Mukhy Samachar

News of Monday, 20th March, 2017

આઈડિયા - વોડાફોનનું મર્જરઃ બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

આઇડિયાના બોર્ડે મર્જરને આપી મંજુરીઃ નવી કંપનીમાં વોડાફોનની ૪પ ટકા અને આઇડિયાની ર૬ ટકા હિસ્સેદારી રહેશેઃ એક વર્ષમાં મર્જર કાર્ય પુરૂ કરાશેઃ નવી કંપનીના ગ્રાહકો થશે ૩૮ કરોડઃ એરટેલ અને રિયાયન્સ જીયોને પાછળ રાખી દેશેઃ મર્જર બાદ ૮૦,૦૦૦ કરોડની વેલ્યુ ધરાવતી કંપની બનશે

આઈડિયા - વોડાફોનનું મર્જરઃ બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

   નવી દિલ્હી તા.ર૦ : ટેલીકોમ ઓપરેટર આઇડિયા બોર્ડે વોડાફોન સાથે મર્જરને મંજુરી આપી દીધી છે. આઇડિયાનુ કહેવુ છે કે, નવી કંપનીમાં વોડાફોન સાથે ૪પ ટકા હિસ્સેદારી રહેશે તો આઇડિયા પાસે ર૬ ટકા હિસ્સેદારી રહેશે. આઇડિયા કંપનીએ એમ પણ કહ્યુ છે કે વોડાફોન લગભગ ૪.૯ ટકા હિસ્સેદારી આઇડિયા પ્રમોટર્સને ટ્રાન્સફર કરશે. માનવામાં આવે છે કે, આ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ બનનાર નવી કંપની ટેલીકોમ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની બનશે જેની પાસે ૩૮ કરોડ ગ્રાહકો રહેશે. આઇડિયા અને વોડાફોનની વિલય પ્રક્રિયા આવતા વર્ષે પુર્ણ થશે. આગળ જઇને આદિત્ય બીરલા ગ્રુપ અને વોડાફોનનો હિસ્સો સરખો થઇ જશે.

   વોડાફોન અને આઇડિયાના વિલય બાદ બનનાર નવી કંપની ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની બનશે. અત્યારે ભારતીય એરટેલ દેશની સૌથી મોટી કંપની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વોડાફોન મર્જર બાદ બનનાર કંપનીમાં સીઇઓ અને સીએફઓ બંને પદ માંગી રહ્યુ છે. તેને નવી કંપનીના ચેરમેન તરીકે કુમાર મંગલમ બિરલાને જાહેર કરવામાં જરાપણ વાંધો નથી. મર્જર ર૦૧૮ સુધીમાં પુરૂ થશે. આઇડિયા અને વોડાફોનના પ્રમોટરોને ૩-૩ ડાયરેકટરો નિમવાનો અધિકાર રહેશે. સીઇઓ અને સીઓઓ બંને પક્ષકારો સંયુકત રીતે પસંદ કરશે.

   વોડાફોન અને આઇડિયાના મર્જરથી બનનાર કંપનીની રેવન્યુ ૭૭,પ૦૦ કરોડથી ૮૦,૦૦૦ કરોડ રૂપિયા થશે. એ સાથે તે દેશની સૌથી મોટી કંપની બનશે. આ બંનેની સંયુકત કંપની એરટેલ અને રિલાયન્સ જીયોને પાછળ રાખી દેશે. વોડાફોન ઇન્ડિયા ર૦.૦ર૮ કરોડ ગ્રાહક સાથે બીજા અને આઈડિયા સેલ્યુલર ૧૮.૭૭ કરોડ ગ્રાહકો સાથે ત્રીજી સૌથી મોટી કંપની છે. આ બંનેના સંયુકત ગ્રાહકો ૩૮ કરોડ થશે.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે સાત સર્કલમાં વોડાફોન ઇન્ડિયાના સ્પેકટ્રમ અને આઇડિયાના બે સ્પેકટ્રમ કે જેની પરમીટ ર૦ર૧-રરમાં પુરી થાય છે તેની કમ્બાઇન વેલ્યુ ગત નિલામીની કિંમતના હિસાબથી ૧ર,૦૦૦ કરોડ રૂપિયા છે. આ નવી કંપની પાસે મોબાઇલ માર્કેટની ૪૩ ટકા હિસ્સેદારી રહેશે. બીજાક્રમે એરટેલ પાસે ૩૩ ટકા અને રિલાયન્સ જીયોની ૧૩ ટકા હિસ્સેદારી રહેશે.(૩-૬)

   

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS