Mukhy Samachar

News of Monday, 20th March, 2017

૧૫૧ બેઠકોનો ટારગેટ પૂરો કરવા ભાજપ યુપીની ફોર્મ્યુલા અપનાવશે : CM તરીકે કોઇને પ્રોજેકટ નહિ કરે

આંતરિક જુથબંધીથી બચવા કોઇને આગળ નહિ કરાય : ચૂંટણી જીતાડી શકે તેવો કોઇ ચહેરો નથી!

   નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્ત્।રપ્રદેશની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં નહીં આવે. ૧૯૯૫ એટલે કે ૨૨ વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ મુખ્યમંત્રી જાહેર કર્યા વિના ચૂંટણીમાં જંપલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવશે.

    આંતરિક જૂથબંધીથી બચવા UP પેટર્ન

   ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ ભાજપમાં આંતરીક વિવાદ અને નેતૃત્વના ડખા શરૂ થઇ ગયા હતા. ખાસ કરીને અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ હતી. તેમાં પણ અમિત શાહના અણગમા વચ્ચે નરેન્દ્ર મોદીએ આનંદીબેનને મુખ્યમંત્રી બનાવતાં અમિત શાહ જૂથ દ્વારા આનંદીબેનને વારંવાર ડિસ્ટર્બ કરવામાં આવતાં અંતે આનંદીબેને અધવચ્ચે મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું. તે પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે છેલ્લી ઘડી સુધી નીતિન પટેલનું નામ ચાલતું હોવા છતાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવતાં ભાજપમાં આતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચવા લાગ્યો હતો.

    ૧૫૧ સીટનો રેકોર્ડ કરવાની રણનીતિ

   નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના આંતરીક વિખવાદને કારણે કાર્યકરો અને પ્રજામાં કેટલીક નારાજગી ઉભી થઇ છે. આવા સંજોગોમાં જો કોઇ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં આવે તો પક્ષમાં ચૂંટણી સમયે વિવાદ સર્જાય તેમ હોવાથી ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં યુપી પેટર્નથી ચૂંટણી લડવાની વિચારણા કરી છે. ૨૦૧૨ના વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાઇ હતી. જેમાં ગુજરાતની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ બેઠક પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભાજપને ૧૫૦ બેઠક મળી શકી નહોતી. ઉત્ત્।રપ્રદેશમાં હાલમાં જયારે ભાજપને જબરજસ્ત બહુમતી મળી છે ત્યારે તેનો લાભ લઇ ગુજરાતમાં પણ ૧૫૧થથી વધુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે.

   પ્રજા સામે મૂકવા માટે દમદાર નેતા નથી

   યુપીમાં ભવ્ય વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ચરમે જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચાએ પણ જોર પકડયો છે. પરંતુ હાલ ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન પ્રજા પરથી પકડ ગુમાવી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નબળા તારવામાં આવી રહ્યાં છે, જયારે ભાજપના નેતાઓ જાહેર કાર્યક્રમોમાં પ્રજાના રોષના શિકાર બનતાં જાય છે. આવામાં આગામી વિધાનસભાની ચૂંટણી કોઇ એક ચહેરાને પ્રોજેકટ કરી લડવી મુશ્કેલ છે.

   ડેપ્યુટી સીએમની પેટર્ન ચાલુ રહેશે

    ગુજરાતમાંથી ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની વિદાય બાદ આનંદીબેન પટેલનું બે વર્ષ સુધી શાસન ચાલ્યું હતું. તેમના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી બનાવવા ભાજપ માટે ભારે કપરું હતું. કેમ કે, આનંદીબેનના રાજીનામા અને અમિત શાહની દખલગીરીને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. એકાએક વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવતાં આંતરિક વિખવાદ ન સર્જાય અને આનંદીબેનના જૂથને પણ સાચવી લેવા માટે તે સમયે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. રૂપાણીના શાસનમાં નાયબ મુખ્યમંત્રીપદના કારણે ભાજપનો આંતરિક મતભેદ ભૂલાવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. અમિત શાહ અને આનંદીબેન જૂથ બન્નેને સાચવી લેવામાં આવ્યા છે. તેજ પેટર્ન ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ચાલી રખાશે, જેમાં મુખ્યમંત્રી બેનના જૂથનો હશો તો ડેપ્યુટી સીએમ અમિત શાહ જૂથના મૂકીને મામલો થાણે પડાશે.

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો