Samachar Rajkot

News of Monday, 19th June, 2017

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ બ્રહ્મલીન

રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં અધ્યક્ષ રહી ચુકેલ : દેશ વિદેશમાં વેદાંતનો સંદેશ પ્રસરાવેલ

   રાજકોટ તા.૧૯ : રામકૃષ્ણ મઠ અને મિશનના પંદરમાં પરમાધ્યક્ષ શ્રીમત્ પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૯૮ વર્ષની ઉમરે રવિવાર ૧૮ જુનના સાંજે ૫:૩૦ કલાકે રામકૃષ્ણ મિશન, સેવાપ્રતિષ્ઠાન હોસ્પિટલ, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫થી તેઓ આ હોસ્પીટલમાં વૃધ્ધાવસ્થાની માંદગીની સારવાર લેતા હતાં. એમના અગ્નિસંસ્કારની વિધિ સોમવાર ૧૮ જુન ૨૦૧૭ના રોજ બેલુર મઠ, કોલકતામાં સવારે ૯:૩૦ કલાકે કરાઇ હતી. એમના અંતિમ દર્શનાર્થે બેલુર મઠના દરવાજા બે દિવસ ૨૪ કલાક માટે ખુલ્લા રખાયા હતાં.

   તેઓશ્રી ૨૨ મે, ૧૯૯૭થી ઉપાધ્યક્ષ રૂપે રામકૃષ્ણ સંઘને સેવાઓ આપતા હતાં. ૩ ડિસેમ્બર, ૨૦૦૭થી ૧૮ જુન ૨૦૧૭ સુધી તેમણે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ રૂપે પોતાની સેવાઓ આપી છે અને હજારો ભાવિકજનોને મંત્રદીક્ષા આપી હતી. એમનો જન્મ ૧૯૧૯માં બાંગ્લાદેશમાં થયો હતો.

   એમણે રામકૃષ્ણ દેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે દીક્ષા લીધી અને તેઓ બેલુર મઠમાં ૩ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ ૨૨ વર્ષની ઉંમરે સંન્યાસી થવા દાખલ થયા. તેમણે બેલુર મઠમાં અને દેવઘર વિદ્યાપીઠ, માયાવતી અદ્વૈત આશ્રમ, શ્યામલાતલ, રાંચી ટીબી સેનેટોરિયમ, રંગુન (ર્યાંગુન)ના સેવાશ્રમમાં સેવાઓ આપી હતી.

   ૧૯૬૬માં તેમને રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં અધ્યક્ષસ્થાને નીમવામાં આવ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના સંદેશને સમગ્ર ગુજરાતમાં પ્રસરાવ્યો અને ગુજરાતના બુદ્ધિપ્રધાન, ભદ્રલોકો અને સમાન્યજનો પર ઘણો પ્રભાવ પાડ્યો હતો. એમની રાહબરી હેઠળ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટને શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનું નજરાણું મળ્યું.

   ૧૯૭૩માં તેમને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, ૧૯૭૫માં તેઓ રામકૃષ્ણ સંઘના મદદનીશ સચીવ, ૧૯૯૨માં તેઓશ્રી મઠ-મિશનના જનરલ સેક્રેટરી બન્યા અને ૧૯૯૭માં તેઓ સંઘના ઉપાધ્યક્ષ બન્યા.

   યુ.એસ.એ., કેનેડા, જાપાન અને સિંગાપુર, મલેશિયા, ફિઝી, શ્રીલંકા અને બાંગ્લાદેશ આ બધાં સ્થળોએ એમણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને વેદાંતના સંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો અને આધ્યાત્મિક જીજ્ઞાસુઓને મંત્રદીક્ષા પણ આપી હતી.

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS