Mukhy Samachar

News of Monday, 20th March, 2017

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ BJPએ શરૂ કરી દીધો

નરેન્દ્રભાઈએ યોગી માટે ઉતાવળે નિર્ણય નથી લીધોઃ સુનિયોજીત રણનીતિ હેઠળ સી.એમ. પદ સોંપ્યુ છેઃ હિન્દુત્વની આસપાસ ગૂંથાયેલા રાષ્ટ્રવાદની વિચારધારાને આગળ વધારવા ઈચ્છે છે

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ BJPએ શરૂ કરી દીધો    

   નવી દિલ્હી, તા. ૨૦ :. ઉત્તર પ્રદેશમાં બીજેપીએ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય એકાએક નથી લીધો. આ એક સુનિયોજીત રાજનૈતિક રણનીતિ છે. યોગી આદિત્યનાથની છબિ હિન્દુ કટ્ટરપંથ સાથે જોડાયેલી છે. એમ માનવામાં આવે છે કે, હિન્દુત્વવાદી રાષ્ટ્રીયતાના એજન્ડાને ધ્યાનમાં રાખીને જ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પોતાના કાર્યકાળનો અડધો સમય પુરા કરી ચૂકી છે. હવે પાર્ટી ૨૦૧૯ની લોેકસભાની ચૂંટણીની તૈયારીને પણ ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે અને આ દ્રષ્ટિએ જ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એમ લાગી રહ્યુ છે કે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવીને બીજેપી માસ્ટરસ્ટ્રોક રમી છે.

   ધ્રુવીકરણમાં પારંગત

   ગોરખપુરથી પાંચ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા યોગી આદિત્યનાથને ધ્રુવીકરણમાં પારંગત માનવામાં આવે છે. રાજનૈતિક વિચારધારાની દ્રષ્ટિએ જોઈએ તો યોગી આદિત્યનાથ કટ્ટરપંથી છે. ભારતના સૌથી મોટા રાજ્યની સરકારની કમાન યોગી આદિત્યનાથને સોંપીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ રાજનીતિને પરંપરાગત અને સામાન્ય રીતે નથી અજમાવતા. સર્જિકલ સ્ટ્રાઈક અને ડીમોનેટાઈઝેશન પછી જો નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય વિશે વિચારવામાં આવે તો આ કેન્દ્ર સરકારનો ત્રીજો સૌથી મોટો દાવ છે. યોગી આદિત્યનાથ રામજન્મભૂમિ સાથે જોડાયેલા સૌથી મોટા નેતાઓમાંના એક છે. સંકેતોને જોેઈએ તો એ માનવું પડશે કે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવા એ બીજેપીની રણનીતિનો એક હિસ્સો છે જે હેઠળ પાર્ટી હિન્દુત્વની આસપાસ ગુંથેલી લોકપ્રિય રાષ્ટ્રવાદની વિચારધારાને કેન્દ્રમાં રાખી આગળ વધવા ઈચ્છે છે.

   ટાર્ગેટ ૨૦૧૯

   રાજનૈતિક વિશેષજ્ઞોનું માનવું છે કે, યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશની કમાન સોંપીને બીજેપી આગલી લોકસભાની ચૂંટણી પહેલા હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાની તક શોધી રહી છે. હિન્દુત્વવાદી વિચારધારા બીજેપીની સફળ ચૂંટણી રણનીતિનો હિસ્સો રહી છે. આ બાબત એટલી હદ સુધી કે બીજેપીના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી પર પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમ્યાન મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિષ કરવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો. 'સ્મશાન વિરૂદ્ધ કબ્રસ્તાન' અથવા 'ઈદમાં વીજળી મળે છે તો દિવાળી પર પણ વીજળી મળવી જોઈએ' જેવા નિવેદનો દ્વારા નરેન્દ્ર મોદી જનતાના મનમાં એમ બેસાડવાની કોશિષ કરતા જણાયા હતા કે સમાજવાદી પાર્ટીની રાજ્ય સરકાર ધાર્મિક અને કોમવાદના આધારે જનતા વચ્ચે ભેદભાવ કરે છે.

   અઢી વર્ષ મહત્વનાં

   બીજેપીના સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના હાઈકમાન્ડને અંદાજ છે કે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવ્યા બાદ એની ટીકા થશે. જો કે પાર્ટીના હાઈકમાન્ડને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થામાં સુધારો કરશે તેથી તેમના આલોચકો શાંત પડી જશે. એમ માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથ સનદી અધિકારીઓ પર દબાણ લાવશે જેથી પ્રશાસન સારી રીતે કામ કરે. આખરે ૨૦૧૯ની ચૂંટણીઓને માત્ર અઢી વર્ષ બાકી રહ્યા છે. ૨૦૧૪ની જેમ ફરી એક વાર બીજેપી એના જ્વલંત વિજયના ઈતિહાસનું પુનરાવર્તન કરવાની ઈચ્છા રાખશે તેથી આગામી અઢી વર્ષ પાર્ટી માટે ઘણા મહત્વનાં છે.

 (09:32 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો