Samachar Rajkot

News of Monday, 20th March, 2017

નવુ નજરાણુઃ ઘંટેશ્વર SRP કેમ્પ પાસે તળાવકાંઠે ન્યુ રેસકોર્ષ : ૨૫૦ એકર જગ્યા નિશ્ચિત

અગાઉ રૈયામાં જગ્યા જોયા બાદ આજે ઘંટેશ્વર પાસે સ્થળ નક્કી કરાયુ : કલેકટર તંત્રે યોજનાની ડિઝાઇન માટે તૈયારી શરૂ કરી : મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન નિતીન ભારદ્વાજે સ્થળ નિરીક્ષણ કર્યું

નવુ  નજરાણુઃ ઘંટેશ્વર SRP કેમ્પ પાસે તળાવકાંઠે ન્યુ રેસકોર્ષ : ૨૫૦ એકર જગ્યા નિશ્ચિત

   રાજકોટ તા. ૨૦ : શહેરની ભાગોળે એસ.આર.પી. કેમ્પ પાસે તળાવકાંઠે શહેરમાં રેસકોર્ષ બગીચા જેવો જ સુંદર બગીચો બનાવવાની યોજના સાકાર કરવાનું મ્યુ. કોર્પોરેશન તથા કલેકટર તંત્રએ સંયુકત રીતે નિશ્ચિત કર્યું છે.

   આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરના ઉત્સવપ્રિય અને હરવા-ફરવાના શોખીન શહેરના નગરજનોને રેસકોર્ષ જેવું બીજું રેસકોર્ષ-૨ હરવા-ફરવાનું સુંદર નઝરાણું મળે તે માટે આજ તા.૨૦ના રોજ રાજય સરકાર હસ્તકની રૈયા સર્વે નં.૩૧૮ની જુદી-જુદી ૩ જગ્યાની સ્થળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, એડી. કલેકટર હર્ષદ વોરા, ડી.આઈ.એલ.આર. મનીષાબેન ભટ્ટ, આસી. ડી.આઈ.એલ.આર. કાકડીયા, પ્રાંત અધિકારી જાની, સિટી એન્જી. ચિરાગ પંડ્યા, ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા તેમજ નાયબ મામલતદાર વિગેરે દ્વારા લેવાઇ હતી.

   પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓએ આજે વિવિધ ૩ સ્થળોની મુલાકાત લીધા બાદ નવા રીંગ રોડ ટચ અને ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પને લાગુ રાજકોટના હયાત રેસકોર્ષથી આશરે ૪ગણી વધુ જમીન એટલે કે ૨૦૦ એકર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલી જમીનમાં નમુનેદાર નવું રેસકોર્ષ બનાવવાનું નક્કી કર્યું હતુ. વિશેષમાં, આ જમીન પાસે જ ૪૦ એકરમાં હયાત તળાવની જમીન પણ આવેલી છે. જે આ નવા રેસકોર્ષ-૨માં નવું આકર્ષણ બની રહેશે.

   નોંધનિય છે કે, સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામેના ભાગની સરકાર હસ્તકની રૈયા સર્વે નં.૩૧૮ની આશરે ૭૦ એકર જેટલી જમીન તથા પરશુરામ મંદિરને લાગુની ૧૨૦ એકર જેટલી જમીન ઉપરાંત નવા રીંગ રોડની ટચ અને ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પની બાજુની આવેલ જમીનની સ્થળ વિઝિટ કરેલ. જેમાં રીંગ રોડ ટચ અને ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પને લાગુ રાજકોટના હયાત રેસકોર્ષથી આશરે ૪ ગણી વધુ જમીન એટલે કે ૨૦૦ એકર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલી જમીન ઉપરાંત ૪૦ એકરમાં હયાત તળાવની જમીન પર રેસકોર્ષ-૨ બનાવવા માટે ખુબ જ અનુકુળ જણાય છે. આ જમીન લાગુ હયાત તળાવને કારણે ખુબ જ સુંદર અને રળીયામણું અને હરવા-ફરવા માટે સ્થળ બને તેમ છે. જેથી આ જગ્યા પર રેસકોર્ષ-૨ બનાવવાનું નક્કી કરવામાં આવેલ અને આ માટે જરૂરી ડી.પી. તથા રાજય સરકારમાં દરખાસ્ત કરવાની કાર્યવાહી કરવા રાજકોટ જીલ્લા કલેકટર સાથે ચર્ચા કરવામાં આવેલ.

   આ તકે ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, ૪૦ એકર જેટલી જમીનમાં તળાવ આવેલું છે. જે બોટીંગ, વોટર સ્પોર્ટ્સ, વોટર બાઈક વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ બનાવી શકાશે. આ તળાવમાં વરસાદનું પાણી ઉપરાંત રૈયા સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ઘ કરાયેલું ટ્રીટેડ વોટર લાવી શકાશે. જેનાથી તળાવ મહત્ત્મ સમય સુધી ભરાયેલું રહે. તેમજ સમગ્ર રેસકોર્ષ ફરતે બેબી ટ્રેઈન ચલાવી શકાય તેવી પણ સાનુકુળતા છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ નવું રેસકોર્ષ હરવા-ફરવા માટેનું એક નમુનેદાર સ્થળ બની રહે તેવું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

   રીંગ રોડ ટચ લાગુ આ જમીન પર રેસકોર્ષ-૨ બનવાથી કાલાવાડ રોડ, રૈયા રોડ, મુંજકા રોડ, જામનગર રોડ વિગેરે તમામ રસ્તાઓ પરથી લોકો આવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભવિષ્યમાં રાજકોટને વધુ એક સારું નજરાણું મળે તે દિશામાં વહિવટી તંત્ર આગળ વધી રહ્યું છે અને આ માટેનો ડી.પી.આર. (ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ) માટે તૈયારી આરંભી દીધી છે.

   નવા રેસકોર્ષ-૨ ફરતે બેબી ટ્રેન

   મેયર ડો. જૈમન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ આ નવા સુચિત રેસકોર્ષ-૨ ફરતે બે ટ્રેનોનું નજરાણું ઉમેરી શકાય તેવી સાનુ કૂળતા છે તેથી આ બાબતે પણ યોજનામાં સમાવી શકાશે

 (02:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS