Samachar Rajkot

News of Monday, 19th June, 2017

વોર્ડ નં.૪ નાં ગુરૂદેવ પાર્કમાં પેવીંગ બ્લોક કામમાં બેદરકારીનાં પોપડા ઉખડયાઃ ભ્રષ્ટાચારની ગંધ : ગાયત્રીબા વાઘેલા

ભુગર્ભ ગટરનાં ચરેડાઓ પર ફીટ કરાયેલ પેવીંગ બ્લોક બે મહીનામાં જ ઉખડી ગ્યાઃ જવાબદારો સામે પગલા લેવા પુર્વ વિપક્ષી નેતા દ્વારા કમિશ્નરને રજુઆત

વોર્ડ નં.૪ નાં ગુરૂદેવ પાર્કમાં પેવીંગ બ્લોક કામમાં બેદરકારીનાં પોપડા ઉખડયાઃ ભ્રષ્ટાચારની ગંધ : ગાયત્રીબા વાઘેલા

   વોર્ડ નં.૪ ના ગુરૂદેવ પાર્કમાં ભુગર્ભ ગટરનાં ચરેડાઓ ઉપર ફીટ કરાયેલા પેવીંગ બ્લોક ઉખડી જતા આ કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી તે વખતની તસ્વીર. અન્ય તસ્વીરમાં પેવીંગ બ્લોક ઉખડી ગયેલા દર્શાય છે.

   રાજકોટ, તા., ૧૯: શહેરનાં વોર્ડ નં. ૪ માં આવેલ ગુરૂદેવ પાર્કમાં ડ્રેનેજ કામના ચરેડા ઉપર થયેલ પેવીંગ બ્લોક કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપો સાથે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ ઉઠાવી હતી.

   આ આવેદનપત્રમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૪ માં કુવાડવા રોડ ઉપર આવેલ ગુરૂદેવ પાર્ક-૧ માં ઘણા વર્ષો સુધી રસ્તાની સુવિધા આપવામાં આવેલ ન હતી. આ રસ્તા પ્રશ્ને સ્થાનીક લોકો દ્વારા બબ્બે વખત કુવાડવા રોડ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને મોટા પાયે લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યાર બાદ અમે સતત આ કામગીરીની પાછળ પડતા આ સોસાયટીમાં ઇન્ટરલોડીંગ પેવીંગ બ્લોક નાખી રસ્તો બનાવવામાં આવ્યો હતો.

   પરંતુ ઉપરોકત વિસ્તારની ડ્રેનેજની લાઇન જે તે સમયે બિલ્ડર દ્વારા નાંખવામાં આવી હોય જેથી પ્રમાણમાં ઘણાં જ નાના પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ લેવલીંગ બરાબર ન હોવાના કારણે વારંવાર ડ્રેનેજની કુંડીઓ ઉભરાવવાની ફરીયાદો આવતી હતી અનેક રજુઆતો બાદ ડ્રેનેજ વિભાગ દ્વારા આ વિસ્તારની ડ્રેનેજની મુખ્ય લાઇન આજથી ત્રણ કે ચાર માસ પહેલા બદલવામાં આવી.

   આ લાઇનની કામગીરી સમયે કરવામાં આવેલા ખાડાઓના ચરેડાઓમાં ત્યાંથી દુર કરાયેલ ઇન્ટર લોડીંગ બ્લોક ફીટ કરવાના હતા. પરંતુ આ વિસ્તારનાં કામગીરીનાં જવાબદાર અધિકારી અને આ કામના જવાબદાર કોન્ટ્રાકટર દ્વારા આ ચરેડાઓમાં પ્રથમ સોલીડ વર્ક ન કરવાના કારણે નજીવા વરસાદે ભ્રષ્ટ કામગીરીની પોલ ખલી નાખી છે. રસ્તામાં ઠેર-ઠેર ગાબડાઓ પડી ગયા છે. જેથી વાહન ચાલકો અને લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે પ્રથમ તાત્કાલીક ધોરણે આ કામગીરી પુર્ણ કરાવી અને આ કામગીરીમાં બેદરકારી દાખવનાર અધિકારી અને કોન્ટ્રાકટર સામે શિક્ષાત્મક પગલાઓ ભરવા અમારી રજુઆત છે.

   આ રજુઆતમાં કોંગ્રેસ આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા, ઠાકરશીભાઇ ગજેરા, કેતનભાઇ ઢોલરીયા, જીતુભાઇ રાઠોડ, વિસ્તારના સ્થાનીક મહિલાઓ કલુબેન કાનગડ, કિરણબેન ગોંડલીયા, ગીતાબેન રાબડીયા, મીનાબેન, પૂજાબેન રૈયાણી, હીનાબેન, ભાનુબેન, શિલ્પાબેન, મધુબેન નયનાબેન, નિમિષાબેન, ગીતાબેન, અરૂણાબેન સહીતના લોકો ઉપસ્થિત રહયા હતા.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS