Mukhy Samachar

News of Monday, 20th March, 2017

એન્ટી રોમિયો ટીમ ટૂંકમાં જ રચાશે : મૌર્યની ખાતરી

૧૦૦ દિવસ માટે એજન્ડા પર કામ જારી : ખેડૂતોની લોન માફી, કતલખાના, શેરડી ખેડૂતોની તકલીફ અને મહિલા સુરક્ષાને સૌથી પહેલા સર્વોચ્ચ પ્રાથમિકતા

   લખનૌ,તા. ૨૦ : ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી મંડળમાં વિભાગોની ફાળવણી હજુ કરવામાં આવી નથી પરંતુ ૧૦૦ દિવસના એજન્ડા પર કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. આમાં એવા તમામ મુદ્દાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે જે ભાજપના ઘોષણાપત્રમાં સામેલ રહ્યા હતા. સાથે સાથે એન્ટી રોમીયો ટુકડી બનાવવાના વચનને પણ પાળવામાં આવનાર છે. ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આજે વિગત આપતા કહ્યું હતું કે સરકાર ૧૦૦ દિવસના એજન્ડા પર કામ કરી રહી છે.

   તેમણે એમ કહ્યું હતું કે આ એજન્ડા હેઠળ ખેડૂતોની લોન માફી, કતલખાના, શેરડી ખેડૂતોની તકલીફ, મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દા રહેશે. મૌર્યનું કહેવું છે કે પ્રદેશમાં ખેડૂતોની સમસ્યા અને મહિલા સુરક્ષાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે. જેથી સૌથી પહેલા આ વિષય પર કામ શરૃ કરવામાં આવનાર છે. નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે સરકાર વિકાસ માટે નિર્ણય લેવામાં વિલંબ કરશે નહીં. ભાજપે પોતાના ઘોષણાપત્રમાં પ્રદેશમાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમીયો ટુકડી બનાવવાનું વચન આપ્યું હતું. જેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત રહ્યા છે. આને લઈને મૌર્યએ સ્પષ્ટતા કરી હતી કે આને ધર્મ કે જાતિ સાથે કોઈ લેવા દેવા નથી.

   જો કેટલાક લોકો આ પ્રકારની વિચારણા કરી રહ્યા છે તો તેમની ગણતરી ખોટી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શપથ ગ્રહણના દિવસે અલ્હાબાદમાં બહુજન સમાજ પાર્ટીના નેતાની હત્યા ખૂબ જ દુઃખદ બાબત છે. અપરાધીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે લાપરવાહી કરનાર અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં. મૌર્યએ એમ પણ કહ્યું હતું કે હૃદયનારાયણ દિક્ષિત યુપી વિધાનસભા અધ્યક્ષ તરીકે રહેશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે.

 (07:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS