Samachar Rajkot

News of Monday, 19th June, 2017

વધુ એક યુવાનના ખાતામાંથી બારોબાર ૧૭ હજાર ઉપડી ગયા!: સાયબર ક્રિમીનલનો પડકાર

બેંક અધિકારીના એટીએમ કાર્ડની કોપી કરી ૩૧ હજાર ઉપાડી લેવાયા બાદ બીજો બનાવ : મોટી ટાંકી ચોકમાં દૂકાન ધરાવતાં મયુર જાદવે દિકરીની ધોરણ-૧૦ની ફી ભરવા માટે નાણા ભેગા કર્યા'તા

   રાજકોટ તા.૧૯: એટીએમ કાર્ડ ધારકોને બેંક અધિકારીના નામે ફોન કરી 'તમારું કાર્ડ બંધ થઇ જશે' તેમ કહી એટીએમના નંબર મેળવી લઇ અથવા તો એટીએમમાં જઇ ગ્રાહકનું કાર્ડ મશીનમાં કોઇપણ રીતે ફસાવી દઇ બાદમાં કાર્ડ બદલી લઇ નાણા ઉપાડી લેતી ટોળકી સતત પડકાર ફેંકી રહી છે. સાયબર ક્રાઇમના એક કિસ્સામાં કોઠારીયા રોડ પર સમર્પણ હાઇટ્સમાં રહેતાં અને બેંક ઓફ ઇન્ડિયાની સોરઠીયાવાડી શાખામાં નોકરી કરતાં ગોૈર કનૈયાલાલ ખત્રી (ઉ.૩૦)નું એટીએમ કલોન કરી (ડુપ્લીકેટ બનાવી) તેના ખાતામાંથી રૂ. ૩૧ હજાર ઉપાડી લેવાયાનો કિસ્સો ભકિતનગર પોલીસમાં નોંધાયો છે. ત્યાં બીજા એક બનાવમાં મોટી ટાંકી ચોકમાં નાની એવી દૂકાનમાં બેસી ઝેરોક્ષનું કામ કરી પેટીયું રળતા મયુર કિશોરભાઇ જાદવ સાથે આ રીતે છેતરપીંડી થઇ છે. તેના એકાઉન્ટમાંથી રૂ. ૧૭ હજાર બારોબાર ઉપડી ગયા છે.મયુર જાદવે પોલીસ કમિશ્નર કચેરીના સાયબર સેલમાં અને પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરી જણાવ્યું છે કે હું બેંક ઓફ ઇન્ડિયામાં ખાતા નં. ૩૧૦૩૧૦૧૧૦૦૦૬૮૭૦  પંચનાથ બ્રાંચમાં ધરાવું છું. જેમાંથી તા. ૧૦/૬ના રોજ ૫-૫ હજાર ત્રણ વખત તથા ૨ હજાર સાંજના સમયે ઉપડી ગયા છે. ૫-૫ હજાર ઉપડી ગયાની અમોને બેંક તરફથી મળતાં મેસેજથી કોઇ જાણકારી મળી નહોતી.

   બાદમાં ૨ હજાર ઉપડી ગયાનો મેસેજ મળતાં મેં એટીએમ ખાતે જઇ મીની સ્ટેટમેન્ટમેળવતાં અમારું એટીએમ બ્લોક થઇ ગયાની ખબર પડી હતી. ૧૨/૬ના રોજ બેંકમાં રૂબરૂ જઇ મેનેજરની મળી રજૂઆત કરતાં તેમણે અરજી કરવાનું કહેતાં અરજી આપી હતી. કોણે કઇ રીતે મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા તે તપાસ કરવા પોલીસને લેખિત ફરિયાદ કરી છે. મારી દિકરીની ધોરણ-૧૦ની ફી ભરવાની હોઇ કેટલાક સમયથી હું નાણા ભેગા કરતો હતો. જે બારોબાર કોઇએ ઉપાડી લીધા છે.

   સાયબર ક્રિમીનલો આ રીતે સતત પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પોલીસ અને સાયબર સેલ તાકીદે આવા ગઠીયાઓને શોધી કાઢે તે જરૂરી છે. બેંક અધિકારીના નામે ફોન કર્યા વગર હવે એટીએમ કાર્ડનું કલોનિંગ કરી નાણા ઉઠાવી લેવાની ઘટનાઓ ચોંકાવનારી છે. પોલીસ મુળ સુધી પહોંચે તે જરૂરી બની ગયું છે. અગાઉ પણ આ રીતના બનાવો બની ચુકયા છે. ત્યારે બે દિવસમાં વધુ બે કિસ્સા સામે આવ્યા છે.

 (03:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS