Samachar Gujarat

News of Monday, 20th March, 2017

કોર્પોરેટરને ત્યાં તોડફોડ બાદ હાર્દિક સામે પોલીસ ફરિયાદ

હાર્દિક સહિત ૬૦ સામે ફરિયાદથી સનસનાટીઃ વસ્ત્રાલ કોર્પોરેટરની ફરિયાદ બાદ ૧૦ લોકોની અટકાયત

   અમદાવાદ, તા.૨૦ : શહેરના વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને ત્યાં મોડીરાત્રીના સમયે તોડફોડ અને મારી નાંખવાની ધમકી આપવા બદલ પાસ નેતા હાર્દિક પટેલ સહીત ૬૦ લોકો સામે કોર્પોરેટર દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરીયાદ બાદ રામોલ પોલીસ દ્વારા ૧૦ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અંજપાભરી પરિસ્થિતિ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે મળતી વિગતો અનુસાર,વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા ફેસબુકમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વીજ પટેલનો ફોટો મુકીને ઋત્વીજ પટેલ પાટીદાર છે.મારો ભાઈ છે.તેવું લખતા વિવાદીત કોમેન્ટ કરનારા યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.આ યુવકને છોડાવવા માટે પાસ નેતા હાર્દિક પટેલ સહીત ૬૦ લોકોનું ટોળુ પોલીસ સ્ટેશને પહોંચ્યુ હતું.બાદમાં પરેશ પટેલના કહેવાથી આ ધરપકડ કરવામાં આવી હોવાનું કહી હાર્દિક પટેલ સહીત ૬૦ લોકોનું ટોળુ મોડીરાતે પરેશ પટેલના ઘરે પહોંચ્યુ હતુ અને હલ્લાબોલ કર્યો હતો.આસ્થા બંગ્લોઝમાં રહેતા પરેશ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસાર,રાત્રે બે કલાકે હાર્દિક,નચિકેત મુખી ,ગીતા બહેન પટેલ,અંકિત સહીતના પાટીદારોનું ટોળુ તેમના ઘરે પહોંચ્યુ હતું.જ્યાં હાર્દિકે પરેશને બહાર ખેંચી લાવો,તે ખોટા લોકોને જેલમાં પુરાવે છે તેમ કહી ગાળો આપી,જાનથી મારી નાંખવાની ધમકી આપતા  પરેશ પટેલ ગભરાઈ ગયા હતા.તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ દરમ્યાન ટોળાએ તેમના ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત નેમ પ્લેટ તોડી નાંખવાની સાથે ભાજપનો રાખવામાં આવેલો ઝંડો પણ બાળી નાંખ્યો હતો.આ અંગે તેમણે પોલીસને જાણ કરતા પોલીસ પહોંચતા ટોળુ વિખેરાઈ ગયું હતુ.હાર્દિક પટેલ સહીતના તમામ વાહનો પણ ત્યાં જ મુકી ફરાર થઈ  ગયા હતા.રામોલ પોલીસે આ અંગે રાત્રીના ૨.૪૫ કલાકે સ્થાનિક કોર્પોરેટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે પાસ નેતા હાર્દિક પટેલ,ગીતાબહેન પટેલ,નચિકેત મુખી સહીત ૬૦ લોકો વિરૃધ્ધ રાયોટીંગ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો દાખલ કરી ૧૦ જેટલા પાટીદારોની રાત્રીના સમયે જ અટકાયત કરી લેતા સમગ્ર રામોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં ભારે અંજપાભરી પરિસ્થિતિ સર્જાવા પામી હતી.રામોલ પોલીસે પરિસ્થિતિ વણસે નહીં એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.પરેશ પટેલે તેમની ફરીયાદમાં આરોપીઓ તરીકે હાર્દીક પટેલ,નચિકેત મુખી,ગીતાબહેન પટેલ,મહેશ દાઢી,કિરણ પટેલ,પ્રતીક પટેલ,અક્ષય ભોરીયો,વિપુલ પટેલ,કૌશલ પટેલ,નિકુંજ પટેલ,અંકિત પટેલ,રાહુલ પટેલ ઉર્ફે ગાંધી,મિલન સુથાર સહીત અન્યો સામે ફરીયાદ નોંધાવી છે.

 (09:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS