Samachar Gujarat

News of Monday, 20th March, 2017

ગૌવંશ હત્યા માટે કડક કાયદાનો અમલ કરનાર ગુજરાત દેશભરનું અવ્વલ રાજય

ગૌવંશ સુરક્ષા સાથે ઉચ્ચ ઓલાદ અને નસ્લ સુધારણા માટે ૨૫૦ નંદીઘર શરૂ થશે : પાંજરાપોળ - ગૌશાળા ટ્રસ્ટો ગૌરવ સમાન : વિજયભાઈ રૂપાણીઃ રોજ ભૂંડના ત્રાસથી બચાવવા ખેડૂતોના હિતમાં ૭૫૦ કરોડના ખર્ચે કાંગળી તારની વાડ કરાશે : નંદીઘરો માટે ૮૮ કરોડ ફાળવ્યા

ગૌવંશ હત્યા માટે કડક કાયદાનો અમલ કરનાર ગુજરાત દેશભરનું અવ્વલ રાજય

   રાજકોટ : અમદાવાદ નજીક સાણંદ તાલુકાના ચેખલા વાંસજડા ખાતે આવેલ અધર સાઈડ ખાતે પાંજરાપોળ - ગૌશાળા ટ્રસ્ટીઓનું દ્વિદિવસીય રાજયવ્યાપી સંમેલનને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવતી વેળાએ જણાવેલ કે ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ કરનારૃં ગુજરાત દેશનું અવ્વલ રાજય બનશે તેમણે કહ્યું કે ગૌવંશ-ગાય માતાની રક્ષા સાથે ઉચ્ચ ઓલાદ-નસ્લ સુધારણા માટે રાજયમાં રપ૦ નંદીદ્યર શરૂ થશે. જીવદયા-પ્રાણીમાત્રનું રક્ષણ આપણા સમાજ સંસ્કાર છે.

   ગૌવંશ હત્યા માટે કડક સજાના કાનૂન-દારૂબંધીના ચુસ્ત અમલના કાયદાથી ગુજરાત અહિંસાનું કેન્દ્ર-વ્યસનમુકત રાજય બનશે તેવી શ્રદ્ધા દર્શાવતા વિજયભાઇએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજયના ગૌરવ સમાન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે

   મુખ્યમંત્રીશ્રી અમદાવાદ જિલ્લાના ચેખલા-વાંસજડામાં યોજાયેલા રાજયભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે

   ગુજરાત આ પ્રકારના કડક કાયદાનો અમલ કરનારૃં દેશનું પ્રથમ રાજય બનશે તેમ પણ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાને જે અહેમિયત આપવામાં આવી છે તેને પ્રતિપાદિત કરતાં ગંગા શુધ્ધિકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વેદોના મહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે ગાય માતાના જતન-સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે

   શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ગાયની રક્ષા જ નહિ પરંતુ તેની ઓલાદ-નસ્લ પણ સુધરે અને ગીર, કાંકરેજી ગાય, જાફરાબાદી ભેંસની ઓલાદના વ્યાપ દ્વારા વધુને વધુ દૂધ ઉત્પાદન મેળવી પશુપાલન ઉદ્યોગને, પશુસમૃધ્ધિને નવી ઊંચાઇ આપવી છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, પશુપાલકોની મૂડી સમાન ગૌધનના સંવર્ધન અને નસ્લ સુધારણા માટે રાજયમાં રપ૦ જેટલા નંદીદ્યર શરૂ કરવા રાજય સરકારે ૮૮.૪ર કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, આ ઓલાદ-નસ્લ સુધારણાને પરિણામે આવનારા ૩ વર્ષમાં પશુપાલકની ઓળખ-વ્યાખ્યા તેના પશુ દ્વારા થતા વિપૂલ દૂધ ઉત્પાદનથી થાય તેવી નેમ રાખી છે

   મુખ્યમંત્રીશ્રીએ તેમની સરકારની સંવેદનશીલતાની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગૌચરની જમીન પશુઓ માટે ડેવલપ થાય તેમજ ખેડૂતોના ઊભા પાકને રોઝ-ભૂંડના ત્રાસથી બચાવવા પશુ હત્યા નહિ, ૭પ૦ કરોડના ખર્ચે કાંટાળી તારની વાડ કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયો પણ કર્યા છે.

   શ્રી વિજયભાઇ રૂપાણીએ વાપી અને રાજકોટની પાંજરાપોળ માટે પ્રતિકરૂપે પ્રત્યેકને રૂ. પાંચ લાખના ચેક અર્પણ કર્યા હતા. તેમણે અદ્યતન એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ કર્યો હતો

   પ્રારંભમાં જૈનાચાર્ય શ્રી પ્રેમસુરિશ્વરજી મહારાજ સાહેબે આશીર્વચન પાઠવ્યા હતા.

   મુખ્યમંત્રીશ્રીએ આ સંમેલનના આયોજક શ્રી ગિરીશભાઇ શાહની કેન્દ્ર સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડમાં નિમણુંક થવા અંગે તેમનું સન્માન કર્યુ હતું

   આ પ્રસંગે ગૌસેવા આયોગ અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, અહિંસાધામ, મુંદરા કચ્છના શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ, અહિંસા વિરોધક સંઘ અમદાવાદના એડવોકેટ અરૂણ ઓઝા સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ તેમજ ઉત્ત્ર-મધ્ય-દક્ષિણ ગુજરાતના પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટ સંચાલકો-પદાધિકારીઓ, વિવિધ ધર્મસંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા...

   કચ્છ - મુંદ્રાના પ્રાગપટ ચોકડી ખાતે આવેલ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્રના શ્રી અરવિંદ કતપરાએ વ્યવસ્થા સંભાળેલ.

   જાણીતા ગૌપ્રેમી, ધારાશાસ્ત્રી, અગ્રણી શ્રી અરૂણભાઈ ઓઝા આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

 (09:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS