Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ગુજરાતની 'ખુશ્બુ' પહોંચી પીએમ હાઉસમાં...લાખો મોતીથી નરેન્દ્રભાઈની અદ્ભૂત 'કલાકૃતિ' સર્જવાનું મેળવ્યુ સૌભાગ્ય

રાજકોટની લુહાર પરિણીતાની કલા-કારીગરી નિહાળી ખુદ વડાપ્રધાન થઈ ગયા'તા રાજી-રાજી : ૭ * ૭ ફુટની કલાકૃતિનું વજન ૧૦૦૦ કિલોઃ ગુજરાત કે દેશભરમાંથી કન્ટેનર દ્વારા 'ભેટ' દિલ્હી પહોંચાડવાનો રચ્યો ઈતિહાસ

ગુજરાતની 'ખુશ્બુ' પહોંચી પીએમ હાઉસમાં...લાખો મોતીથી નરેન્દ્રભાઈની અદ્ભૂત 'કલાકૃતિ' સર્જવાનું મેળવ્યુ સૌભાગ્ય

   મનની મક્કમતાથી સફળતમ પરિણામ સુધી પહોંચ્યાની ખુશી...: રાજકોટના ખુશ્બુબેન અને આકાશભાઈ દાવડાએ પરિવાર સાથે સાથે માસુમ બાળકની પણ જવાબદારી સુપેરે નિભાવી પોતાના સપનાને સાકાર કરી આંતરીક શકિતના દર્શન કરાવ્યા છે. ગમે તેવી વિટંબણાઓ વચ્ચે પણ મનની મક્કમતા દાખવી સફળતમ પરિણામ સુધી પહોંચ્યાની ખુશી વ્યકત કરી ખુશ્બુબેને 'અકિલા' કાર્યાલય ખાતે પોતાના હાથથી સર્જેલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અદ્દભૂત કલાકૃતિ અંગે શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ ખુશખુશાલ ચહેરે વિગતો વર્ણવી હતી. અન્ય તસ્વીરોમાં પોતાની જ કલાકૃતિ નિહાળી અભિભૂત થઈ ગયેલા નરેન્દ્રભાઈ મોદી તથા રાજકોટ ખાતે નિહાળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ તથા છેલ્લી તસ્વીરમાં પોતાના અભિયાનને સાકાર કરવા એકાગ્રતાથી મથતા ખુશ્બુબેન દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૯ :. દેશ-દુનિયામાં ખરેખર ઘણી એવી વ્યકિતઓ છે તે પોત પોતાનામાં છૂપાયેલી શકિતઓ જો બહાર લાવે તો ચોતરફ પ્રસંશાને પાત્ર બની જાય...કોઈ વિરતા, તો કોઈ દાતારી કે કોઈ કલા-કારીગરીના પ્રકાશે અલગ સ્થાન ઉભુ કરી લેતા હોય છે. તેવી જ રીતે રાજકોટની લુહાર પરિણીતાએ પણ ગમે તેવા પરિબળો વચ્ચે પણ મક્કમતા દાખવી લાખો મોતીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અદ્દભૂત ૭ * ૭ ફુટની કલાકૃતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા સાથે ગુજરાતની કલારૂપી ખુશ્બુને ખરેખર ખુશ્બુબેન દાવડાએ છેક વડાપ્રધાન હાઉસ સુધી પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓને ગૌરવરૂપ કાર્ય કરી બતાવ્યુ છે.ઙ્ગ

   આ અંગે આજે 'અકિલા' કાર્યાલય ખાતે શ્રીમતિ ખુશ્બુબેન અને તેના પતિ આકાશભાઈ દાવડાએ વિગતો વર્ણવી હતી કે, પહેલેથી જ દેશ માટે કંઈક નવિન કરવાની ભાવના મનમાં હતી, પરંતુ કોઈ એવી રેકોર્ડબ્રેક વસ્તુ બનાવી સમગ્ર દેશને ગૌરવ અપાવવાનું નક્કી કરી લીધુ હતું... પણ કરવું શું? તેવી મથામણ વચ્ચે અંતે પતિ આકાશભાઈ દાવડાને રાત્રે સપનુ આવ્યુ કે કોઈની જો કલાકૃતિ બનાવવી હોય તો માત્રને માત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બનાવી શકાય.

   પત્નિના સપનાને હકીકતમાં પરિવર્તિત કરવા માટે સવારે ઉઠીને આકાશભાઈએ સપનાની વાત કરતા જ ખુશ્બુબેને પણ એક પળનો વિચાર-વિલંબ કર્યા વિના નરેન્દ્રભાઈની કલાકૃતિ બનાવવાનું બીડુ ઝડપી લીધું.... પ્રારંભિક તબક્કે ધાર્યુ થતુ ન હોવાથી નિષ્ફળતા મળી હોવા છતાં પણ હિંમત હાર્યા વિના કે મનમાં કંટાળો લાવ્યા વિના પોતાના અભિયાનને સફળતાનો મીઠો મધુરો સ્વાદ ચખાવવા માટે મન કરી લીધુ મક્કમ...

   જો કે પોતાના ઉપર ઘરના કામકાજની સાથે જ માસુમ પુત્રને પણ સાચવવાની જવાબદારી હોવાથી કલાકૃતિ બનાવવાની શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં ૬ થી ૭ કલાક કામ કરવુ પડતુ હતું... પણ 'ધાર્યુ કરીને જ ઝંપવુ છે' તેવી મક્કમતા સાથે ખુશ્બુબેન આગળ વધતા જતા હોવાથી આગળ જતા દરરોજ ૧૩ થી ૧૪ કલાક સળંગ ગૂંથણ કામમાં મન પરોવી અંદાજે સાડા પાંચથી છ મહિનાની કઠીન મહેનતનો રંગ ખિલી ઉઠયો સોળેકળાએ... રોજેરોજ ઘરના કામકાજની સાથે સાથે બાળકને પણ સાચવવાની બેવડી જવાબદારી નિભાવી અંતે ૬ મહિનાની જહેમત બાદ તૈયાર થયેલી કલાકૃતિ નિહાળી અંતરમાં ખુશીના ઘોડાપુર ઉછળી રહ્યા હોવાનું ખુદ ખુશ્બુબેને જ સ્વીકાર્યુ હતું.

   દરમિયાન 'મોતી મોદી વર્ક'ની કલાકૃતિ અંગે પ્રકાશ પાડતા ખુશ્બુબેન, આકાશભાઈએ ઉમેર્યુ હતુ કે, દેશને સમર્પિત કરેલી વસ્તુમાં નિહાળનાર કોઈ વ્યકિત એક પણ જાતની ભૂલ ન કાઢે તેની તકેદારી રાખી છે. વળી સૌના માનિતા નરેન્દ્રભાઈ મોદીની નજર સૌ દેશવાસીઓ ઉપર હંમેશ માટે રહે તેને ધ્યાને લઈ નકશાની વચ્ચોવચ્ચ નરેન્દ્રભાઈની આકૃતિ મોતીઓથી મઢી છે.

   અત્રે નોંધનીય 'મોતી-મોદી વર્ક'ની કલાકૃતિમાં ખુશ્બુબેનની ૬ મહિનાની કઠોર મહેનત સાથે જ અંદાજીત સાડા પાંચથી ૬ લાખ વિવિધ રંગ-ભાતના મોતીઓનો પણ ઉપયોગ થયો છે. ૧૦૦૦ કિલોનુ વજન ધરાવતી કલાકૃતિને ઉંચકાવી કોઈ એકલ-દોકલ વ્યકિતનું કામ જ નથી. ૨૦ થી ૨૫ માણસોના સાથથી જ ઉંચકવી સંભવ છે.

   નવાઈની વાત એ છે કે, મધ્યમવર્ગીય લુહાર પરિવારે પોતાના માનિતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલાકૃતિને જીવથી પણ વધારે સાચવી હતી. જ્યારે પોતાના ઘેરથી દિલ્હી મોકલવી હતી ત્યારે ક્રેઈન બોલાવી ઘરની છત પણ તોડી નાંખી હતી. કદાચ સૌરાષ્ટ્ર-ગુજરાત કે દેશભરમાંથી કોઈ પ્રશંસક કે કારીગરે પોતાના માનિતા વડાપ્રધાનને ઘેરથી મોકલેલી ચીજ-વસ્તુ ક્રેઈન થકી પીએમ હાઉસ કે ઓફિસમાં પહોંચી હોય તેવો સૌ પ્રથમ બનાવ હોય તો પણ ના નહિ...

   અત્રે નોંધનીય છે કે, હાલ પણ નરેન્દ્રભાઈ મોદીની આ કલાકૃતિ પીએમ હાઉસમાં મુકાયેલી છે.

ગુજરાતની 'ખુશ્બુ' પહોંચી પીએમ હાઉસમાં...લાખો મોતીથી નરેન્દ્રભાઈની અદ્ભૂત 'કલાકૃતિ' સર્જવાનું મેળવ્યુ સૌભાગ્ય

      માનશો...મોદીજીનો ચહેરો બનાવતા જ દોઢ મહિનો લાગ્યો'તો ખુશ્બુબેનને...

      નિવાસ સ્થાને જ ૧૨ થી ૧૩ હજાર લોકોએ નિહાળી'તી કલાકૃતિ

      રાજકોટ :. અત્રેના ગોંડલ રોડ ઉપર જયંત કે.જી. મેઈન રોડ ખાતે વૈદવાડી-૫મા 'ઉષા' મકાન સ્થિત દાવડા પરિવારની પુત્રવધુએ સૌ પરિવાર સાથે સાથે સગા-સંબંધીઓનું માથુ ગર્વથી ઉંચુ થઈ જાય તેવુ કાર્ય કરી બતાવ્યુ છે.

      વાત છે ખુશ્બુબેન આકાશભાઈ દાવડાની કલા-કારીગરીની સગર્ભાવસ્થા દરમિયાન સોપારીના ગણપતિજી બનાવતા હતા ત્યારે મોતીથી મોદીજીના અડધા કદની કલાકૃતિ બનાવવાનું સૂજયું... પતિ સહિત તમામ પરિવારજનોના સાથ-સહયોગ થકી દરરોજની ૧૩ થી ૧૪ કલાકની મહેનત બાદ અંદાજે ૬ મહિનામાં કલાકૃતિને આખરી ઓપ આપી દીધો હતો.

      નવાઈની વાત એ છે કે, ખુશ્બુબેનને મોદીજીનો ચહેરો બનાવતા જ દોઢ માસનો સમય લાગ્યો હતો. છાપણી કામ કર્યા વિના જ મનમાં જ ચિત્રને અંકિત કરી અભિયાનને સફળતા સુધી પહોંચાડયાની પણ અપાર ખુશી વ્યકત કરી હતી.

      અત્રે નોંધનીય છે કે, જ્યારે ખુશ્બુબેનના ઘેર શ્રી મોદીજીની મોતીએ મઢેલી કલાકૃતિ હતી ત્યારે અંદાજે ૧૨ થી ૧૩ હજાર લોકો નિહાળી ચૂકયા છે. જે આવે તેઓ વખાણ કરવાથી થાકતા નહોતા.

      ખુશ્બુબેનને 'ખુશી'નો નથી પાર...કોઇ કલાને પ્રોત્સાહન આપવા આગળ આવશે?

      હવે પછી પ્રમુખ સ્વામી મહારાજ, ધીરૂભાઇ અંબાણી, કોકિલાબેન અંબાણીના ચિત્રો બનાવવાની મહેચ્છા

      રાજકોટઃ શહેર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત, દેશ કે દુનિયાના કોઇપણ ખુણે ઘણા એવા કલાકારો છે, જેની કલાને નિહાળતાજ આશ્ચર્યચકિત થઇ જવાય છે...ઘણી વખત લાખો રૂપિયા ખર્ચતા પણ ન થાય તેવી કલાકૃતિ સામે આવે છે. બસ આવા જ કલાકાર છે વૈદવાડીના ખુશ્બુબેન દાવડા.

      ખુશ્બુબેને મોતી દોરા વડે નરેન્દ્રભાઇ મોદીની અદ્દભુત કલાકૃતિનું સર્જન કરી સૌ કલાકારોને અચંબામાં મુકી તો દીધા જ છે. પણ ખરેખર સમાજના અન્ય લોકોની સાથે સાથે ધનાઢય પરિવારોએ પણ કલાકારોને બિરદાવવા આગળ આવવું જોઇએ.ત્યારે જો કોઇ વ્યકિત પોતાના મનપસંદ ચિત્રો દોરવા કલાકૃતિનું સર્જન કરવા ઇચ્છુક હોય તો તેણે એકવાર ખુશ્બુબેન આકાશભાઇ દાવડાનો ગોંડલ રોડ, જયંત કે.જી.મેઇન રોડ, વૈદવાડી-પ ખાતે 'ઉષા' મકાનમાં સંપર્ક સાધવો. વધુ મહિતી માટે (મો.૯૬ર૪પ પપપપ૪)  અથવા તો www. khushbudavda 44  @ gmail.com ઉપરથી પણ જરૂરી માહીતી મળી શકે છે.

      અત્રે નોંધનીય છે કે, ખુશ્બુ દાવડાને હવે પછી પ્રમુખ સ્વામી મહારાજ, ધીરૂભાઇ અંબાણી, કોકિલાબેન અંબાણી જેવા મહાનુભાવોની કલાકૃતિઓ સર્જવાની મહેચ્છા છે.

      નવાઇની વાત એ છે કે, તેણીએ રાષ્ટ્રીય ગીત 'જન ગણ મને' ને પણ મોતી આર્ટથી મઢયું હોવાથી આવતા ૧૦૦૦ વર્ષ સુધીનું આયુષ્ય તો નકકી જ છે. 

      કોઈ પાસેથી નથી લીધી મદદ... સપનુ પૂર્ણ કરવા 'સિવણ'માંથી મળતી રકમ બચાવી'તી

      રાજકોટ :. અહીંના ખુશ્બુબેન દાવડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલાકૃતિ બનાવીને પોતાનામાં છુપાયેલી શકિતના દર્શન કરાવ્યા જ છે... પરંતુ ખરેખર વખાણવા લાયક કોઈ બાબત હોય તો તે છે ખુશ્બુબેનનું પોતાનું સપનુ કરવાની લગન અને મહેનત.  મધ્યમવર્ગીય પરિવારના ખુશ્બુબેનને પતિ, સાસુ, સસરા સહિતના પરિવારજનોનો સહકાર મળતો હતો, છતા પણ તેણીએ કોઈ પાસેથી હાથ લાંબો કર્યા વિના સિલાઈ મશીન ચલાવી સિવણમાંથી થતી આવક સાથે માવતરમાંથી મળેલી રકમને બચાવી પોતાના સપનાને સાકાર કરી અન્ય નવોદિત કલાકારો માટે પણ રાહ ચીંધી છે.

      માત્ર ૫ મિનિટનો સમય આપ્યા પછી નરેન્દ્રભાઈ એટલા અભિભૂત થઈ ગયા કે અડધી કલાક ફાળવી

      રાજકોટ :. અહીંના ખુશ્બુબેન દાવડાએ પતિ આકાશભાઈ, સાસુ નિર્મળાબેન, સસરા મહેન્દ્રભાઈ દાવડા સહિતના સૌ પરિવારજનોના સાથ-સહકાર બળે તૈયાર કરેલી અદભૂત કલાકૃતિને પીએમ હાઉસમાં પહોંચાડી ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોેતાની વ્યસ્તતા વચ્ચે પ્રારંભે માત્ર પાંચ જ મિનિટનો સમય ફાળવ્યો હતો પરંતુ પોતાની અડધા કદની અવનવા-રંગબેરંગી મોતીઓ વડે મઢેલી ૭ બાય ૭ ફૂટની કલાકૃતિ નિહાળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા...

      પોતાના ગુજરાતની જ યુવતીની કલા-કારીગરી નિહાળી સતત અડટધી કલાક સુધી પ્રારંભથી લઈ અંત સુધીની વિગતો ખુશ્બુબેન અને આકાશભાઈ પાસેથી રસપૂર્વક જાણી હતી.

      કલાકાર દંપતિ માટે ખરેખર ખુશી ત્યારે થઈ જ્યારે ખુદ નરેન્દ્રભાઈ ખુશ્બુબેનને ઉદ્દેશીને બોલી ઉઠયા કે.. ગુજરાતની 'ખુશ્બુ' છેક પીએમ હાઉસમાં પણ પહોંચી ગઈ. સાથે સાથે તેમણે પરિવારને સાચવવા સાથે સાથે નાના ભૂલકા ઉછેર કરતા - કરતા સર્જન કરાયેલી કલાકૃતિના વખાણ કરીએ એટલા ઓછા હોવાનું કહી અભિનંદન પાઠવ્યા તે વેળાએ દાવડા દંપતિ પણ ગદગદીત થઈ ગયા હતા. નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને જીવનના સંભારણારૂપ ગણાવી રહ્યા છે.

      નવાઈની વાત એ છે કે, ખુશ્બુબેનની મહેનત અને કલા-કારીગરીને નિહાળી ખુદ વડાપ્રધાન પણ પોતાની આંખોના ખુણા ભીના કરવાથી રોકી શકયા નહોતા.

      અત્રે નોંધનીય છે કે, કલાકૃતિ ૧૦૦, ૨૦૦, ૫૦૦ નહિ પણ સળંગ ૧૦૦૦ વર્ષ સુધી એવીને એવી રહે તે માટે એન્ટીલોક સિસ્ટમથી ગુંથણ કરાયુ છે. ઓરીજીનલ કોટનના દોરાને પ્રુવ કર્યા બાદ એક મોતીમાંથી ૮ વખત દોરી પસાર થતી હોવાથી એક પણ જગ્યાએ નથી સાંધો... જો ભવિષ્યમાં એકાદ મોતી સરી જાય તો પણ ગુંથણ વિખાય નહિ.

      'ખમીરાઈ' તો જૂઓ...કલાકૃતિના ૫II કરોડ આવતા'તા પણ ચોખ્ખી ના પાડી

      વિજયભાઈ રૂપાણી, અંજલીબેન, પરેશ રાવલ સહિતના અગ્રણીઓએ પણ ખુશી વ્યકત કરી

      રાજકોટ :. અહીંના ખુશ્બુબેન દાવડા દ્વારા સર્જાયેલી કલાના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીની મોતીઓએ મઢેલી કલાકૃતિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, અભિનેતા - સાંસદ પરેશ રાવલ, કોર્પોરેટર હરિભાઈ ડાંગર સહિતના અગ્રણીઓ ખુશી-ખુશી નિહાળી પ્રસન્નતા વ્યકત કરી ચૂકયા છે.

      વિશ્વની મોટામાં મોટી લાખો મોતીઓ અને દોરા વડે ગુંથાયેલી કલાકૃતિ તૈયાર કરવામાં ખુશ્બુબેનના હાથની બે જ આંગણીઓની કરામત છે... અદભૂત કલા-કારીગરી નિહાળી હજારો લોકોએ વાહ-વાહ કરી છે.

      નવાઈની અને ખાસ વાત એ છે કે, કલાકૃતિને તૈયાર કરી દાવડા દંપતિ દેશને સમર્પિત કરવા માંગતા હતા. પોતાની મધ્યમવર્ગીય પરિસ્થિતિ વચ્ચે પણ તેઓએ દેશદાઝ સામે પૈસાને મહત્વ આપ્યુ નથી... ખુશ્બુબેનને એકાદ ધનાઢય વ્યકિત તરફથી સાડા પાંચ કરોડ જેટલી જંગી રકમની ઓફર હોવા છતા પણ તેણીએ ચોખ્ખી ના પાડી દીધી હતી.

      દાવડા દંપતિએ ખુશી ત્યારે વ્યકત કરી જ્યારે વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણીએ દોઢ કલાક કલા-કારીગરીને નિહાળી વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યુ.

      

       

      

      કલાકૃતિની વિશેષતા....

       

      * એકસ્ટ્રા ટફન વ્હાઇટ ગ્લાસથી મઢાઇ

      * ફ્રેમ પણ સર્જીકલ મટીરિયલ્સ એસેસની હોવાથી હજારો વર્ષો સુધી એક પણ ખરોચ નહિ આવે.

      * ૧૧ કલરના અંદાજીત ૬ લાખ મોતીનો ઉપયોગ

      * ૮પ૦ કલાકની જટીલ મહેનત

      * મોનાલીસા પોસ્ટરની અપાઇ ઇફેકટ

      *  ૯પ૦ સોઇનો પણ ઉપયોગ

      * લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS