vividh-vibhag

News of Monday, 20th March, 2017

સરકારી મહેમાન

રૂપાણી સરકાર ઇલેક્શન મોડ પર, રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન હવે ગુજરાત તરફ કેન્દ્રીત

ગુજરાતમાં કોંગ્રેસના હાથમાં છેલ્લા 27 વર્ષથી એકહથ્થુ સત્તા આવી શકી નથી : મહારાષ્ટ્રને ઉદ્યોગો તરફથી પ્રપોઝલ વધુ મળી પરંતુ રોકાણ ગુજરાતમાં થયું છે : ચૂંટણીના દાવમાં મોદી UPની જેમ કોગ્રેસનો ખેલ છેલ્લી ઘડીએ બગાડી શકે છે

રૂપાણી સરકાર ઇલેક્શન મોડ પર, રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન હવે ગુજરાત તરફ કેન્દ્રીત

          

         ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રૂપાણી સરકાર ઇલેક્શન મોડ પર આવી ગઇ છે અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન હવે ગુજરાત તરફ કેન્દ્રીત થયું છે. રાજ્ય સરકારના જિલ્લા વહીવટી તંત્ર તેમજ સચિવાલયના વિભાગોમાં મોટાપાયે બદલીઓની ફાઇલો પણ તૈચાર કરી દેવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ નેતાઓ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાના મૂડમાં આવી ગયા છે. ગુજરાત ભાજપમાં જાણે એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી મે અથવા જૂન મહિનામાં આવી રહી છે. બજેટ સત્રની સમાપ્તિ પછી એટલે કે એપ્રિલ મહિનામાં સરકાર અને સંગઠનમાં મોટાપાયે ફેરફારો જોઇ શકાશે. પાંચ પૈકી ચાર રાજયોમાં મુખ્યમંત્રીની વરણી કર્યા પછી અમિત શાહનું ટોટલી ધ્યાન ગુજરાત તરફ મંડાયેલું છે. તેઓ ઓફિસરની બદલીઓ પણ અંગત રસ લઇ રહ્યાં છે. મોદીની એક ખાસિયત છે કે બે વર્ષ પહેલાં તેઓ કોઇપણ મોટી ચૂંટણીની તૈયારી શરૂ કરી દેતાં હોય છે, જે સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી નથી પરિણામે કોંગ્રેસ હંમેશા ઊંઘતી ઝડપાય છે.

         ઉમેદવારો પસંદ કરો પછી CM પદ માટે ઝઘડો કરો...

         પ્રદેશ કોંગ્રેસમાં મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે લડાઇ શરૂ થઇ ચૂકી છે. કોંગ્રેસમાં આ પદ માટે પ્રમુખ દાવેદાર વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા છે અને તેમની સીધી સ્પર્ધા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે છે. પાંચ પૈકી ચાર રાજ્યોમાં પરાસ્ત થયેલી રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ વિવિધ રાજ્યોમાં બળવાખોરીનો સામનો કરી રહયાં છે ત્યારે તેમાં ગુજરાતનો ઉમેરો થવાની શક્યતા છે. બાપુ ફોર ગુજરાત સીએમનામનું ફેસબુક પેજ બનાવ્યા બાદ આ લડાઇ સામે આવી છે. ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ મેળવવા માટે રીતસર લોબીંગનું રાજકારણ શરૂ થયું છે. 1990 પછી સત્તામાંથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસનો સત્તા વનવાસ 27 વર્ષનો થયો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓને એમ લાગે છે કે આ વખતે 2017ની ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર અને વિવિધ સમૂદાયોની ભાજપ પ્રત્યેની નારાજગી તેમને સત્તા અપાવી શકે છે તેથી મુખ્યમંત્રીના દાવેદાર કોણ એ નામ પર હોડ મચી છે. એક એજન્સીને આપેલી મુલાકાતમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે પંજાબની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ હાઇકમાન્ડ આ વખતે મુખ્યમંત્રી પદના કેન્ડિડેટની જાહેરાત કરી શકે છે.

          

         ગુજરાતમાં મોદીએ 6629760 મિનિટ રાજ કર્યું છે...

         વિજય રૂપાણીના પુરોગામી ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 1મી ઓક્ટોબર 2001 થી 16મી મે 2014 સુધી શાસન કર્યું છે. તેમણે શાસનના વિક્રમી 4604 દિવસ પૂર્ણ કરી હવે તેઓ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. મોદીએ ગુજરાત ઉપર 1,10,496 કલાક એટલે કે 66,29,760 મિનીટ સુધી કામ કર્યું છે. 1960 થી અત્યાર સુધી ગુજરાતમાં શાસન કરી ચૂકેલા 15 ચીફ મિનિસ્ટર પૈકી માત્ર ત્રણ ચીફ મિનિસ્ટર હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પૂરાં કર્યા છે. ગુજરાતમાં સૌથી વધુ સત્તા પર રહેવાનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ હતો. તેમણે કુલ 2049 દિવસ સુધી શાસન કર્યું છે. મોદીએ સૌથી વધુ દિવસો સુધી શાસન કરવાનો માધવસિંહનો રેકોર્ડ તોડ્યો હતો પરંતુ તેઓ માધવસિંહે વિધાનસભામાં મેળવેલી 149 બેઠકોનો રેકોર્ડ તોડી શક્યા નથી. હા તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાનો રેકોર્ડ સર્જી શક્યા છે.

          

         ગુજરાતમાં 1995માં સત્તા પરિવર્તન થયું છે...

         ગુજરાતમાં કોંગ્રેસની પૂર્ણ સરકાર 1985 થી 1990 દરમ્યાન હતી. 4થી માર્ચ 1990માં જનતાદળ-ગુજરાતના નેતા ચીમનભાઇ પટેલે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. તેમણે પહેલાં  ભાજપના ટેકાથી સરકાર બનાવી પછી કોંગ્રેસનો ટેકો અને કોંગ્રેસમાં ભળીને સરકાર ચલાવી હતી. રાજ્યમાં 1995માં સત્તા પરિવર્તન થયું અને ભાજપનો કેસરી ધ્વજ લહેરાયો. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે કમાન હાથમાં લીધી અને 221 દિવસના શાસન પછી પાર્ટીમાં બળવો થતાં તેમને સત્તા છોડવી પડી હતી. વચગાળાના મુખ્યમંત્રી તરીકે સુરેશ મહેતાને મૂકવામાં આવ્યા અને તેમણે સત્તાના 334 દિવસ પૂરાં કર્યા ત્યાં તો શંકરસિંહ વાઘેલાએ ફરીથી બળવો કર્યો અને તેઓ મુખ્યમંત્રી બની ગયા. શંકરસિંહનો ટેન્યોર 370 દિવસનો રહ્યો. કોંગ્રેસ ટેકો પાછો ખેંચવાની ધમકી આપતાં શંકરસિંહે તેમની ખુરશીમાં દિલીપ પરીખને બેસાડી દીધા અને દિલીપ પરીખ 128 દિવસ પૂરાં કર્યા ત્યાં તો શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટી- આરજેપી- વિધાનસભા ભંગ કરી ચૂંટણી આપી દીધી હતી.

          

         ભાજપની બીજી ઇનિંગ્સના હિરો નરેન્દ્ર મોદી છે...

         ભાજપને 1998ની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત મળતાં કેશુભાઇ પટેલે ફરી સત્તા હાંસલ કરી. 4થી માર્ચ 1998માં કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે શાસનના 1312 દિવસો પૂરાં કર્યા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની હાર, જાન્યુઆરી 2001નો ભૂકંપ અને માધવપુરા બેન્ક ગોટાળાના કારણે કેશુભાઇને ખુરશી પરથી ઉતારી દેવામાં આવ્યા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 7મી ઓક્ટોબર 2001માં સત્તાના સૂત્રો સંભાળ્યા અને તેમણે મે 2014 સુધી શાસન કર્યું છે, ત્યારપછી તેઓ નવી દિલ્હીના સુપ્રિમ શાસનમાં જતા રહ્યાં છે. દિલ્હીમાં પણ તેઓ એક્કો સાબિત થયા છે. હાલ તેઓ 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે.

          

         કોંગ્રેસનો વનવાસ 27 વર્ષ- હવે છોટી સી આશા...

         ગુજરાતમાં આમ જોઇએ તો કોંગ્રેસ 1990 પછી સત્તામાં નથી. એટલે કે ગુજરાતમાંથી સત્તા ગુમાવ્યા પછી આજે 27 વર્ષ થયાં છે. આ 27 વર્ષમાં ભાજપે એકલા હાથે 21 વર્ષ શાસન કર્યું છે. 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાં ભાજપનું શાસન બીજા એક વર્ષનું થશે. એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરની તીવ્ર શક્યતા છતાં કોંગ્રેસનું સંગઠન માળખું વેરવિખેર હોવાથી કોંગ્રેસ માટે અચ્છે દિન...ની શંકા છે. કોંગ્રેસનો આંતરકલહ અને સત્તાવાર ઉમેદવારને હરાવવાની હોડ પાર્ટીને સત્તાથી દૂર લઇ જઇ રહી છે. 2017માં કોંગ્રેસ માટે આશા છે, પરિસ્થિતિ સાનુકૂળ છે. ખાસ તો ભાજપમાં માઇક્રો સર્જરી કરનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતથી દૂર છે, પરંતુ છેલ્લી ઘડીએ મેદાનમાં આવીને તેઓ કોંગ્રેસની બાજી બગાડી શકે છે તે ગુજરાત કોંગ્રેસ અને તેના દિલ્હી સ્થિત હાઇકમાન્ડે ધ્યાન રાખવાનું રહે છે, કારણ કે ઉત્તરપ્રદેશના ઇલેક્શનમાં બીજા તબક્કાના મતદાન પછી મોદી વધુ એક્ટિવ થયા હતા અને પરિણામ 325નું સામે જ છે. મોદીએ 2017માં પાર્ટીનું મિશન-151 રાખ્યું છે.

          

         સાવધાન-નાણાંકીય વર્ષ બદલાઇ રહ્યું છે...

         ભારતમાં ફાયનાન્સિયલ યર માર્ચ-એપ્રિલની જગ્યાએ જાન્યુઆરી-ડિસેમ્બર થઇ શકે છે. પાર્લામેન્ટની એક કમિટિએ દેશના ફાયનાન્સિયલ યરને બદલવાની સલાહ આપી છે. કમિટીનું માનવું છે કે એપ્રિલ થી માર્ચનું ફાયનાન્સિયલ યર અંગ્રેજોએ શરૂ કર્યું હતું અને આ વર્ષો જૂની પરંપરાને સમાપ્ત કરવી જોઇએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમિટી એ સૂઝાવ આપશે કે ફાયનાન્સિયલ યરને પણ બદલીને કેલેન્ડર વર્ષ કરવું જોઇએ. કમિટી આશા રાખે છે કે સરકાર આવતા વર્ષે આ દિશામાં તૈચારી કરશે. ફાયનાન્સિયલ યરની હાલની વ્યવસ્થા ભારત સરકારે 1967માં અપનાવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે બારતના ફાયનાન્સિયલ યરને બ્રિટન સરકારના ફાયનાન્સિયલ યર સાથે મિલાવવો હતો. 1867 પહેલાં ભારતમાં ફાયનાન્સિયલ યર 1લી મે થી શરૂ થતું હતું અને આગામી વર્ષે 30મી એપ્રિલે ખત્મ થતું હતું. હાલની કમિટી જાન્યુઆરી થી ડિસેમ્બરનું વર્ષ બનાવવા માગે છે.

          

         સરકારમાં RTI હવે બુઠ્ઠું હથિયાર બની રહ્યું છે...

         રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટની ધાર ધીમે ધીમે બુઠ્ઠી થતી જાય છે કારણ કે કમિશનને જે અરજીઓ મળે છે તેની સામે રિજેક્ટ થવાની સંખ્યા મોટી થતી જાય છે. આરટીઆઇ હેઠળ અરજીઓ કરવાની સંખ્યામાં એક વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે. 2015-16ના આંકડા પ્રમાણે કુલ અરજીઓની સંખ્યા 9.76 લાખ થવા જાય છે પરંતુ પ્રત્યેક 10 અરજી પૈકી ચાર અરજીઓ રિજેક્ટ થાય છે. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન- સીઆઇસી- ના અહેવાલ પ્રમાણે 2014-15માં આરટીઆઇ અરજીઓની સંખ્યા 7.55 લાખ હતી તેમાં 22.67 એટલે કે 2.21 લાખ અરજીઓનો વધારો થયો છે. અરજીઓની સંખ્યા જેટલી ગતિએ વધે છે તેટલી ગતિએ અરજીઓ રદ થવાનો આંકડો પણ મોટો થતો જાય છે. અરજીઓ કરવાની કેટેગરીમાં જોવા મળ્યું છે કે 43 ટકા અરજીઓ રિજેક્ટ કરવામાં આવે છે. એટલે કે પ્રત્યેક 10 અરજી પૈકી ચાર અરજી વિવિધ કારણોસર રિજેક્ટ થાય છે.

          

         રોકાણ મેળવવામાં ગુજરાત નંબર વન સ્થાને...

         ભારતમાં ઔદ્યોગિક મૂડીરોકાણમાં વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધા થઇ છે ત્યારે ગુજરાતે આ દિશામાં નંબર વન રહેલા મહારાષ્ટ્રને પછાડ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રપોઝલ મેળવવામાં મહારાષ્ટ્ર ભલે ગુજરાત કરતાં આગળ હોય પરંતુ મૂડીરોકાણની રકમમાં ગુજરાતે મહારાષ્ટ્રને બીટ કર્યું છે. ઓગષ્ટ 1991 થી નવેમ્બર 2016ના આંકડા પ્રમાણે જોઇએ તો મહારાષ્ટ્રે 19437 ઇન્ડસ્ટ્રીયલ પ્રપોઝલ મેળવી છે જ્યારે ગુજરાતે 13308 પ્રપોઝલ મંજૂર કરી છે. જો કે કુલ મૂડીરોકાણના આંકડા જોઇએ તો આ સમયગાળામાં ગુજરાતમાં 1436962 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં 1137783 કરોડનું મૂડીરોકાણ થયું છે.

         

          

          

         

         સરકારી મહેમાન

         આલેખન

         ગૌતમ પુરોહિત

         gpurohit09@gmail.com

          

 (09:26 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS