Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ગાંધીગ્રામ સંતોષ પાર્કમાં લોહાણા યુવાનને તેના જ માતા - બહેનો - બનેવીએ મરવા મજબૂર કર્યા'તા!

ત્રાસને કારણે અગાઉ જયેશભાઇ ખીલોસીયા મોઝામ્બીક (સાઉથ આફ્રિકા) રહેવા જતા રહ્યા'તાઃ એકાદ વર્ષ પહેલા પરત આવ્યા'તાઃ પ્રોપર્ટી વેંચી પોતાને ભાગ આપી દેવા બધા દબાણ કરતા'તાઃ છૂટાછેડા લઇ ચુકેલા પત્નિ શિતલ હીન્ડોચાની ફરિયાદ પરથી ગુનો નોંધાયોઃ યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનારના બે બહેનો અને બે બનેવીની ધરપકડ કરી

   રાજકોટ તા.૧૯: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્કમાં રહેતાં અને એક વર્ષ પહેલા જ મોઝામ્બીક (સાઉથ આફ્રિકા)થી પરત આવેલા જયેશભાઇ મણીલાલ ખીલોસીયા (ઉ.૪૧) નામના લોહાણા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં ચોંકાવનારી વિગતો ખુલી છે. સ્યુસાઇડ નોટ અને છૂટાછેડા લઇ ચુકેલા પત્નિની ફરિયાદ પરથી પોલીસે આપઘાત કરનારના માતા-બહેનો અને બનેવીઓ સામે ગુનો નોંધી બે બહેનો તથા બે બનેવીની ધરપકડ કરી લીધી છે. આ તમામે જયેશભાઇને તેની પ્રોપર્ટી વેંચી નાંખી પોતાને નાણા આપી દેવા માટે દબાણ કરતાં તે ત્રાસથી કંટાળી મોત મેળવવા મજબૂર થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

   પોલીસે ઉનામાં બ્લડ બેંકની બાજુમાં શ્રીજી પાર્કમાં રહેતાં આપઘાત કરનાર જયેશભાઇના છૂટાછેડા લઇ ચુકેલા પત્નિ શિતલબેન ભરતકુમાર હિંડોચા (લોહાણા) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જયેશભાઇના માતા મંજુલાબેન મણીલાલ ખીલોસીયા (રહે. વલસાડ), બહેનો લીનાબેન જીજ્ઞેશ લાખાણી (રહે. મોઝામ્બીક દ. આફ્રિકા-હાલ વલસાડ), બનેવી જજ્ઞેશ લાખાણી (મોઝામ્બીક), પન્નાબેન નિતીન પટેલ (રહે. વલસાડ), નમ્રતાબેન સેહુલ પટેલ (રહે. વલસાડ) તથા બનેવી સેહુલ પટેલ (રહે. વલસાડ) સામે   આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

   શિતલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન પંદર વર્ષ પહેલા વલસાડના વતની મણીલાલ મગનલાલ ખીલોસીયાના પુત્ર જયેશ સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર ક્રિશ (ઉ.૧૪) તથા દિકરી ક્રિષા (ઉ.૧૦) છે. મારા પતિ અગાઉ વલસાડમાં માર્કેટ યાર્ડમાં ભવાની ફ્રુટ કંપની નામે પેઢી ધરાવતાં હતાં. યાર્ડમાં ત્રણ દુકાન પૈકી એક દુકાન મારા સસરાના નામની હતી અને બે દકુાન મારા પતિના નામની હતી. તેમજ મારા પતિ જયેશે વલસાડની બાજુમાં આવેલ તીથલ ગામમાં શકિતનગર ગુ.હા. બોર્ડમાં ૪ પ્લોટ પોતાના પૈસાથી ખરીદ કર્યા હતાં. જેમાં બે પ્લોટ મારા સાસુ-સસરાના નામે ખરીદ કર્યા છે. બે પ્લોટ તેના નામના છે. આ ઉપરાંત વલસાડમાં અમે જે મકાનમાં રહેતાં તે મકાન મારા પતિએ તેની કમાણીમાંથી તેના પિતાજીના નામે ખરીદી હતી. મારે પાંચ નણંદો છે. જેમાં લીનાબેન, નિશાબેન, પન્નાબેન, નમ્રતાબેન અને જાગૃતિબેન છે. જેમાં જાગૃતિબેન અવસાન પામ્યા છે.

   નિશાબેન સિવાયની નણંદો અવાર-નવાર મને શારીરિક માનસિક ત્રાસ આપતી હતી. મારા સાસુ મંજુલાબેન પણ મારી સાથે કારણ વગર ઝઘડા કરી હેરાન કરતાં હતાં. આજથી ૧૧ વર્ષ પહેલા મારા સસરા મણીલાલનું અવસાન થયેલ. ત્યરબાદ મારી નણંદ લીનાબેનના લગ્ન જીજ્ઞેશ લાખાણી સાથે થયેલ. જે મોઝામ્બીક રહે છે. ત્યરાબાદ નમ્રતાએ સેહુલ પટેલ સાથે અને પન્નાએ નિતીન પટેલ સાથે લવમેરેજ કર્યા હતાં. મારા સાસુ અને નણંદો લીના, પન્ના અને નમ્રતાબેને બાદમાં એકસંપ કરીમારા પતિને તેની પ્રોપર્ટી વેંચી દઇ પોતાને ભાગ આપી દેવા દબાણ શરૂ કર્યુ હતું. જો કે આ પ્રોપર્ટી મારા પતિએ તેની કમાણીમાંથી ખરીદી હતી. તેથી આ કોઇને કોઇ હીસ્સો આપવાનો નહોતો.

   આમ છતાં આ બધા મારા પતિને ખુબ હેરાન કરતાં હતાં. દસેક વર્ષ પહેલા મારા પતિ શેરબજારમાં ઘણા બધા હારી ગયા હતાં. છતાં તેઓ પોતાનો ધંધો કરતાં હતાં. મારા સાસુ-નણંદ-નણદોયાઓ પ્રોપર્ટી વેંચી નાંખવા દબાબણ કરતાં હોઇ જેથી કંટાળીને મારા પતિ મોઝામ્બીક જતાં રહ્યા હતાં. ત્યારબાદ મારા સાસુએ મારા પિતાજીને કહેલ કે તમારી દિકરીને અમારા ભેગી રાખવી હોય તો તમારે ખાધાખોરાકીના ૧૫ હજાર દર મહિને મોકલવા પડશે. ત્યારબાદ મોઝામ્બીક રહેતાં મારા નણંદ લીના જીજ્ઞેશ અને વલસાડ રહેતી નણંદો તથા મારા સાસુએ ફરીથી મારા પતિને પ્રોપર્ટી વેંચી નાંખી ભાગ આપી દેવા દબાણ શરૂ કર્યુ હતું. હું પણ કંટાળીને માવતરે જતી રહી હતી અને છુટાછેડાનો કેસ કરતાં કોર્ટએ એકતરફી કેસ ચલાવી છુટાછેડા આપી દીધા હતાં. મારા સાસુ મારા દિકરા ક્રિશને બળજબરીથી તેની સાથે લઇ ગયા હતાં.

   ફરિયાદમાં શિતલબેને આગળ જણાવ્યું છે કે હું મારા માવતરે હતી ત્યારે મારા પતિના અવાર-નવાર મારા પર ફોન આવતાં હતાં અને બધાના ત્રાસની વાત કરતાં હતાં. ેએકાદ વર્ષ પહેલા તે મોઝામ્બીકથી પરત આવેલ અને મને રૂબરૂ મળી ફરીથી સાથે જીવન ગુજારવાની વાત કરી હતી. પણ થોડી આર્થિક સ્થિતી સારી થઇ જાય ત્યારપછી પોતે તેડીજશે તેવી વાત કરી હતી. જેથી મેં પણ ફરી લગ્નજીવન શરૂ કરવાની હા પાડી હતી. ત્યારબાદ મારા પતિ રાજકોટ ગાંધીગ્રામ સંતોષપાર્કમાં રહેતાં હતાં. શનિવારે ૧૮/૬ના મારી નણંદ લીનાબેને ફોન કરીને મને જાણ કરેલ કે તારા પતિ જયેશે આત્મહત્યા કરી લીધી છે. આથી મેં રાજકોટ આવી તપાસ કરી હતી. પતિએ મરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, તે અક્ષર તેના જ હોઇ અને તેમાં જે કોઇના નામ છે તે બધાએ તેને મરી જવા મજબુર કર્યા હોઇ તે કારણે તમામ સામે મેં ફરિયાદ નોંધાવી છે.

   પી.આઇ. કે. કે. ઝાલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ.ડી. વિઠ્ઠલાપરા, રાઇટર પદુભા સહિતના સ્ટાફે મૃતકના બહેન નમ્રતા સેહુલ પટેલ (ઉ.૩૪), બનેવી સુહેલ રમેશભાઇ પટેલ (ઉ.૩૬-રહે. વલસાડ, મોઘરાવાડી પાસે સોનપર રેલ્વે નાલા નજીક), લીનાબેન જીજ્ઞેશ લાખાણી (ઉ.૪૦-રહે. મુળ મોઝામ્બીકા, હાલ વલસાડ, માનસીનગર), જીજ્ઞેશ મથુરદાસ લાખાણી (ઉ.૫૩-રહે. વલસાડ)ની ધરપકડ કરી લીધી છે. (૧૪.૧૦)

 (12:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS