Samachar Rajkot

News of Monday, 19th June, 2017

વિશ્વમાં પ્રથમ રાજકોટમાં 'એકવા યોગા'નો પ્રયોગ

બુધવારે વિશ્વ યોગા દિન નિમિતે ૭૯૨ મહિલાઓ ૪૫ મીનીટ પાણીમાં યોગા કરશે : પ્રાર્થનાથી શરૂઆત અને ઓમ મંત્રથી સમાપન : વડાપ્રધાનના સ્ત્રી સશકિતકરણ અભિયાનને વેગ આપવા મ્યુ. કોર્પો.નું આયોજન : ભાગ લેનાર બહેનોને કોશ્ચ્યુમ, કેપ, સર્ટીફીકેટ અપાશે : ૨૧ મીએ સવારે ૮.૩૦ થી શહેરના ચારેય સ્વામીંગપુલ પુરૂષો માટે પ્રતિબંધિત

વિશ્વમાં પ્રથમ રાજકોટમાં 'એકવા યોગા'નો પ્રયોગ

         રાજકોટ તા. ૧૯ : વિશ્વ યોગા દિવસે વિશ્વભરનું ધ્યાન ખેંચાય તેવું અલાયદુ બહેનોના 'એકવા યોગા'નું આયોજન રાજકોટ ખાતે કરાયુ છે.

         આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અને વોર્ડ નં. ૨ ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવેલ કે વડાપ્રધાનશ્રી દ્વારા સ્ત્રી સશકિતકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે તેને વેગ મળે તેવા હેતુથી રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૨૧ મીએ વિશ્વ યોગા દિવસે મહિલાઓના એકવા યોગાનું આયોજન કરાયુ છે.

         વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને યોગના વિચારો આપતા યુનો દ્વારા ૨૧ જુનને વિશ્વ યોગા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને રાજકોટમાં કઇક નવતર આયોજનના ભાગરૂપે સ્વીમીંગ પુલની અંદર બહેનો દ્વારા યોગા કરાશે.

         ૨૧ મીના બુધવારે સવારે ૮.૩૦ વાગ્યે શહેરના ચારેય સ્વીમીંગ પુલો પર બહેનો દ્વારા એકવા યોગા કરાશે. પ્રાર્થનાથી શરૂ કરી ૪૫ મીનીટના યોગા કરાયા બાદ ઓમ મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન કરાશે.

         આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન શરૂ કરાતા બહેનોએ ઉત્સાહભેર નામો નોંધાવેલ છે. અલગ અલગ છ ઝોનમાં આયોજીત આ એકવા યોગામાં ૭૯ર બહેનો ભાગ લેશે. સતત ૪૫ મીનીટ પાણીની અંદર યોગા કરી વિશ્વનું ધ્યાન ખેંચશે. આ એકવા યોગાની ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાશે.

         રજીસ્ટ્રેશનથી લઇને તમામ કાર્યક્રમો માટે શ્રીમતી વંદનાબેન નીતિનભાઇ ભારદ્વાજ અને ઇન્ટરનેશનલ યોગ ટીચર ભારતીબેન મોણપરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.

         ૨૧ મીએ શહેરના મહાનગરપાલીકા હસ્તકના લોકમાન્ય તીલક સ્નાનાગાર રેસકોર્ષ, મહર્ષિ દયાનંદ સ્નાનાગાર કાલાવડરોડ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, પેડકરોડના છેડે આવેલ સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પર સવારે ૮.૩૦ થી બહેનોના યોગા શરૂ  થનાર હોય આ વિસ્તારોને પુરૂષો માટે પ્રતિબંધ કરાશે. જયારે બહેનોને યોગા નિહાળવા પ્રવેશ અપાશે.

         સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર (મો.૯૮૭૯૮ ૦૦૦૦૧), વંદનાબેન નીતિનભાઇ ભારદ્વાજ, અલ્પાબેન શેઠ, આરતીબેન માંડલીયા, ભારતીબેન મોણપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

         ભાગ લેનાર તમામ બહેનોને મહાનગરપાલીકા દ્વારા સ્વીમીંગ કોશ્ચ્યુમ, કેપ અને સર્ટીફીકેટ અપાશે.

         તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયમીનભાઇ ઠાકર, વંદનાબેન ભારદ્વાજ, ભારતીબેન મોણપરા, આરતી માંડલીયા, અલ્પા શેઠ (એડવોકેટ)૪ ભગવતી સંખારવા, ભારતીબેન વસાણી, ભદ્રાબેન દેસાઇ, ગીરાબેન દેસાઇ, સચી પુજારા, વિભાબેન પુજારા, મનાંશુ માંડવીયા, ત્વીસા પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

          

વિશ્વમાં પ્રથમ રાજકોટમાં 'એકવા યોગા'નો પ્રયોગ

            વંદનાબેન ભારદ્વાજ અને તેમની ટીમની સતત દોઢ મહીનાની  જહેમત રંગ લાવશે

            રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલીકા દ્વારા વિશ્વ યોગા દિવસ નિમિતે બહેનો માટેના 'એકવા યોગા' નો કાર્યક્રમ જાહેર કરાતા શ્રીમતી વંદનાબેન નીતિનભાઇ ભારદ્વાજ અને યોગામાં ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ભારતીબેન મોણપરાના માર્ગદર્શન હેઠળ બહેનોના રજીસ્ટ્રેશનથી માંડીને સ્પર્ધકોને સુવિધા પુરી પાડવાની સમગ્ર વ્યવસ્થા માટેની જવાબદારી ઉપાડી લેવાઇ હતી.  તેમની ટીમે સતત દોઢ માસ મહેનત ઉઠાવી નામ નોંધણી સહીતની કામગીરી આદરી હતી. જેને જબ્બર પ્રતિસાદ મળતા ૭૯૨ બહેનોએ 'એકવા યોગા' માં ભાગ લીધો છે. બધુવારે શહેરના સ્નાનાગારો પર આ બહેનો દ્વારા પાણીમાં યોગા કરી કરતબો દર્શાવાશે.  એકવા યોગા નિહાળવા રસ ધરાવતા બહેનોને પ્રવેશ અપાશે. જયારે પુરૂષો માટે પ્રવેશ પ્રતિબંધીત રહેશે તેમ જણાવેલ છે.

            ૬ વર્ષની બાળકીથી માંડીને ૮૨ વર્ષના વૃધ્ધા ભાગ લઇ રહ્યા છે

            રાજકોટ : બુધવારે વિશ્વ યોગા દિવસે રાજકોટના સ્નાનાગારોમાં બહેનોના 'એકવા યોગા' નું આયોજન કરાયુ છે. જેમાં ૬ વર્ષની સચી જે. પુજારાથી માંડીને ૮૨ વર્ષના ભદ્રાબેન દેસાઇ ભાગ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  સૌથી નાની વયની સચી સ્વમીંગમાં ભારે કાબેલીયત ધરાવે છે. એજ રીતે સૌથી મોટી વયના ભદ્રાબેન દેસાઇ પણ આ એકવા યોગામાં પોતાની ત્રણ પેઢી સાથે ભાગ લેશે. તેઓ તેમજ તેમના પુત્રવધુ અને તેમની પુત્રી પણ ઉત્સાહભેર સ્નાનાગરમાં યોજાયેલ સમુહ યોગામાં ભાગ લેઇ રહ્યા છે.  (૧૬.૩)

 (02:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS