Samachar Rajkot

News of Monday, 19th June, 2017

જીએસટીના વિરોધમાં રાજકોટ - અમદાવાદની ફર્નીચર બજારો સજ્જડ બંધ

ફર્નીચર ઉદ્યોગમાં સરકારે ૨૮ ટકા ટેકસ નાખેલ છે જે વેપાર ઉદ્યોગોને ખતમ કરી નાખશે : ગુજરાતમાં ફર્નીચર એસોસીએશનને રાજકોટ ફર્નીચર એસોસીએશનનો ટેકો : અમદાવાદમાં મીટીંગ ચાલુ

જીએસટીના વિરોધમાં રાજકોટ - અમદાવાદની ફર્નીચર બજારો સજ્જડ બંધ

      જીએસટીના વિરોધમાં રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલી ફર્નીચર બજાર સજ્જડ બંધ છે. તે જોઈ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

      રાજકોટ, તા. ૧૯ : રાજય સરકાર દ્વારા જીએસટીના અમલને વેપારી આલમ વિરોધ કરી રહ્યો છે. ગત અઠવાડીયે હાર્ડવેરના વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરી બંધ પાડી કલેકટરશ્રીને આવેદન પાઠવવામાં આવેલ ત્યારે આજે રાજયની ફર્નીચર બજારોએ બંધ પાડી જીએસટીના અમલનો વિરોધ કર્યો છે.

      રાજકોટ ફર્નીચર એસોસીએશનના પ્રમુખ ધીરૂભાઈ વીરડીયા, સેક્રેટરી મનુભાઈ મારૂ, ઉપપ્રમુખ ઉમેશભાઈ રંડાણી, જોઈન્ટ સેક્રેટરી હેમલભાઈ ગાંધી સહિતના આગેવાનોએ જણાવ્યુ છે કે સમગ્ર ગુજરાતના ફર્નીચર અને મેન્યુફેકચર એસોસીએશન દ્વારા આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ફર્નીચર એસોસીએશનના ડિલરો અને ઉત્પાદકોએ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. રાજકોટના ઢેબર રોડની ફર્નીચર બજારોએ ગુજરાતના ફર્નીચર એસોસીએશનને ટેકો જાહેર કરી સંપૂર્ણ અને સજ્જડ બંધ રાખ્યો છે.

      અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ફર્નીચરના શોરૂમ અને ઉત્પાદકો ૧૦૦૦ જેટલા છે જયારે રાજકોટમાં ફર્નીચરના ૧૦૦ થી વધુ શોરૂમો અને ૨૦૦ જેટલા કારખાનાઓ આવેલા છે. તાજેતરમાં રાજકોટ ફર્નીચર એસોસીએશનની જીએસટી મામલે એક મીટીંગ મળી હતી. જેમાં ફર્નીચર ઉપર ૨૮ ટકા જાહેર કરેલ છે. જેનો સમગ્ર વેપારીઓએ એક સૂર વ્યકત કરી વિરોધ વ્યકત કર્યો છે. ૨૮ ટકા જેટલા જીએસટીના પગલે વેપાર ઉદ્યોગ ખતમ થઈ જશે.

      વેપારીઓએ એવો સૂર વ્યકત કર્યો હતો કે ફર્નીચર એ કોઈ લકઝરીયસ આઈટમ નથી આ તો કુંવરબાઈનું મામેરૂ કહેવાય. રાજકોટ શહેરમાં ફર્નીચરના જે કારખાના છે તે કારીગરો જાતે જ કામ કરીને ફર્નીચર બનાવતા હોય છે. આ અગાઉ પણ ટેકસ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને સરકારશ્રી દ્વારા રાહત પણ આપવામાં આવી હતી. અત્યારે ફર્નીચરમાં ખુરશી, પલંગ, કબાટ એ એક વ્યવહાર થઈ ગયો છે અને નાના માણસો ખરીદી કરીને દિકરીને કરીયાવરમાં આપે છે. જે લકઝરી ફર્નીચર મોટા માણસો પોતાનું મકાન બંગલા બનાવીને પોતે મોટા ઈન્ટીરીયર રાખી અને ત્યા જ બનાવી લેતા હોય છે. જે ફર્નીચર બજારમાં ખરીદી કરવા આવતા હોય આ નિર્ણયનો સખત વિરોધ કરી આજરોજ એસોસીએશન દ્વારા બંધનું જાહેર કરવામાં આવ્યુ છે.

      સુરેન્દ્રનગર :  શહેરમાં જી.એસ.ટી.ના વિરોધમાં શહેરની તમામે તમામ ફર્નીચરની દુકાનો શો રૂમ જડબેસલાક બંધ રાખવામાં આવ્યા છે. અને જી.એસ.ટી.ના સુરેન્દ્રનગર શહેરમાં ફર્નીચરના વેપારીઓ દ્વારા જબ્બરજસ્તી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના ફર્નીચરના મોટામાં મોટા મોલ પણ જી.એસ.ટી.નો વિરોધ દર્શાવી આજે બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે.

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS