vividh-vibhag

News of Monday, 19th June, 2017

સરકારી મહેમાન

JNV: સોશ્યલ મિડીયાની ‘વ્યાસપીઠ’ પર કોઇ પોલિટીશ્યન કે ટેકનોક્રેટ નહીં, ચિંતક બેઠાં છે

એન્જીનિયર નહીં બેઝિક સાયન્સ ભણી પ્રોફેસર બનો, દેશને તેની ખૂબ જરૂર છે : મહાભારત અને મિત્રતા- એક નવો અધ્યાય જયનારાયણ વ્યાસે શરૂ કર્યો છે : વ્યવસાય કરવો છે તો ભજીયાની લારી કરો, એક વર્ષમાં મર્સિડીઝ તમારી હશે

JNV: સોશ્યલ મિડીયાની ‘વ્યાસપીઠ’ પર કોઇ પોલિટીશ્યન કે ટેકનોક્રેટ નહીં, ચિંતક બેઠાં છે

       પ્રારબ્ધ માટે એવું કહેવાય છે કે -
      અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,
      ના માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે !
      જીવનમાં સુખી થવું હોય તો પુરુષાર્થ જોઇશે
      પણ નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેવા

      જેવું સુખ બીજું એકેય નથી…”

      જિંદગી મજાની છે. હસતા રહો, હસાવતા રહો અને એની મજા લેતા લેતા ખૂશખૂશાલ બનીને જીવતા રહો. કવિ ભાનુશંકર વ્યાસ બાદરાયણબહુ સ્પષ્ટ સલાહ આપે છે કે, જે સમય વહી જાય છે એ પાછો આવતો નથી. સમયની એકે એક ક્ષણ અગત્યની છે અને હસવું તેમજ હસાવવું એ જ જિંદગી છે…

      જયનારાયણ વ્યાસ- એક એવી પ્રતિભા છે કે જે ઓલ રાઉન્ડર છે. ભાજપમાં સૌથી વધુ અભ્યાસી એવા આ બ્રાહ્મણ વ્યક્તિ પોલિટીશ્યન ઓછા બ્યુરોક્રેટ વધુ છે. સોશ્યલ નેટવર્ક ફેસબુક અને યુ-ટ્યુબમાં પ્રવચનો મૂકીને હજારો ફેન્ડ્સ બનાવનારા જયનારાયણ વ્યાસ મહાભારતના પાત્રોમાંથી મિત્રતા શોધીને એક અવિસ્મરણિય ગ્રંથ બનાવે છે. તેઓ તેમની બાયોગ્રાફી પણ લખે છે. બચપન થી પચપન અને અત્યાર સુધીની જીવન સફર તેમણે તેમાં વણી લીધી છે. તેમણે તેમની ઉંમર કરતાં વધુ એટલે કે 89 વિડીયો સોશ્યલ સાઇટ્સ પર મૂક્યા છે. સોશ્યલ મિડીયામાં તેમણે તેમનું ટૂંકુ નામ જેએનવી રાખ્યું છે. આ મહાનુભાવ સાથે થયેલા કેટલાક ટેલિફોનિક સંવાદનો નિચોડ કંઇક આવો છે...

      કોઇ વિષય એવો નથી કે જે તેમને પચ્યો નથી...

      દેશની કે વિશ્વનું અર્થશાસ્ત્ર, ઉદ્યોગ, વાણિજ્ય, ખેતીવાડી, પ્રોજેક્ટ નિર્માણ, આરોગ્ય ઉપરાંત સમાજમાં જેટલા વિષયો છે તે બઘાં વિષયો પર કલાકો સુધી પ્રવચન કરી શકે છે. હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ તેમનું જ્ઞાન લોકોને પિરસી રહ્યાં છે. હંમેશા નિજાનંદમાં રહેતા જયનારાયણ વ્યાસને હવે સોશ્યલ ફેન્ડ્સ વ્યાસજીના હુલામણા નામથી બોલાવે છે. દર શુક્રવારે તેઓ ફેસબુક પર લાઇવ પ્રસારણ કરે છે. કરન્ટ ટોપિક એ તેમનો રસનો વિષય છે. ખેડૂતો કે બાળકોને ડીપ્રેશન હોય તો જયનારાયણ વ્યાસનો તેમણે અવશ્ય સંપર્ક કરવો જોઇએ. સરકારમાં કેબિનેટ મંત્રી હતા ત્યારે તેમણે તેમની ઓફિસમાં એક એવી સિસ્ટમ ગોઠવી હતી કે અરજદાર કે ફરિયાદીને તેનું સોલ્યુશન ટાઇમ પ્રમાણે મળી જતું હતું. કોઇ કામ લઇને આવેલા મુલાકાતીને ખબર પડતી કે તેનું કામ આટલા સમયમાં પૂર્ણ થઇ જશે અને તે પણ કારણ સાથે. આ સિસ્ટમને તેઓ ઓપીડી કહેતા હતા.

      ઘંઘો કરવો છે તો ભજીયાની લારી કરો...

      જયનારાયણ વ્યાસ ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે તેમને કોઇ પત્રકારે એવું પૂછ્યું કે- સાહેબ હવે જર્નાલિઝમ કરવું નથી, મને કોઇ એવો વ્યવસાય બતાવો કે મારી આમદાની આ ફિલ્ડ કરતાં વધી શકે. તેમણે પત્રકાર મિત્રને કહ્યું કે ભજીયાની લારી ખોલી નાંખો... એ પત્રકાર હસ્યા અને કહ્યું સાહેબ એવા દિવસો આવ્યા નથી હજી... તેમણે તુરત જ કહ્યું- મિત્ર- બજારમાં 25 જાતના ભજીયાં મળે છે. હું માત્ર મેથીના ભજીયાની વાત કરતો નથી. ગુજરાતી લોકોને નવું નવું ટેસ્ટ કરવાની ઇચ્છા હોય છે. બઘાં શાકભાજીના ભજીયા બનાવો અને ખૂબ કમાઓ.. આ એક એવો વ્યવસાય છે કે જેનાથી તમે એક વર્ષમાં મર્સિડીઝ જેવી ગાડી ફેરવતા હશો... આવી સલાહ બીજું કોઇ આપી શકે નહીં...

      મહાભારત અને મેત્રી- એક નવું અચરજ...

      વ્યાસજી ફેસબુક પર પોતાની બાયોગ્રાફી લખી રહ્યાં છે. તેમણે તેમના જીવનના 200 એપિસોડ તૈયાર કર્યા છે. તેઓ મહાભારત અને મૈત્રીનો અભ્યાસ કરી શ્રીકૃષ્ણ-અર્જુન, દુર્યોધન-કર્ણ શ્રીકૃષ્ણ અને સુદામા અને શ્રીકૃષ્ણ-દ્રૌપદી જેવા વિવિધ પાત્રો વચ્ચેની મૈત્રી કેવી હોય છે તેનું નિરૂપણ કરી રહ્યાં છે. નવું કરવીની તેમની તમન્ના રાજકારણમાં પણ હતી અને સમાજ જીવનમાં પણ છે. તેમનું સાકેત હાઉસ હવે માત્ર ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ બનાવતું નથી પરંતુ સોશ્યલ મિડીયાનો એક ખજાનો બની ગયું છે. તેમણે સાકેતને સ્ટુડિયોમાં પરાવર્તિત કરી દીધું છે. વ્યાસજીની ગાદીમાં મહાભારત અત્યારે ટોચપર છે. મિત્રતા કોને કહેવાય અને મહાભારતમાં કોની કેવી મિત્રતા હતી તેનું અદ્દભૂત નિરૂપણ તેઓ કરી રહ્યાં છે.

      ગાંધીયન થોટ પર પણ એપિસોડ...

      વ્યાસજીએ ગાંધીજીના જીવનચરિત્ર્ય પર પણ કેટલાક થોટ્સ વૈશ્વવ જન તો ... સાથે સોશ્યલ સાઇટ્સ પર મૂક્યાં છે. તેઓ કહે છે કે ગાંધીજીના 11 વ્રત હતા જે પૈકી માત્ર નવ વ્રત ગ્રહણ કરે તેનો બેડો પાર થઇ જાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ગાંધીજીની પ્રાર્થના ખૂબ અસર કરી જાય છે. અંગ્રેજીમાં 15 મિનિટની તેમણે ફિલ્મ બનાવી છે. તેમણે ભગવાન ગણેશજીના પાત્ર પર પણ બાવન એપિસોડ બનાવ્યા છે. જયનારાયણ વ્યાસ મિનિસ્ટર હોય કે ના હોય, કોઇ વ્યક્તિ આરોગ્ય માટે ડોક્ટરનું સજેશન માગે તો તે દર્દીને સસ્તા દરે ઉત્તમ સારવાર મળે છે. તેમણે 2000 લોકોને આરોગ્યની એવી સારવાર અપાવી છે કે જેમાં દર્દીઓના સગાસબંધીઓને 100 કરોડ રૂપિયાનો ખર્ચ ગયો છે. આ ભાવના અત્યારના મિનિસ્ટરમાં જોવા મળતી નથી.

      વ્યાસજી, તમારી તોલે કોઇ ના આવે...

      વ્યાસજી પોતે એક આખો એનસાઇક્લોપિડીયા છે. ભારતની આઝાદીના વર્ષમાં એટલે કે 14મી એપ્રિલ 1947માં જન્મેલા જયનારાયણ વ્યાસનું બચપન પણ મસ્તીથી ભરેલું રહ્યું છે. નવનિર્માણ આંદોલનના તેઓ સાક્ષી છે. સિદ્ધપુર તેમનો મતવિસ્તાર છે. તેઓ 2007-2012માં ધારાસભ્ય બન્યા પછી આરોગ્ય પ્રધાન તરીકે સેવાઓ આપી ચૂક્યાં છે. તેઓ જળનિષ્ણાંત છે તેથી તેઓ સરદાર સરોવર યોજનામાં ચેરમેન તરીકે રહી ચૂક્યાં છે. તેઓએ ચાર ટર્મ- 1990-95. 1995-98, 1998-2002, 2007-2012 સુધી ધારાસભ્યપદે રહી ચૂક્યાં છે. 2002 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજ્ય થયો હતો. જયનારાયણ વ્યાસે માસ્ટર ઓફ ટેકનોલોજી કર્યું છે. આઇઆઇટી મુંબઇથી તેઓ સિવિલ એન્જીનિયર થયેલા છે. માર્કેટીંગ મેનેજમેન્ટ કર્યું છે. તેમની પાસે કાયદાની પણ ડીગ્રી છે. તેમણે તેમની કારકિર્દીમાં અનેક પુસ્તકો પણ લખ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એનઆરઆઇ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન કોલબ્રેશન્સ, સ્ટોક્સ, ફાયનાન્સ, વોટર મેનેજમેન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પોલિસીઝ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

      જીવનની પ્રત્યેક ક્ષણને ફરીથી તાજી કરી...

      જયનારાયણ વ્યાસ તેમની ઓટોબાયોગ્રાફી લખી રહ્યાં છે તેમાં તેમણે જીવનના ચાર પાર્ટ પાડ્યા છે. સાતમા વર્ષ થી સિત્તેરમા વર્ષ સુધીની તેમની કારકિર્દી તેમાં આવરી લીધી છે. તેમના રાજકીય જીવનની સફર અંગે પણ તેઓ ઘણાં સ્ફોટક, ઘણાં રસપ્રદ તેમજ અનુકરણિય ચેપ્ટર લખી રહ્યાં છે. હાલ તેમનું બચપન આપણને ફેસબુકના તેમના પ્રત્યેક એપિસોડમાં જોવા મળે છે. સ્કૂલ અને કોલેજ કાળની મસ્તીના એ દિવસો વાગોળતાં તેઓના આંખના ખૂણાં ભીના થઇ જાય છે. તેમની બાયોગ્રાફીનો પહેલો એપિસોડ 2018માં પ્રકાશિત કરશે. પછી ક્રમશ તેઓ જીવનના બઘાં એપિસોડ લોકો માટે ખુલ્લા મૂકશે. વ્યાસજીની ખાસિયત એ છે કે કોઇ એવો સવાલ નથી કે તેમની પાસે તેનો પૂરો ઉત્તર ન હોય..કોઇ એવી સમસ્યા નથી કે તેમની પાસે તેનો ઉકેલ ન હોય.. રાજકારણથી વિશેષ તેઓ પાસે અનુભવનું ભાથું છે જેનો લાભ તેઓ હજારો લોકોને સોશ્યલ માધ્યમ થકી આપી રહ્યાં છે. મનસાગરના મોતી એ તેમના ફેસબુક એપિસોડનું નામ છે. હાલ તેઓ ભાજપમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના મેનિફેસ્ટોનું કામ કરી રહ્યાં છે.

      એન્જીનિયર કેમ?, પ્રોફેસર ના થવાય...

      એજ્યુકેશન પર તેમનું પ્રભુત્વ સારૂં છે. બાળકોને સાચી દિશા બતાવે છે. એક તબક્કે તેઓ માનતા હતા કે આજે ઇજનેરી કોલેજોનું ભૂત બાળકોને લાગ્યું છે ત્યારે આપણે ઉલટી દિશામાં પ્રયાસ કરવા જોઇએ. તેઓ કહેતા હતા કે આપણીં બેઝિક કોલેજ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ છે. અત્યારે એન્જીનિયર બનવાની ઘેલછામાં આપણે આપણી બેઝિક અભ્યાસ પદ્ધતિ ખોઇ નાંખી છે પરિણામે આપણને કોલેજોનું સંચાલન કરવા માટે અનુભવસિદ્ધ પ્રોફેસરો મળતા નથી. બાળકોએ ધોરણ-12 પછી બીએસીસી, એમએસસી, બીકોમ, એમકોમ, બીએ, એમએ પછી પીએચડી કરવું જોઇએ કે જેથી આપણને ઉત્તમ કોલેજોમાં ફેકલ્ટી મળી રહે. જો આમ ન થયું તો એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ્સને ચલાવવા માટે આપણને પુરતા પ્રોફેસરો નહીં મળે. તેઓ કહે છે કે- આજે મને કોઈ ફરી પસંદગી કરવાની તક આપે તો હું જરાય હિચકિચાટ વગર આર્ટ્સ એટલે કે વિનયન વિદ્યાશાખામાં જઉં. મસ્તીથી મારા શોખના વિષયો ભણું.તેઓ અફસોસ કરતાં કહે છે કે- આપણી સંસ્કૃતિની પાયાની ભાષા દેવોની ભાષા સંસ્કૃતમાં હું આગળ ન ભણી શક્યો. આજે પણ મને એનો અફ્સોસ છે. મારૂં એ અસ્તર કાચું છે.

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

 (09:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS