇ બિમારી નથી, ત્યારબાદ પરાકાષ્ઠાની પળોમાં અંતર આત્માનો આર્તનાદ, વલોપાત અને.. ભૂતકાળના ગાઢ ધુમ્મસની ચીરતી.. એક કરૂણ વાસ્તવીકતા નાટ્યાત્મક રીતે રંગમંચ ઉપર ઉપસી આવે છે, અને નાટક 'ધુમ્મસની આરપાર' નવો ચીલો પાડે છે.

   શબ્દદર્શન કલામંચ પ્રસ્તુત 'ધુમ્મસની આરપાર' નાટકના લેખક દિગ્દર્શક- અઝીઝ ઇબ્રાહીમ છે.

   સંગીતઃ મનોજ- વિમલ અને ગીત દિલીપ જોષીનાં છે. રંગમંચના કેનવાસ ઉપર ઉભરી આવતા કલાકારો- હસન મલેક, હેતલ રાવલ, ધરા કોઠારી ગોડા, વૃંદા નથવાણી, ગૌતમ જોષી, હર્ષિત ઢેબર અને ચેતન દોશી ભાગ લઇ રહ્યા છે. સંકલનઃ જાવેદ જુનેજા, સહયોગઃ રાજુભાઇ ચૌહાણ સંભાળી રહ્યા છે

   ગીતાના સ્વરઃ પલ્લવી જાંબુજા, કરીમ બુરખાન, સેટીંગઃ કિશોર સચદે, ચીરાગ સચદે, પ્રકાશ આયોજનઃ ચેતન ટાંક, સંગીત-સંચાલતઃ અલ્પેશ ટાંક, વેશભૂષાઃ નીપા અંતાણી, મેકઅપઃ પારશ શાહ, મેહન્દ્ર શાહ, મંચ સહાયકો (નૈપથ્ય): દુષ્યંત જાની, મેહુલ મેર, રસીક હીરાણી, નુતન ભટ્ટ, કબીર જુનેજા, ભાવેશ આચાર્ય સહિત ૨૨- કલાકારોની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.ભાસ અને આભાસની વચ્ચે અંતરમન- અંતરવ્યથાને રંગમંચ ઉપર સાક્ષાત્કાર કરતું 'શબ્દદર્શન કલામંચ' દ્વારા પ્રસ્તુત અનોખુ મૌલિક નાટક 'ધુમ્મસની આરપાર' આમંત્રીત દર્શક માટે યોજવામાં આવેલ છે, શહેરના સ્થાનીક કલાકારો દ્વારા નિર્માણ કરવામાં આવેલ નાટ્યકૃતિ નવો ચીલો પાશે તેમાં બે મત નથી.

   તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શબ્દદર્શન કલામંચની કલાકારોની ટીમના સભ્યો સર્વેશ્રી હસન મલેક, ચેતન દોશી, હેતલ રાવલ, ધરા કોઠારી ગોડા, વૃંદા નથવાણી, ગૌતમ જોષી, હર્ષીત ઢેબર, નીતા અંબાણી, સંગીતકારઃ મનોજ વિકલ, ગીતકારઃ દિલીપ જોષી, કાર્યક્રમના ઉદ્દઘોષકઃ જયંતભાઇ જોષી, નાટકના લેખક- દિગ્દર્શકઃ અઝીઝ ઇબ્રાહીમ, કાર્યક્રમના સંકલનકારઃ જાવેદ જુણેજા, કાર્યક્રમના સંયોજકઃ રાજુભાઇ ચૌહાણ (આકાશવાણી) નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS