Mukhy Samachar

News of Monday, 20th March, 2017

સંપત્તિની વિગતો આપવા તમામ અધિકારીઓને યોગીનો આદેશ

મુખ્યમંત્રી બનતાની સાથે જ યોગીની આક્રમક કાર્યવાહી શરૂ : ભાજપના વચનોને પૂર્ણ કરવાની દિશામાં કામ શરૂ કરાયું : અલ્હાબાદમાં બે કતલખાના સીલ કરાતા ચકચાર : પ્રથમવાર ટોચના અધિકારી સાથે વાતચીત

   લખનૌ, તા.૨૦ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ યોગી આદિત્યનાથે ભાજપના વચનોને પૂર્ણ કરવાની દિશામાં શરૂઆત કરી દીધી છે અને આ દિશામાં ઝડપથી આગળ વધી ગયા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ વહીવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. અલ્હાબાદમાં બે ગેરકાયદે કતલખાનાઓને સીલ પણ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ અન્ય કેટલાક આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ૧૫ દિવસની અંદર જ ઈન્કમટેક્સ અને તેમની સંપત્તિની વિગત ઉપલબ્ધ કરાવવા માટે તમામ યુપી સરકારના અધિકારીઓને સ્પષ્ટ આદેશ જારી કરી દેવાયા છે. યોગી આદિત્યનાથે આજે ૧૫ દિવસમાં જ સંપત્તિ જાહેર કરવા માટે સૂચના આપી હતી. જેથી તમામ ટોચના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. યોગી આદિત્યનાથે ભાજપના વચનો પૂર્ણ કરવાની દિશામાં પહેલા જ દિવસથી કામગીરી શરૂ કરી દીધી છે. બીજી બાજુ યોગીએ લોકભવનમાં તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કે.પી. મૌર્ય અને દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. યોગી આદિત્યનાથે સંપૂર્ણ એકશનમાં દેખાઈને વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્ય સચિવ રાહુલ ભટનાગર પણ સાથે પણ વાત કરી હતી. સોમવારના દિવસે આજે તેઓ પ્રથમ વખત લોકભવનમાં પોતાની ઓફિસમાં પહોંચ્યા હતા. તમામ અધિકારીઓની સાથે કરવામાં આવેલી બેઠકમાં ભાજપના સંકલ્પપત્ર મુજબ કામ કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની આ પ્રથમ બેઠક હતી. અધિકારીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. જેના લીધે બદલીઓને લઈને અટકળોનો દોર શરૂ થયો છે. આજે ડીજીપી જાવેદ અહેમદ સાથે પણ યોગીએ વાતચીત કરી હતી. આ ગાળા દરમ્યાન તેઓએ બહુજન સમાજ પાર્ટીના નેતાની હત્યાના મુદ્દા ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે પોલીસ પ્રમુખને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને તરત જ મજબૂત કરવા માટે સૂચના આપી હતી. યોગીએ જાવેદને પ્રદેશના તમામ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને ૧૫ દિવસમાં જ રાજ્યમાં પોલીસ વ્યવસ્થા સુધારવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા કહી દેવામાં આવ્યું છે. આદિત્યનાથના શપથના દિવસે જ મોડી રાત્રે અલ્હાબાદમાં ૬૦ વર્ષીય બસપ નેતા મોહંમદ સામીની હત્યા કરી દેવામાં આવી હતી. સામીને તેમના ઘરની બહાર જ ગોળી મારી દેવામાં આવી હતી. પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પ્રથમ અપરાધિક ઘટના હતી. યોગી શપથ ગ્રહણ પહેલા મુખ્યમંત્રી તરીકે સક્રિય થઈ ગયા હતા. શપથ પહેલા જ શનિવારે રાત્રે ડીજીપીને મળીને ઉજવણીના બહાને પ્રદેશમાં કોઈ ખલેલ ન પહોંચાડી શકે તેવા વ્યવસ્થા ગોઠવવાનો આદેશ કર્યો હતો. યોગી આદિત્યનાથ એક પછી એક પગલાં લેવાની દિશામાં સક્રિય થઈ ગયા છે. કરેલી પોલીસની ઉપસ્થિતિમાં અટાલા અને નૈનીના ચકદોંદી વિસ્તારમાં નિયમોની વિરૂદ્ધ ચાલી રહેલા કતલખાનાને તાળા મારી દેવામાં આવ્યા છે. શહેરમાં કરેલી સ્થિત વિસ્તારમાં કતલખાના ચાલી રહ્યા હતા. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ગેરકાયદે ચાલી રહેલા કતલખાનાઓને બંધ કરવાનું વચન આપ્યું હતું. શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે કતલખાનાને બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે જ વહીવટીતંત્રએ પગલાં લેવાની શરૂઆત પણ કરી દીધી છે.

 (07:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો