Mukhy Samachar

News of Monday, 20th March, 2017

તમામ પ્રધાનોની સંપત્તિને જાહેર કરવા આદેશ કરશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી યોગીના માર્ગ ઉપર : ઉત્તરાખંડમાં વર્તમાન સરકાર નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે : આવકના નવા સાધનોની શોધ : ત્રિવેન્દ્રસિંહ

   દહેરાદુન,તા. ૨૦ : ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ યોગી આદિત્યનાથની દિશામાં આગળ વધીને મંત્રીઓને સંપત્તિની વિગતો જાહેર કરવા માટેની આદેશ જારી કર્યા છે. ત્રિવેન્દ્રસિંહે કહ્યું છે કે તેમની સરકાર તમામ મંત્રીઓ માટે તેમની સંપત્તિને જાહેર કરવાની બાબતને ફરજિયાત બનાવશે. આના એક દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મંત્રીઓને ૧૫ દિવસની અંદર સંપત્તિની વિગત આપવા માટેનો આદેશ કર્યો હતો. રાવતે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે ભાજપ સરકારમાં તમામ મંત્રી અને ધારાસભ્યોને દર વર્ષે પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવાની હોય છે. આ વ્યવસ્થાને રાજ્યભરમાં અમલી બનાવવામાં આવનાર છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે એમ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની દિશામાં તેઓ આગળ વધીને અહીં પણ ખાસ વ્યવસ્થાને અમલી બનાવવા માટે ઈચ્છુક છે.

    રાવતે આ ગાળા દરમિયાન કહ્યું હતું કે ઉત્તરાખંડની વર્તમાન સરકાર નાણાકીય તકલીફનો સામનો કરી રહી છે. જેથી રાજ્યમાં આવકના નવા સાધનોની શોધ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉત્તરાખંડ હાલમાં નાણાકીય નુકસાન અને દેવાની સ્થિતિમાં છે. રાવતે ઉમેર્યું હતું કે તેમની સરકાર ગૌવંશ સંરક્ષણના મુદ્દા ઉપર પણ પ્રભાવી રીતે કામ કરશે. ગૌવંશ સંરક્ષણ કાયદો અમારી સરકર લઈને આવી હતી. હવે આને ખૂબ જ અસરકારક રીતે લાગુ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે જંગી બહુમતી સાથે હાલમાં જીત મેળવી હતી અને પોતાની સરકાર બનાવી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ૧૮ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૯મી માર્ચના દિવસે પોતાના કેબિનેટ સભ્યોની સાથે શપથ લીધા હતા. બંને રાજ્યોમાં ભાજપ સરકાર સત્તારૃઢ થયા બાદ એક પછી એક નવા આદેશો જારી કરવામાં આવી રહ્યા છે.

 (07:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો