Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

સરધાર પાસે સુકી સાજડીયાળીમાં મજૂરની ક્રુર હત્યા

હત્યાનો ભોગ બનનાર મધ્ય પ્રદેશનો માંડરીયા (ઉ.૩૨)ને બબ્બે પત્નિઃ બંને સાથે જ રહે છેઃ તેણે અગાઉ કાકાની દિકરીને અને સાળીને પણ ભગાડી હતીઃ તેથી કાકા અને સાળા સાથે માથાકુટ હતીઃ પિત્રાઇ સાથે ઝઘડો થતાં ૧૦ દિ' પહેલા જ પરિવારને લઇ વતનથી સાજડીયાળી રહેવા આવ્યો'તોઃ દિનેશભાઇ ડાભી (ભરવાડ) ની વાડીમાં મજૂરીએ આવ્યો'તોઃ બાજુના ખાટલામાં સુતેલી પત્નિ જાગી જતાં બુકાનીધારી ભાગી ગયોઃ ગળા અને માથામાં કુહાડીના ઘાઃ બે-ત્રણ ડચકા ખાઇ પત્નિની નજર સામે જ દમ તોડી દીધોઃ હત્યારા પરિચીતો જ હોવાની પત્નિએ શંકા દર્શાવીઃ રાત્રે બાર વાગ્યે અવાજ થતાં સંગીતા જાગી ગઇ, એક બુકાનીધારીને ભાગતો જોયોઃ નજર સામે જ પતિએ દમ તોડ્યોઃ બબ્બે પત્નિ ધરાવતાં માંડરીયાએ અગાઉ કાકાની દિકરી અને સાળીને પણ ભગાડી હતીઃ બનેવી અને પિત્રાઇ સાથે પણ ડખ્ખો ચાલતો હતોઃ આમાંથી કોઇએ હત્યા કર્યાની પત્નિ સંગીતાને શંકા

સરધાર પાસે સુકી સાજડીયાળીમાં મજૂરની ક્રુર હત્યા

   રાત્રે ૧૨ના ટકોરે ઢીમ ઢળ્યું: હત્યાનો ભોગ બનનાર માંડરીયા કોળી (ઉ.૩૨)ની ખાટલામાં પડેલી લાશ, વાડીમાં આવેલુ ઝુપડૂ, જ્યાં હત્યા થઇ એ ખાટલાની બાજુમાં જ તેની પત્નિ સંગીતા સુતી હતી તેનો ખાટલો, બનાવ સ્થળે પહોંચેલા એસીપી બી.ડી. જોષી, ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયા, ભકિતરામભાઇ સહિતનો સ્ટાફ તથા હત્યાનો ભોગ બનનારના અન્ય પરિવારજનો અને બાળકો જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાના જી.એન. જાદવે મોકલી હતી. (૧૪.૯)

   રાજકોટ તા.૧૯: સરધાર નજીક આવેલા સુકી સાજડીયાળી ગામમાં ભરવાડની વાડીમાં દસ દિવસ પહેલા જ મધ્યપ્રદેશના ગામમાંથી પરિવારજનો સાથે ખેત મજૂરીએ આવેલા ૩૨ વર્ષના યુવાનને રાત્રીના બારેક વાગ્યે પત્નિના બાજુના ખાટલામાં સુતો હતો ત્યારે  બુકાનીધારી ગળા અને માથા પર કુહાડી જેવા હથીયારના ઘા ઝીંકી ભાગી જતાં અને આ યુવાને પત્નિની નજર સામે જ બે-ત્રણ ડચકા ખાધા બાદ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. બબ્બે પત્નિ ધરાવતાં આ યુવાનને કાકાના દિકરા સાથે, સાળા સાથે તેમજ અન્ય એક કાકા સાથે મનદુઃખ ચાલતું હોઇ તેમાંથી કોઇએ હત્યા કરાવ્યાની શંકા પત્નિએ વ્યકત કરતાં પોલીસે તમામ દિશામાં તપાસ આરંભી છે.

   બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે સુકી સાજડીયાળીના દિનેશભાઇ બોઘાભાઇ ડાભી (ભરવાડ) અને તેની વાડીમાં દસ દિવસ પહેલા જ મજૂરીએ આવેલી સંગીતા માંડરીયાભાઇ બામણીયા (ઉ.૩૦) મોડી રાત્રે આજીડેમ પોલીસ મથકે આવ્યા હતાં અને સંગીતાએ પોલીસ સમક્ષ પોતાના પતિ માંડરીયા કીરગીયાભાઇ બામણીયા (કોળી) (ઉ.૩૨)ની હત્યા થયાની વાત કરતાં ફરજ પરના પી.એસ.ઓ.એ ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયા, ભકિતરામભાઇ, એ.પી. સોલંકી સહિતને વાકેફ કરતાં અધિકારીઓ અને ડી. સ્ટાફની ટીમ પોલીસ મથકે દોડી આવી હતી. એક ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી અને બીજા સ્ટાફે સંગીતાની ફરિયાદ નોંધી હતી.

   સંગીતાએ એફઆઇઆરમાં આરોપી તરીકે કોઇ અજાણ્યો ઇસમ હોવાનું જણાવતાં પોલીસે આઇપીસી ૩૦૨, જીપીએકટ ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંગીતાએ જણાવ્યું છે કે હું મારા પતિ, સાસુ ધનકી, મારા ઘરવાળાના બીજા પત્નિ શેલકી તથા મારો બાળકો સાથે રહુ છું અને ખેત મજૂરી કરુ છું. મારે સંતાનમાં એક દિકરી ચીનુ (ઉ.૮) છે તથા મારા પતિની બીજી ઘરવાળી શેલકીને સંતાનમાં બે પુત્રો અન્લિ કઉ.૧૧), સંજય (ઉ.૮) અને દિકરી ભીની (ઉ.૭) છે. મારા પિતા ચિચલાણાભાઇ એમ.પી.ના અલીરાજપુર જીલ્લાના આંબવા તાબેના તળીયા ફલીયા ગામે રહે છે. અમારું મુળ વતન આંબી ગામ ગોલાસ કુવા ફળીયા તા. આંબવા જીલ અલીરાજપુર એમ.પી. છે. હત્યાનો ભોગ બનનાર મારો પતિ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો.

   અમે દસેક દિવસ પહેલા જ વતનથી સુકી સાજડીયાળી ગામે દિનેશભાઇ ભરવાડની વાડીએ મજૂરી કરવા આવ્યા છીએ. રવિવારે રાત્રે દસેક વાગ્યે અમે બધા જમીને સુઇ ગયા હતાં. હું અને મારો ઘરવાળો માંડરીયા બંને ઝૂપડાની બહાર જુદા-જુદા ખાટલામાં સુતા હતાં. રાત્રીના બારેક વાગ્યે અવાજ થતાં હું જાગી જતાં એક બુકાની બાંધેલા માણસને હાથમાં કુહાડી જેવા હથીયાર સાથે પ્રકાશભાઇ દરબારની વાડી તરફ અંધારામાં ભાગતો જોયો હતો. મેં મારા ધણી તરફ જોતાં તેના ગળામાં જમણી બાજુ અને માથામાં ઘા દેખાયા હતાં. લોહી નીકળતું હતું મેં તેને બોલાવતાં કંઇ બોલ્યો નહોતો. અને બે-ત્રણ હીબકા ભર્યા બાદ બેભાન થઇ ગયો હતો.

   ત્યારબાદ મારા સાસુ ધનકી, પતિની બીજી ઘરવાળી શેલકી તથા બાળકો જાગી ગયા હતાં. વાડી માલિક દિનેશભાઇને જાણ કરતાં અડધા કલાકમાં તેઓ પણ આવી ગયા હતાં. મારો પતિ મરી ગયાનું લાગતાં હું દિનેશભાઇને સાથે લઇને ફરિયાદ કરવા પહોંચી હતી.

   સંગીતાએ હત્યા પાછળ કોનો હાથ હોઇ શકે? તે અંગેની પુછતાછમાં પોલીસને જણાવ્યું હતું કે મારા ઘરવાળાને દસ-બાર દિવસ પહેલા મારા કાકાજી સસરાના છોકરા વેલસીંગ બાલુભાઇ જે અમારા ગામમાં જ રહે છે તેની સાથે ઝઘડો થયો હતો. તે કારણે જ અમે ગામ છોડીને અહિ સાજડીયાળી વાડી વાવવા આવી ગયા હતાં.

   આ ઉપરાંત મારો પતિ મારી બહેન દિતલીને અગાઉ એકાદ વર્ષ પહેલા ભગાડી લાવ્યો હતો. બાદમાં દિતલી તેની મેળે જ જતી રહી હતી. જેથી મારા ભાઇ કેરમ સાથે પણ મારા ધણીને તેની સાથે પણ વાંધો ચાલતો હતો. તેમજ મારા કાકાજી સસરા ભદુની છોકરી સાથે પણ મારા ધણીને લફરૂ હતું. આ કારણે એકાદ વર્ષ પહેલા તેની સાથે પણ ઝઘડો થયો હતો.

   આ ઉપરાંત મારા નણંદ થાયરીબેન જેન્દુભાઇ જે સાગુટા ગામ ગોલાસફુવા ફળીયા તા. આંબવા રહે છે તેના ઘરવાળા જેન્દુ સાથે પણ બે વર્ષ પહેલા ઝઘડો થયો હતો. જેમાં પણ સમાધાન થયું નથી. આમ મારા પતિને આ બધા સાથે વાંધો ચાલતો હતો અને ઝઘડા થયા હતાં. આમાંથી કોઇએ કદાચ મારા પતિને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા નિપજાવ્યાની શંકા છે. હત્યારાએ મોઢે કપડુ બાંધેલુ હતું અને અંધારુ પણ હતું. તેથી હું તેને ઓળખી શકી નથી.

   હત્યાના બનાવની જાણ થતાં એસીપી બી.ડી. જોષી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 (11:54 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS