Samachar Rajkot

News of Monday, 20th March, 2017

ભાગવતની પરિક્રમાથી બધાં તીર્થોનું પૂણ્ય પ્રાપ્ત થાય : પૂ. વ્રજરાજકુમારજી

નિષ્કામ અને દાસભાવે થતાં દરેક કાર્યોમાં ભગવાનની કૃપા હોય છે : શ્રી કૃષ્ણની પ્રત્યેક લીલા માનવસમાજને કંઈને કંઈ સંદેશો આપે છેઃ માફી માગનાર અને માફી આપનાર બંને મૂઠી ઉંચેરા માનવી છે : વ્યકિતને નહિં, તેના સદ્દગુણો, ત્યાગ અને યોગ્યતાને પ્રણામ કરો : ભગવાને દરેક માનવીને તેની યોગ્યતા અને પાત્રતા કરતાં વધુ આપ્યુ છેઃ સ્થળ બદલવાથી નહિ, મન બદલવાથી શાંતિ મળે છે : વ્રજરાજકુમારજીઃ તમે દૂર્યોધન હો તો આજે પણ તમને શકુનીઓ જેવા મિત્રો, સલાહકારો મળી રહે છે અને અર્જૂન હો તો કૃષ્ણ જેવા પ્રેરણામિત્રો મળી રહે છેઃ આજની નવી પેઢી નાસ્તિક નથી, નવું જાણવાની તેઓની અપેક્ષાઓ સંતોષવામાં સમાજ નિષ્ફળ ગયો છેઃ વર્તમાન માવીના દરેક વ્યવહારમાં દંભ અને પાખંડ છે, વાસ્તવિકતા મહી પરવારી છેઃ જયાં શ્રદ્ધાનો વિષય છે ત્યાં પુરાવાની જરૂર નથી, ગીતા કે કુરાનમાં કયાંય કૃષ્ણ કે પયગંબરની સહી છે?અમારા દાદા-દાદીથી વિશેષ કોઇ ઇશ્વર ન હોયઃ કુ. ધારા ઉકાણીઃ ડો. ડાયાભાઇ પટેલ ગુજરાતનું ગૌરવઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઃ ડો. ડાયાભાઇના જ્ઞાન-અનુભવ-ભકિતનો નીચોડ પુસ્તકમાં: નીતિનભાઇ પટેલઃ ભગવાને આપ્યું છે તે સમાજ માટે વાપરવું જરૂરીઃ વજુભાઇ વાળાઃ સરદારથી મોદીજી... ગુજરાતે દેશને શ્રેષ્ઠ નેતૃત્વ આપ્યું: કાશ્મીર ધારાસભાના અધ્યક્ષ કર્વિંદર ગુપ્તાજી

ભાગવતની પરિક્રમાથી બધાં તીર્થોનું પૂણ્ય પ્રાપ્ત થાય : પૂ. વ્રજરાજકુમારજી

      વિજયભાઈ અને નીતિનભાઈના હસ્તે ''શ્રીમદ્દ ભાગવતમ્'' ગ્રંથનું વિમોચન : વજુભાઈ સહિતના મહાનુભાવોની હાજરી : રાજકોટ : ઉકાણી પરિવાર દ્વારા આયોજીત કરવામાં કથામાં ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ''શ્રીમદ્દ ભાગવતમ્'' ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ મીરાણી, ગોવિંદભાઈ પટેલ, ગુણુભાઈ ડેલાવાળા, ભાનુબેન બાબરીયા, યુવરાજ માંધાતાસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

      રાજકોટ, તા. ૨૦ : ''બાન લેબ્સ''ના પરમ ભગવદીય મૌલેશભાઈ અને ડો. નટુભાઈ ઉકાણી પરિવાર દ્વારા રાજકોટમાં કાલાવડ રોડ પર વાજડી-૨ સામેના ઈશ્વરીયા ગામે તેમના વિશાળ નાળીયેરીઓથી શોભતા ફાર્મમાં તા. ૧૫ થી ૨૧ માર્ચ ૨૦૧૭ દરમિયાન શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથાનું યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આચાર્યાસને સૌ પ્રથમ વાર નોખા - અનોખા, અલૌકિક સત્સંગનું આયોજન થયું છે, દરરોજ પાંચ હજાર ઉપરાંત ભાવિકો, વૈષ્ણવો સ્પર્શે એવી પ્રેરણાદાયી કથાનું રસપાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

      શનિવારે કથાયાત્રાના ચતુર્થદિને કથા પ્રારંભ પૂર્વે સમગ્ર ઉકાણી પરિવાર, ડો. ડાહ્યાભાઈની ત્રણ પરણિત દિકરી અને જમાઈઓ... ઉષાબેન, ડો. કિર્તીભાઈ પટેલ, શિતલબેન, લલીતભાઈ વાછાણી, માધુરીબેન, કિર્તીભાઈ વાછાણી તથા ત્રણે દિકરીઓના બાલગોપાલ વિવેક, રાધિકા, શિવ, શ્વેતા, અમરીશ, અંશ, મોહિત, કૃપાલી, નક્ષ, રાજ, દેવાંશી વગેરે પરિવારોના સમૂહે આચાર્યપીઠે ભાગવત વંદના કરીને પૂ. જેજેશ્રીને માલ્યાર્પણ કરીને આર્શીવાદ મેેળવ્યા હતા. તેઓની સાથે સમૂહ આરતીમાં મુંબઈથી પધારેલા હરીશભાઈ સંઘવી, મીનાબેન સંઘવી તથા પધારેલા વિવિધ ક્ષેત્રના મહેમાન મહાનુભાવો જોડાયા હતા. સર્વેને પૂ. જેજેશ્રીએ ખેસ પહેરાવી આર્શીવાદ આપ્યા હતા.

      ''શ્રી કૃષ્ણ શરણમ્ મમ્'' અષ્ઠાક્ષર મંત્ર સાથે કથાના ઉપક્રમને આગળ વધારતા આચાર્યપીઠેથી પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પ્રેરક વચનામૃતમાં કહ્યું કે ભગવાનનું નામ અને કથા સત્સંગ કયારેય વ્યર્થ જતાં નથી, જીવનમાં સત્કર્મ કરવું સૌનું કર્તવ્ય છે, જે કંઈ કરો તે કર્મની સફળતા માટે હશે તો સેવા ફળરૂપ બને છે. જીવનમાં કંઈપણ સદ્દકાર્ય કરવાની ઝંખના હોવી જોઈએ, પુરૂષાર્થ કરે છે તેને અવશ્ય સિદ્ધિ મળે છે. ઈશ્વરે નક્કી કરેલ હોય તે જ મનુષ્યને પ્રાપ્ત થાય છે, જે મળવાનું અને થવાનું છે તે પૂર્વ નિશ્ચિત છે, જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. માનવી જન્મે છે ત્યારે જ તેના જીંદગીના પડાવ અને મૃત્યુ નક્કી થઈ જાય છે. જીવનમાં સિદ્ધિ જન્મની સાથે જ નક્કી થઈ જાય છે. પુરૂષાર્થ અને ભાગ્ય એકબીજાના પૂરક છે. પુરૂષાર્થ કરે તેને જ સિદ્ધિ મળે છે. સાધન, ધૈર્ય, સત્સંગ, ઉત્સાહ અને પુરૂષાર્થ સિદ્ધિ માટેના આ ચાર માપદંડો છે. આજે દુનિયામાં ઘણા સંપતિવાન છે પણ તેમની પાસે સત્સંગ નથી. સિદ્ધિની આધ્યાત્મિક ભૂમિકા સમજાવતા પૂ. જેજેએ કહ્યું કે તેના માટે સંભાવનાનું લૌકિક જગતનું બીજ અને બીજુ અલૌકિક જગતનું બીજ છે. લૌકિક બીજમાં ત્રણ સંભાવના છે, બીજનો ગ્રોથ કળી સુધી થાય છે, વૃક્ષ અને ફુલ થાય છે પણ ફળની પ્રાપ્તિ થતી નથી, બીજ ફલરૂપ થાય ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન દ્વારા નિર્ધારીત અને સમય પહેલા વ્યકિતને સિદ્ધિ મળતી નથી. ભગવાન ફળ માટે માનવીને વિયોગ આપે છે. લૌકિકઅને અલૌકિક બંને જીવોની ગતિ નિશ્ચિત છે. માત્ર સાધન કરવાથી ફળ નથી મળતા, ભગવાનની કૃપા જોઈએ. ભગવાનનું નામ કયારેય નિરર્થક જતું નથી. આજે નહિં તો કાલે નિશ્ચિત ફળ આપે છે. કેટલાક અણસમજ લોકો પ્રશ્ન કરે છે કે ગંગા નદીમા લોકો પોતાના પાપ ધુવે છે એટલે ગંગા માતા પાપી છે. ત્યારે ગંગાજી તેનો ખુદ જવાબ આપે છે કે હું મારૂ પાણી સમુદ્રમાં પધરાવંુ છું એટલે હું નહિં, સમુદ્ર પાપી છે. સમુદ્ર કહે છે કે હું મારૂ પાણી વાદળાને આપુ છું એટલે વાદળા પાપી છે ત્યારે વાદળા ખડખડાટ હસતા જવાબ આપે છે કે હું વરસાદરૂપે જેનું છે તેને પાણી પાછું આપી દઉં છું. ભગવાનની કૃપા વગર પાપો ધોવાતા નથી. ભગવાન સાથેનો યોગ અને સત્સંગ, સંસ્કારો ગમે ત્યારે જાગૃત થાય છે.

      કથા ઉપક્રમને આગળ ધપાવતા પૂ. જેજેશ્રીએ કહ્યું કે સમાવતારની લીલાઓ જે અધૂરી હતી તે કૃષ્ણાવતારમાં પૂર્ણ થઈ. અરણ્યકાંડનું એક દૃષ્ટાંત આપતા કહ્યું કે લક્ષ્મણનો મોટાભાઈ તરીકે નાનાભાઈ રામની સેવા કરવાનો મનોરથ હતો, જે કૃષ્ણાવતારમાં પૂર્ણ થયો. લક્ષ્મણ બલરામ સ્વરૂપે મોટાભાઈ તરીકે અને શ્રી રામ, કૃષ્ણ સ્વરૂપે નાનાભાઈ તરીકે અવતર્યા અને પૂર્વાવતારના લક્ષ્મણને રામની સેવાનો લાભ મળ્યો.

      આચાર્યપીઠેથી શ્રીમદ વલ્લાભાચાર્યજીના અદ્દભૂત અને અવિનાશી ્ગ્રંથ ''સુબોધિની''ને કેન્દ્રમાં રાખીને કૃષ્ણની બાળલીલાઓનું દર્શન કરાવતા પૂ. જેજેશ્રીએ કહ્યું કે બાલ લીલાઓના શ્રવણથી શ્રોતાઓમાં ભાવ પ્રગટ થાય છે. કૃષ્ણની આ લીલાઓ નીજભકતોના ઉદ્ધાર માટે હતી. બાલ કૃષ્ણની એક લીલાનું અર્થઘટન કરતા શ્રીમદ્દ વલ્લભાચાર્યજી કહે છે કે માતા જશોદાને ફરીયાદ થઈ કે કૃષ્ણએ માટી ખાધી છે, કૃષ્ણએ ઈન્કાર કર્યો પણ ખરેખર બાલકૃષ્ણએ  માટી ખાધી હતી અને ખાધી નહોતી!! ભૂતળ પર જેને કૃષ્ણનો સંગ સાંપડ્યો નહોતો એવા બાલસખાને વ્રજની રજ ખવડાવવા કૃષ્ણે માટી ખાધી હતી, વાસ્તવમાં તેમણે માટી નહોતી ખાધી બાલ સખાઓએ માટી ખાધી હતી.

      શનિવારની કથાયાત્રાના અંતિમ ચરણોમાં પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ કેટલીક પ્રેરક વાતો, વિધાનો કરતા કહ્યું કે આધ્યાત્મિક પથના પથિકોમાં પરોપકાર, કરૂણા, પ્રેમ, સહજતા અને દાસભાવ ભર્યો હોય છે. હંમેશા શુભ પ્રસંગોને તમારૂ કેન્દ્ર બનાવો, સારી ક્ષણોને કેન્દ્ર બનાવો. અશુભ પ્રસંગો નકારાત્મક બનાવે છે. માટે હંમેશા જીવનની મધુર ક્ષણોને માણો, દુનિયામાં ત્રણ પ્રકારની રીયાલીટી છે, એકસટર્નલ, ઈન્ટરનલ અને એક વ્યકિતને વિચાર આવે અને જાય છે પણ તેમાં શેકાતો નથી તે ત્રીજી રીયાલીટી છે. વિચારોને મનમાં લાવવા જોઈએ, તે ચિંતન છે. વિચારોમાં મીઠાશ ત્યારે જ આવે જયારે ચિંતન થાય. કથાના વિચારોને મનમાં સ્ટોર કરો, ધીરે ધીરે તે કેન્દ્ર બનશે, કેન્દ્રને સુધારવું જરૂરી છે. ભાવ જાગૃત ન થાય તો કથાશ્રવણ વ્યર્થ છે. દોષોની નિવૃતિ થાય છે. આ સંદર્ભે વિસ્તૃત સમજ આપતા પૂ. જેજેશ્રીએ કહ્યું કે સ્થળ બદલવાથી નહિં, મન બદલવાથી શાંતિ મળે છે. તેમણે કહ્યું કે તમો ગુણી, સતગુણી અને રજજોગુણી માટે શાંતિની પરિભાષા અલગ છે. શાંતિ હંમેશા સત્સંગ અને આધ્યાત્મિકતાથી જ મળે છે.

      શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દ્વારિકાધીશના જીવન આધારીત રાસલીલા, નૃત્યની કલા પ્રસ્તુત મેઘા સંપટ દ્વારા થઈ હતી. શ્રોતા - દર્શકોને અપેક્ષાથી અધિક આનંદ પ્રાપ્ત થયો હતો. દ્વારિકાધીશના ભકિતભાવ સાથે રજૂ થયેલ. આ કાર્યક્રમને લોકોએ મોડી રાત સુધી માણ્યો હતો.

      ગઈકાલ રવિવારે કથાયાત્રાના પાંચમાં દિવસે કથા ઉપક્રમમાં ગોવર્ધન લીલાનું આધ્યાત્મિક મહાત્મ્ય અને ગીરીરાજજીની  પરિક્રમા દરમિયાન આવતા દિવ્ય સ્થાનોની પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ દિવ્ય ઓળખ આપી હતી. ગોવર્ધન લીલા માનવીને ઘણું બધુ શીખવે છે. પહેલો સિદ્ધાંત શીખવ્યો છે કે હે મનુષ્ય ! તું અનન્યતાથી મારૃં સેવન કર અને ભજન કર, તારા યોગક્ષેમની ચિંતા હું કરીશ. ગોવર્ધન લીલામાં ભગવાને બીજાને સિદ્ધાંત શીખવ્યો કે હે મનુષ્ય ! તુ બધુ છોડીને મારી પાસે આવી જા. આમ ભગવાને શરણાગતિ શીખવી છે.

      ગીતાજીના ઘણા સૂત્રો ગોવર્ધન લીલામાં ચરિતાર્થ થયા છે. ગીતાજીનું ભાષ્ય જ શ્રીમદ ભાગવત છે. ગીતાજીમાં યજ્ઞસંસ્કૃતિનું વર્ણન છે. આ ગોવર્ધનલીલા પણ જબરદસ્ત યજ્ઞ જ છે, વલ્લાભાચાર્યજીએ ગોવર્ધનલીલામાં ક્રાંતિનું બહુ મોટું દર્શન કરાવ્યું છે. તેમણે શરણાગતિ, યજ્ઞ અને આશ્રયનું દર્શન કરાવ્યું છે.  માણસ જેવું કર્મ કરે છે એવું ફળ મળે છે. ભલાબુરાનો બદલો અહિંને અહીં મળે છે.

      જેજેશ્રીએ કહ્યું કે કૃષ્ણ સામાન્ય યોગી નથી, યોગેશ્વર છે, નિષ્કામ યોગી છે, તેમનું સ્થિર મન છે, મનને સ્થિર કરવા સિદ્ધાંતની દિશા જોઈએ. જેના જીવનમાં નિયમો અને સિદ્ધાંતો નથી, તેનું નિરાધાર જીવન છે, કલ્યાણના માર્ગે લઈ જતું નથી. વિચારોમાં દ્વન્દ્વતા સિદ્ધાંતહિનતાને કારણે આવે છે. માટે ચંચળ મનને સ્થિર કરવા સિદ્ધાંત અને સુવિચારની જરૂર છે. આત્મા, મન અને શરીરના સ્વભાવ છે. વિચાર, ભાવ, વૃતિ એક જ છે તે વાસ્તવિકતા છે. આત્મા જયારે રિસ્પેકટ - સન્માન આપે છે ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય છે, તે સાચી પ્રસિદ્ધિ છે - માણસ ખરાબ નથી હોતો, સ્વભાવ ખરાબ હોય છે દુનિયામાં એવો એક પણ માણસ નથી, જેને જીવનમાં ભૂલ ન કરી હોય, ભૂલ જ માનવીને જાગૃત કરે છે, ઉર્જા પ્રદાન કરે છે, ઋષિ વાલ્મિકી, મહારાજા પરિક્ષિતે ભૂલ કરી હતી. વારંવાર ભૂલની વૃતિ થાય તો તે પતનના માર્ગે જાય છે. પાપ - ભૂલ કરવાના ત્રણ તત્વો છે, સંગદોષ, લોભદોષ અને કામના આવેશનો દોષ. આ ત્રણના આવેશને કારણે માનવી ભૂલ, પાપ કરે છે એનો એક માત્ર ઉપાય છે....

      નજર કો બદલો, નઝારે બદલ જાયેંગે,

      સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે.

      કશ્તિઓ કો બદલને કી જરૂરત નહિં,

      દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે.

      - આ પદ્ય પ્રસ્તુતિ કરીને પૂ. જેજેશ્રીએ કહ્યું કે ખોટું કર્યાનો પશ્ચાતાપ થાય તો વ્યકિત ખરાબ નથી.

      આચાર્યપીઠેથી સર્વે શ્રોતાઓને ગીરીરાજબાવાની માનસિક પરિક્રમા કરાવવામાં આવી. ગોવર્ધન પર્વતની તળેટીમાં દંડવતી શીલા છે, પરિક્રમાનો પ્રારંભ ત્યાંથી થાય છે, સામે સુંદરશીલાના બેઠકજીમાં મહાપ્રભુજી બિરાજે છે. પરિક્રમા યાત્રા ગોવર્ધન પહોંચી, જ્યાં દાનઘાટીના દર્શન થાય છે, ત્યાંથી રાધાકૃષ્ણકુંડ ત્યાંથી માનસીગંગા અને રસ્તામાં કુસુમ સરોવર આવે છે, ત્યાં બાજુમાં નારદીય દેવીનું મંદિર છે. હવે યાત્રા ચંદ્રસરોવર પહોંચી, જે આદિરાસનું સ્થળ છે, બહુ સુંદર અને મધુર સ્થાન છે. ત્યાં મૃદંગ વગેરેના અતિ સુંદર શબ્દો ગાજે છે, ત્યાં રાસના નૂપુરનો ઝંકાર સંભળાય છે ત્યાં મહાપ્રભુજી, ગુસાંઈજી, ગોકુલનાથજીની બેઠકો બિરાજે છે. પાસે જ સુરદાસજીની સમાધિ છે, હવે યાત્રા ગોવિંદકુંડ ઉપર પહોંચી ત્યાં મહાપ્રભુજીની નાની બેઠક છે. આગળ વધતા સુરભીકુંડ, ઈન્દ્રમાન ભંગ શીલા અને હરજીકુંડ આવે છે ત્યાંથી ગીરીરાજજીના મુખારવિંદના દર્શન થાય છે. આ પ્રમાણે મનમાં શ્રદ્ધા હોય તો અહિં બેઠા બેઠા કરેલી પરિક્રમાનું ફળ મળે છે. યાત્રા કરતાં કરતાં જે દર્શન થાય તેનો ભાવ હૃદયમાં ન જાગે તો યાત્રા ન કહેવાય. પરિક્રમાના સમાપનમાં આજે કથાને વિરામ આપશે.

      આચાર્યપીઠે આરતીમાં ડો. ડાહ્યાભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી અને ડો. નટુભાઈ ઉકાણીનો સમગ્ર પરિવાર, કર્ણાટકના રાજયપાલશ્રી વજુભાઈ વાળા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જમ્મુ - કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ કરવિંદર ગુપ્તા, કેન્દ્રીય નાણામંત્રી સંતોષકુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમભાઈ રૂપાલા, કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત ઈન્કમટેકસના ડાયરેકટર જનરલ પી. સી. મોદી, ધર્મબંધુજી, ગુજરાતના વિવિધ ખાતાઓના મંત્રીઓ ચીમનભાઈ સાપરીયા, જયેશભાઈ રાદડીયા, જેન્તીભાઈ કવાડીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉંઝા ઉમિયાધામના પ્રમુખ અને ધારાસભ્ય નારણભાઈ પટેલ, સીદસર ઉમિયા મંદિરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ગાંઠીલા ઉમાધામના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટક, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, માંધાતાસિંહ તથા મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી વગેરે જોડાયા હતા. આરતી પશ્ચાત ડો. ડાહ્યાભાઈ પટેલ સંકલિત ''શ્રીમદ્દ ભાગવતમ્'' ગ્રંથનંુ વિમોચન થાય એ પહેલા મૌલેશભાઈ ઉકાણીની દિકરી રાધાએ ગ્રંથ વિમોચન સમારંભમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું સુંદર શબ્દો અને આકર્ષક અભિવ્યકિતમાં સ્વાગત કર્યુ હતું. તથા તેના દાદા વતી ગ્રંથનો પરિચય આપ્યો હતો. ડો.ડાહ્યાભાઈના પૌત્રો લવ અને જયે પણ પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતા.

      મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ''શ્રીમદ્દ ભાગવતમ્'' ગ્રંથના પાંચ ભાગનું વિમોચન થયું ત્યારે રાજકોટના પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનિક મીડીયાના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વિમોચન વિધિ બાદ નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ સુખદ પ્રતિભાવો આપ્યા હતા. વજુભાઈએ કર્ણાટકની પ્રજાવતી અભિનંદન આપ્યા હતા. વિજયભાઈ રૂપાણી કહ્યુ કે ડો. ડાહ્યાભાઈ માત્ર રાજકોટનું જ નહિં, ગુજરાતનંુ ગૌરવ છે. તેઓ તેમના શેષ જીવનમાં સેવાકાર્યો કરે છે. હું તેમને ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપુ છું કાર્યક્રમના સમાપન પૂર્વે સર્વે મહામાન મહાનુભાવોને મૌલેશભાઈ, ડો. નટુભાઈ ઉકાણી પરિવાર તરફથી ખાસ નવતર બુકે અને શિલ્ડ તસ્વીર અર્પણ કરીને સન્માન કરાયુ હતું

      સોમ અને મંગળવારની કાર્યક્રમ શૃંખલા

      આજે તા.૨૦ સોમવારે સાંજે ૫ થી ૮ની ત્રણ કલાકની કથાયાત્રામાં ભૂતળ પર પહેલા પ્રેમપત્ર લખનાર રૂકમણીજીના ભગવાન શ્રીકૃષ્ણ સાથે મંગલ વિવાહનો મનોરથ ઉકાણી પરિવાર સહિત વૈષ્ણવો આબેહૂબ ઉજવાશે, કન્યા પક્ષના માંડવીયા વરપક્ષના જાનૈયાનું ધામધૂમ પૂર્વક સામૈયુ સ્વાગત કરશે. ભાગવતમાં આ માંગલીક પ્રસંગને રોચક અને મન મોહકરૂપે દર્શાવાય છે - રાત્રે ૯ થી ૧૨ રાસ રસિયાઓ ગરબા રાસોત્સવમાં ઝૂમી ઉઠશે. કથાક્રમમાં આચાર્યપીઠેથી રાસલીલાનું દિવ્ય અને આધ્યાત્મિક દર્શન કરાવાશે.

      આવતીકાલ તા.૨૧ને મંગળવારે કથાના અંતિમ ચરણોમાં સિદ્ધાંત નિષ્ઠ યોગેશ્વર પ્રભુની દ્વારિકાલીલા, શ્રી કૃષ્ણનું ગોલુલધામગમન અને અંતીમ સમયે ઉદ્વને આપેલ દિવ્ય સંદેશ સાથે કથાની પૂર્ણાહૂતિ થશે પણ કથાના જ્ઞાન અને દિવ્ય દર્શનની કયારેય પૂર્ણાહૂતિ થતી નથી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફિલ્મજગની સુપ્રસિદ્ધ ગાયીકા અનુરાધા પોંડવાલ મધુર ભકિતગીતાથી ભાવિકોને ભીંજવશે.

      

       

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS