Samachar Gujarat

News of Monday, 20th March, 2017

પવિત્ર યાત્રાધામ વિકાસ અંગે તલસ્પર્શી સમીક્ષા મિટીંગ થઈ

મુખ્યમંત્રીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક થઈઃ રાજ્યના યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવા મુખ્યમંત્રીનું સૂચન :સ્વચ્છતા સફાઈના કામો શરૂ કરાયા

   અમદાવાદ, તા.૨૦ :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના પવિત્ર યાત્રાધામોને સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સુચન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન વિકાસ માટે આ પ્લાન ઉપયુક્ત બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સ્ટેટ લેવલ એક્શન પ્લાન દ્વારા પવિત્ર યાત્રાધામો પૈકીના મોટા યાત્રાધામોમાં સ્થાનિક વિસ્તારના વિકાસકામો, સ્વચ્છતા સફાઈ વગેરે સમાજદાયિત્વ કાર્યોમાં યાત્રાધામ દેવસ્થાન ટ્રસ્ટને મળતા દાન ભંડોળનો પણ સરકારની સહાય ગ્રાન્ટ સાથે વિનિયોગ થાય તે આવકાર્ય છે. વિજય રૂપાણીએ હોલિસ્ટીક એપ્રોચથી સોશ્યલ અને ઈકોનોમીકલ ઈમ્પેકટ માટે આવાં વિકાસકાર્યોથી પ્રેરણા મળશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજયના છ મોટાં યાત્રાધામો સહિત સરકાર હસ્તકના ૨૯૭ જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનો તથા પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ યાત્રા તીર્થધામોને સ્વચ્છ સાફ ચોખ્ખાં રાખવા ૨૪-૭ સ્વચ્છતા સફાઈ કામો સતત હાથ ધરાય અને સ્થાનિક નાગરિકો સહિત યાત્રા પ્રવાસે આવનારા સૌ કોઈને સ્વચ્છ રળિયામણા વાતાવરણની અનુભુતિ થાય તે માટેની કાર્ય યોજના રાજયભરના યાત્રાધામોમાં આગામી તા. ૧૬મી એપ્રિલથી શરૂ થઈ જાય તે માટેના સુચનો કર્યા હતા. રાજયમાં આ વર્ષે યાત્રાધામોના વિકાસ માટે ૧૦૯ કરોડ રૂપિયાની જે ફાળવણી થઈ છે તેના સુચારૂ ઉપયોગ દ્વારા યાત્રાતીર્થ ધામોમાં પ્રાયોરિટી તય કરીને વિકાસના કામો શરૂ કરવા બેઠકમાં ગહન ચર્ચા હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રવાસન આકર્ષણ એવા મોઢેરા સૂર્યમંદિર સહિતના પરિસર ગ્રામીણ ક્ષેત્રને સૌરઊર્જા સંચાલિત કરવાની નેમ દર્શાવતાં ઉમેર્યું કે, સૂર્ય ઊર્જાની પૌરાણિક મહત્તા સાથે આ ધામ જોડાયેલું છે તેને પ્રવર્તમાન સોલાર એનર્જીના પરિપ્રેક્ષ્યમાં ઊજાગર કરવાની પણ જરૂરિયાત છે. આ વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામ તીર્થક્ષેત્રના પ્રવાસમાં ૫૦ ટકા રાહત આપતી ખાસ શ્રવણતીર્થ દર્શન યોજનાની જે જાહેરાત કરી છે તેને પણ યાત્રાધામ વિકાસ બોર્ડ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ત્વરાએ અમલી બનાવે તેવું સુચન કર્યું હતું. રાજયમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાલીતાણા અને ડાકોર એમ છ મોટા યાત્રાધામોમાં યાત્રી સુવિધા વિકાસના કાર્યો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

    

 (08:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS